રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે સવારે હવામાન ખરાબ હોવાથી મુંબઈથી ઉદયપુર પહોંચેલી ઈન્ડિગોની ફ્લાઈટ ડાયવર્ટ થઈ અમદાવાદ મોકલાઈ હતી. થોડા સમય સુધી એરલાઈન્સ દ્વારા રાહ જોવા છતાં હવામાન ન સુધરતાં છેવટે ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 200 પેસેન્જરોને બાયરોડ ઉદયપુર મોકલાયા હતા.
એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ મંગળવારે સવારથી જ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હવામાન ખરાબ થતા ફ્લાઈટ સહિત અન્ય પરિવહન સેવા ખોરવાઈ ગઈ હતી. જેના પગલે ઉદયપુર એરપોર્ટ પહોંચેલી ફ્લાઈટો પણ ત્યાં લેન્ડ ન થઈ શકી હતી. જેમાં સવારના સમયે મુંબઈથી ઉદયપુર જઈ રહેલી ફ્લાઈટ પણ લગભગ 7 વાગે ઉદયપુર પહોંચી હતી પરંતુ તેને લેન્ડિંગ પરમિશન ન મળતા થોડા સમય સુધી ફ્લાઈટે હવામાં ચક્કર માર્યા બાદ તેને અમદાવાદ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. જેથી આ ફ્લાઈટ સવારે લગભગ 8 વાગે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.
અહીં આવ્યા બાદ થોડા સમય સુધી રાહ જોવા છતાં ઉદયપુરનું વાતાવરણ ન સુધરતા આ ફ્લાઈટને અમદાવાદમાં જ કેન્સલ કરી દેવામાં આવી હતી અને તમામ પેસેન્જરોને બહાર કાઢી ખાનગી બસમાં તેમને ઉદયપુર મોકલવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર એરલાઈન્સે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.