ગેસ્ટ એડિટરની કલમે:સર્જનનો આનંદ અને આનંદનું સર્જન...: ડો. સોનલ પંડ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેસ્ટ એડિટર - ડૉ. સોનલ પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડાં - Divya Bhaskar
ગેસ્ટ એડિટર - ડૉ. સોનલ પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડાં

વર્ષ ૨૦૨૧માં ‘યુનાઇટેડ નેશન્સ’ના વિશ્વની સુખાકારી આંક (વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ) મુજબ ૧૪૯ દેશોના થયેલા સર્વેક્ષણમાં ભારત 140મા ક્રમે છે. જ્યારે પાકિસ્તાન 105મા ક્રમે અને ચીન 84મા ક્રમે છે. વિશ્વના સૌથી સુખી અને ખુશ પહેલા ત્રણ દેશો અનુક્રમે ફિનલેન્ડ, ડેનમાર્ક, અને સ્વિત્ઝર્લેન્ડ છે. વિશ્વમાં પ્રાથમિક શિક્ષણમાં ઉત્તમ ગુણવત્તા ધરાવતા દેશોમાં પણ ફિનલેન્ડ મોખરે છે. ભારતમાં શિક્ષણ મુખ્યત્વે રોજગારી મેળવવાનું સાધન છે. જેનાથી આર્થિક સ્વાવલંબન આવે છે. પરંતુ શિક્ષણની ગુણવત્તાનો એક સંબંધ સુખાકારી સાથે પણ છે. અહીં સુખાકારીનો અર્થ માત્ર ભૌતિક સગવડો નથી.

કોરોના મહામારીમાં શાળાકીય શિક્ષણ ઓનલાઇન ચાલે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આ પદ્ધતિથી ખુશ નથી તેવી ફરિયાદો વિદ્યાર્થીઓ, વાલીઓ, અને શિક્ષકો પણ કરે છે. સવાલ એ છે કે ‘વર્ચ્યુઅલ એજ્યુકેશન’ રસપ્રદ બને તે માટે ગમે તેટલા પ્રયાસો થાય છતાં શાળા, શિક્ષક અને મિત્રોને મળવાનો આનંદ અને પ્રત્યક્ષીકરણની પ્રતીતિ ‘વર્ચ્યુઅલ એજ્યુકેશન’માં થતી નથી. આપણી શિક્ષણ વ્યવસ્થામાં શાળાઓ જ્યારે રાબેતા મુજબ ચાલતી હતી ત્યારે પણ શાળા અને શિક્ષણને આપણે કેટલું રસપ્રદ અને આનંદમય બનાવી શક્યા એ સવાલ પૂછવા જેવો છે.

શીખવાનો આનંદ એ જીવનના દિવ્ય આનંદ પૈકીનો એક છે. શું આપણી શિક્ષણ વ્યવસ્થા થકી આ દિવ્ય આનંદ આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ છીએ ખરા? જીવનમાં કશુંક કરવાની વિદ્યાર્થીઓની ધગશ ધીરેધીરે પરીક્ષાઓમાં અને ગુણપત્રકોમાં ખોવાઈ જાય છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની કુતૂહલતા જીવંત રાખવાનું કામ સૌથી વધુ મહત્ત્વનું છે. પોતાના ગમતા વિષય વિશે જાણવાની કુતૂહલતા જ્યારે ઉચ્ચતમ કક્ષાએ પહોંચે ત્યારે વિદ્યાર્થી આ પરિશ્રમનો આનંદ માણે છે.

આપણી શિક્ષણ-વ્યવસ્થામાં વિદ્યાર્થીને રસ પડે છે તેના કરતાં બજારલક્ષી પરિબળો નક્કી કરે છે કે બાળકને શેમાં રસ પડવો જોઈએ? જીવનમાં પરિશ્રમનો આનંદ લેતાં જો વિદ્યાર્થીઓ શીખી જાય તો કોઈ વ્યવસ્થા જ્ઞાન-પ્રાપ્તિની દિશામાં અવરોધો ઊભા ન કરી શકે. ભારત સરકારની ‘નવી શિક્ષણ નીતિ’ વર્ષ2020માં અસ્તિત્વમાં આવી. જેમાં ત્રણ બાબતોનો ઉલ્લેખ છે : જ્ઞાન, પ્રજ્ઞા, અને સત્ય. ગાંધીવિચારની દૃષ્ટિએ પણ બુનિયાદી શિક્ષણ વ્યવસ્થામાં હાથ, મસ્તક, અને હૃદય એ ત્રણેયના સંવર્ધન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

આપણે શિક્ષણ પ્રક્રિયા થકી અપેક્ષિત પરિણામ એટલે કે ‘લર્નિંગ આઉટકમ’ની ચર્ચા કરીએ છીએ. પણ આ પ્રક્રિયાને રસપ્રદ અને આનંદપ્રદ બનાવવા માટે શિક્ષણને ભય અને પ્રલોભનમાંથી મુક્ત કરવું પડે. મોટા ભાગની શિક્ષણ-સંસ્થાઓ સ્પર્ધાને શૈક્ષણિક પ્રગતિ માટે અનિવાર્ય ગણે છે. જેના માટે ‘તંદુરસ્ત હરીફાઈ’ જેવો શબ્દ પણ વાપરે છે. જોકે,ગાંધીશિક્ષણવિદ નટવરલાલ પ્ર. બૂચના મતે ‘જે રીતે સિંહ કદી અહિંસક ન હોઈ શકે તે રીતે હરીફાઈ કદી તંદુરસ્ત ન હોઈ શકે!’ એક માણસ બીજા માણસથી જુદો છે એનો અર્થ એવો નથી કે એક માણસ ચડિયાતો છે અને બીજો નબળો છે. સ્પર્ધા માટે ઘોડો તૈયાર કરીએ અને દેશ માટે નાગરિકોનું ઘડતર કરીએ તેમાં ફરક છે. આપણે આગળ નથી નીકળી જવાનું. શિક્ષણ થકી ઊર્ધ્વગતિ થવી જોઈએ.

શીખવાના આનંદની ચિંતા શિક્ષણમાં એટલા માટે કરવાની જરૂર છે કે જ્યારે વિદ્યાર્થીઓને આપણે શીખવાનો આનંદ નથી શીખવી શકતા એટલે મોટા વ્યાવસાયિકો બનીને તેમને કામનો આનંદ પણ આવતો નથી. જે સમાજમાં વ્યાવસાયિકોને કામનો આનંદ ન આવે ત્યાં કદી પણ ‘વર્ક કલ્ચર’ ન વિકસી શકે! જીવનમાં ખાવાનું-પીવાનું પણ કશું નહીં કરવાનું એટલે મજા - એવી સમજ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરેલા મોટા ભાગના વિદ્યાર્થીઓના મનમાં ચુસ્તપણે બેસી જાય છે. પરંતુ, જીવનનો સાચો આનંદ તો ગમતા કામ માટે અથાક પરિશ્રમ કરી થાકી જવામાં જ છે. આવા થાકવાના આનંદની મજા શિક્ષણની આ પ્રક્રિયામાંથી જન્મવી જોઈએ. જ્ઞાનના સર્જનનો આનંદ હોય ત્યાં જ આનંદનું સર્જન થઈ શકે!

અન્ય સમાચારો પણ છે...