ગૃહક્લેશની વધુ એક ઘટના:પત્રકાર પતિએ પૂછ્યું, ‘કોની સાથે વાત કરે છે?’, ‘નવા ધણી સાથે વાત કરું છું’ કહીને પત્નીએ માથામાં દસ્તો માર્યો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સાળીએ પણ બનેવીને તેની માતા સાથે ઘરમાંથી નીકળી જવાનું કહી ઝઘડો કર્યો
  • સાબરમતી પોલીસ સ્ટેશનમાં પતિએ પત્ની અને સાળી સામે ફરિયાદ નોંધાવી

સાબરમતીમાં રહેતા એક પત્રકાર બહારથી ઘરમાં આવ્યા ત્યારે તેની પત્ની ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. આ સમયે પતિએ કોની સાથે વાત કરે છે તેમ પૂછતાં પત્નીએ ગુસ્સે થઈને કહ્યું હતું કે, હું મારા નવા ધણી સાથે વાત કરું છું અને તારે શું લેવાદેવા છે, આપણે તો હવે છૂટાછેડા લેવાના છે તેમ કહીને ઝઘડો કરીને રસોડામાંથી દસ્તો લઈને પતિને માથામાં ફટકારી દીધો હતો. આ અંગે પત્રકાર પતિએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પત્ની તથા સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પત્નીને ફોન પર વાત કરતા જોઈને પતિએ પૂછ્યું, કોની સાથે વાત કરે છે?
સાબરમતી ચેનપુરમાં કેશવવિલા ફલેટમાં રહેતા અને ગાંધીનગર જિલ્લામાં ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરતા પત્રકારે નોંધાવેલી ફરિયાદ અનુસાર શુક્રવારે રાતના નવેક વાગ્યાના સુમારે તેઓ કામ પરથી ઘરે આવ્યા બાદ તેમની પુત્રીને લઈને ફલેટના કંપાઉન્ડમાં ફરવા ગયા હતા. ત્યારબાદ ઘરે આવીને જોયું તો તેમની પત્ની ફોન પર વાત કરતા હતા. જેથી પતિએ પૂછપરછ કરી હતી કે, તું કોની સાથે ફોનમાં વાત કરે છે જેથી પત્ની એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને કહ્યું હતું કે, હું મારા નવા ધણી સાથે વાત કરુ છું અને તારે શું લેવાદેવા છે અને આપણે તો હવે છૂટાછેડા લેવાના છે. જે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

સાળીએ પણ ઘરમાંથી બહાર નીકળી જવા કહ્યું
દરમિયાન બોલાચાલીનો અવાજ સાંભળીને તેમની સોસાયટીના ચેરમેન તેમના ઘરે આવ્યા હતા અને સમજાવટ કરતા હતા. તે વખતે પત્રકારની સાથે તેમની સાળી ઝપાઝપી કરવા લાગી હતી અને કહ્યું હતું કે, તું તારી માતાને લઈને ઘરની બહાર નીકળી જા, આ વખતે પત્નીએ રસોડામાંથી ખાંડણીનો દસ્તો લઈને આવી પતિને માથામાં મારી દીધો હતો અને કહ્યું હતું કે, આજે તો તને છોડીશ નહીં. ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જયાં સાબરમતી પોલીસ સમક્ષ તેમણે પત્ની તથા સાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ ફરિયાદ નોંધાવી ત્યારથી ઝઘડા થાય છે
પોલીસ ફરિયાદ અનુસાર પત્રકાર પતિએ આ અગાઉ તેમની પત્નીના માસા, મામા તથા માસી વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી પતિપત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે છે.