ભાસ્કર એક્સક્લૂઝિવ:મનપસંદ જિમખાનામાં પડ્યાપાથર્યા રહેતા 65 કોન્સ્ટેબલની તપાસ ACBને સોંપાઈ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • લાખો રૂપિયાનો હપતો લેતા હોવાના પુરાવા મળતા ગૃહ વિભાગે તપાસ સોંપી

દરિયાપુરના મનપસંદ જિમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડેલા દરોડાના કેસમાં ક્રાઇમ બ્રાંચના 65 પોલીસ કર્મચારીઓ આ જુગારઅડ્ડા પર પડ્યાપાથર્યા રહેતા હોવાનો ખુલાસો થયો હતો, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ તમામ પોલીસ કર્મચારીઓને નોટિસ આપી નિવેદન માટે બોલાવ્યા હતા. 3 વખત નોટિસ આપી હોવા છતાં એક પણ પોલીસ કર્મચારી નહીં આવતા આખરે ડીજીપી એ આ અંગે ગૃહ ખાતામાં રિપોર્ટ કર્યો હતો, જેના આધારે ગૃહ વિભાગે આ તપાસ એસીબીને સોંપી છે.

મનપસંદ જિમખાનું પોલીસની રહેમ નજર હેઠળ જ ધમધમતું ​​​
દરિયાપુરમાં આવેલા મનપસંદ જિમખાનામાં ધમધમતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે 6 જૂન, 2021ના રોજ દરોડો પાડીને જુગાર રમતા 180 માણસોને ઝડપી લઈ રૂ.1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તપાસ કરતા મનપસંદ જિમખાનું પોલીસની રહેમ નજર હેઠળ જ ધમધમતંુ હતું. જ્યારે ક્રાઇમ બ્રાંચના 60 તેમ જ એસઓજીના 5 મળી 65 પોલીસ કર્મચારી અહીં જ પડ્યાપાથર્યા રહેતા હોવાનું પુરવાર થયું હતું, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે આ તમામ પોલીસ કર્મચારીઓને નોટિસ આપીને બોલાવ્યા હતા.

જવાબ લખાવવા નહીં જતા તમામને 3 વખત નોટિસ

જોકે એક વખત નોટિસ આપવા છતાં એક પણ પોલીસ કર્મચારી ગાંધીનગર જવાબ લખાવવા નહીં જતા તમામને 3 વખત નોટિસ અપાઈ હતી, પરંતુ એક પણ પોલીસ કર્મચારી જવાબ લખાવવા ગયો ન હતો. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ ડીજીપીને રિપોર્ટ કર્યો હતો, જેમાં આ પોલીસ કર્મચારીઓએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાથી જવાબ લખાવવા આવતા ડરી રહ્યા હોવાનું લખવામાં આવ્યું હતું.

પોલીસ કર્મચારીઓએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો
આ રિપોર્ટ ડીજીપીએ ગૃહ ખાતામાં રજૂ કર્યો હતો. જોકે આ રિપોર્ટમાં પોલીસ કર્મચારીઓએ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જાણવા મળતા આ પોલીસ કર્મચારીઓ સામેની ઇન્કવાયરીની તપાસ એસીબીને સોંપવામાં આવી છે, જેના આધારે એસીબીએ હવે આ પોલીસ કર્મચારીઓને બોલાવવા માટે તજવીજ શરૂ કરી છે.

રેડ બાદ પણ જિમખાનું ચાલુ, મેમ્બરોને જ થમ્બ પ્રિન્ટથી એન્ટ્રી
ગયા વર્ષની રેડ બાદ હાલમાં મનપસંદ જિમખાનું કોર્ટના નિર્દેશ પ્રમાણે ચાલી રહ્યું છે, જેથી હાલમાં ત્યાં જુગાર નહીં, પરંતુ રમી અને મેરેજની રમત રમાડવામાં આવી રહી છે. જોકે રેડ બાદ પોલીસ ગમે ત્યારે અંદર આવી ન જાય તે માટે હાલમાં માત્ર જિમખાનાના મેમ્બરો પૂરતી જ એન્ટ્રી રાખવામાં આવી છે. તેમાં પણ મેમ્બરના થમ્બ પ્રિન્ટ મેચ થયા બાદ જ દરવાજો ખૂલી શકે તેવી સિસ્ટમ લગાવવામાં આવી છે.

હાલમાં પોલીસ અઠવાડિયામાં 1થી 2 વાર ચેક કરવા જાય છે
મનપસંદ જિમખાનામાં હાલમાં કોર્ટના નિર્દેશ પ્રમાણે રમી અને મેરેજની રમત રમાડાય છે તેવુંં સંચાલકો પોલીસને જણાવી રહ્યા છે, પરંતુ પોલીસને તેમના પર વિશ્વાસ નહીં હોવાથી અઠવાડિયામાં એકથી બે વખત દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તેમ જ એસીપી જાતે ત્યાં ચેકિંગમાં જાય છે. આ ઉપરાંત પીસીબી - સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ પણ ત્યાં ગુપ્ત રીતે વોચ રાખી રહ્યા છે.

પૈસાના વ્યવહારોની ચિઠ્ઠીમાં પોલીસ કર્મચારીઓનાં નામ
મનપસંદ જિમખાનામાંથી પોલીસને જે કાગળો મળી આવ્યા હતા. તેમાં ઘણી બધી ચબરખી તેમ જ કોને કોને પૈસા આપવામાં આવતા હતા, તેનું લિસ્ટ મળ્યું હતું. આ કાગળોમાં ક્રાઇમ બ્રાંચના 60 તેમ જ એસઓજીના 5 મળીને 65 પોલીસ કર્મચારીઓનાં શોર્ટ નામ અને કેટલા પૈસા મળતા હતા, તે લખવામાં આવ્યું હતું, જેમાં આ પોલીસ કર્મચારીઓને લાખો રૂપિયા ચૂકવાયા હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...