...બસ હવે બહુ થયું:મારા દીકરાને જ્યાં જવું હશે ત્યાં જશે, તું તલાક આપી દે...,પતિ અન્ય યુવતીને લઈ ભાગી જતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • 2010માં લગ્ન કર્યા બાદ માત્ર એક વર્ષમાં જ સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું

શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે, લગ્નના દોઢેક વર્ષ બાદ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરતાં તે પતિ સાથે અલગ રહેવા ગઈ હતી. પતિના માતા પિતાએ અલગ રહેવાની ના પાડતા તે પત્ની પાસે અઠવાડિયામાં એકવાર આવતો અને કોરોનામાં લોકડાઉન આવતા મહિલાના પતિએ તેની પાસે જવાનું બંધ કરી દીધું હતું, પણ પરિણીતા પતિની અનેક દિવસો રાહ જોઇને બેસી રહેતી હતી. 2010માં લગ્ન કર્યા બાદ હવે પરિણીતાને બહારથી જાણવા મળ્યું કે, તેનો પતિ કોઈ યુવતી સાથે ભાગી ગયો છે. જેથી કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મહિલાને નાની મોટી વાતોમાં મહેણાં મારી ત્રાસ આપતા
શહેરના વેજલપુર સોનલ સિનેમા પાસે રહેતી 36 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. ગોમતીપુરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા બાદ મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. લગ્ન બાદ મહિલાના સાસુ સસરા અને અન્ય સાસરિયાઓએ દોઢેક વર્ષ સુધી સારી રીતે રાખી હતી. બાદમાં મહિલાને નાની મોટી વાતોમાં મહેણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ પણ અલગ અલગ બાબતોમાં ઝગડા કરી મારા મારી મહિલાને ત્રાસ આપતો હતો. જેથી મહિલા તેના પતિ સાથે અલગ જગ્યાએ રહેવા ગઈ હતી. ત્યારે સાસુ સસરાએ મહિલાના પતિને બોલાવી પત્ની સાથે અલગ ન રહેવા કહ્યું હતું અને બાદમાં મહિલાનો પતિ અઠવાડિયામાં એક જ દિવસ તેની પાસે આવતો હતો.

લોકડાઉનમાં અઠવાડિયે એકવાર મળવા જતો પતિ
જ્યારે પતિ મહિલા પાસે આવે અને તે ઘરખર્ચ માંગે તો તેને માર મારી બબાલો કરી જતો રહેતો હતો. મહિલાને પુત્ર હોવાથી તે સંસાર ન બગડે એ માટે બધો ત્રાસ સહન કરતી હતી. કોરોનાની મહામારી વખતે લોકડાઉન આવતા આ મહીલા પાસે તેનો પતિ આવતો નહિ. પતિને મહિલા ફોન કરે તો તે ફોન પણ ઉપાડતો નહિ અને મહિલા તેનો પતિ આવશે તેવી આશા રાખીને બેઠી હતી. તેવામાં તેને જાણવા મળ્યું કે, તેનો પતિ કોઈ યુવતીને લઈને ભાગી ગયો છે. જેથી મહિલાએ તેની સાસુ અને સસરાને પૂછતાં તે લોકોએ કહ્યું કે, મારા દીકરાને જ્યાં જવું હશે ત્યાં જશે તારે શું કામ છે તું તલાક આપી દે. આમ પતિ સહિતના સાસરિયાઓ એ ત્રાસ આપતા આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...