થલતેજમાં રહેતી બીઇ ઇન કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ-સાસરિયાં વિરુદ્ધ મારઝૂડ-દહેજની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવી રજૂઆત કરાઇ છે કે, લગ્નની રાત્રે તેના સાસુએ તમામ સોનાના ઘરેણાં-રોકડ 2.50 લાખ લોકરમાં મૂકવાને બહાને પડાવી લીધા હતા, જ્યારે સસરાએ લગ્નને બીજે જ દિવસે પુત્રવધૂને નોકરી કરવા મોકલી હતી.
યુવતીનો પગાર તેના અને પતિના જોઇન્ટ બેંક એકાઉન્ટમાં જમા થતો હોવાથી દર મહિને એકાઉન્ટમાંથી પૈસા પતિ લઇ લેતો હતો. લગ્નને એક વર્ષ પૂરું થાય તે પહેલાં યુવતીને પતિએ પિયેર મૂકી આવ્યો અનેે કહ્યું હતું કે, આઇએલટીએસની પરીક્ષામાં સારા બેન્ડ સાથે પાસ થઇને કેનેડા જવા માટે પૈસા લઇને આવજે, નહીંતર ઘરે પાછી આવતી નહીં.
થલતેજમાં રહેતી યુવતીના લગ્ન સમાજના રીતિ-રિવાજ મુજબ 30 જૂન 2020માં થયા હતા. લગ્નની રાતે જ તેના સાસુએ ઘરેણાં અને રોકડા રૂપિયા પડાવી લીધા હતા, જ્યારે સસરાએ તેને લગ્નના બીજા જ દિવસથી નોકરીએ જવા કહ્યું હતું. થોડા મહિના બાદ તેના પતિએ તેને આઇટી કંપનીમાં 30 હજારના પગારથી નોકરીએ લગાવી હતી, આ પગાર બંનેના જોઇન્ટ એકાઉન્ટમાં જમા થતો હોવાથી પતિ તેનો પગાર ઉપાડી લેતો. એટલું જ નહી, પતિ અવારનવાર તેને પિતાના ધંધામાંથી હિસ્સો માગવા દબાણ કરતો હતો.
પત્ની પિતા પાસેથી કંઇ લાવવાનો ઇન્કાર કરે તો તેને મારઝૂડ કરતો હતો. પિયેરમાં મોબાઇલ પર કોઇની સાથે વાત કરતી હોય ત્યારે તેના પર ચાપંતી નજર રાખતો હતો. આ અંગે મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા અને નણંદ સામે દહેજની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.