અમદાવાદનો અજીબોગરીબ કિસ્સો:પતિએ પત્નીને કહ્યું પિયરમાંથી 50 લાખ લઈને આવજે, નહીં તો મારી પહેલી પત્નીનો આત્મા તને ભરખી જશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • મહિલાએ પહેલા પતિ સાથે છુટાછેડા થયા બાદ બીજા લગ્ન કર્યા હતાં
  • લગ્ન બાદ મહિલા સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેતી હતી
  • મહિલાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદમાં સાસરિયાઓના મ્હેણાં ટોણાં અને પતિની પૈસાની માંગથી અનેક મહિલાઓ માનસિક અને શારીરિક રીતે હેરાન થઈ રહી છે. ત્યારે શહેરમાં એક અજીબો ગરીબ બનાવ સામે આવ્યો છે. મહિલાને તેનો પતિ પિયરમાંથી હોસ્પિટલ ખોલવા માટે 50 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરતો હતો. મહિલાએ પૈસા આપવાની ના પાડતાં પતિ અને સાસરિયા તેને પહેલી પત્નીએ આત્મહત્યા કરી હોવાથી તેનો આત્મા તારી દેરાણીમાં વસે છે એમ કહીને ડરાવતાં હતાં. મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

ભૂત પ્રેતના નામે સાસરિયાઓ ડરાવતા હતાં
અમદાવાદમાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદી મહિલાના અગાઉ એક યુવક સાથે લગ્ન થયા હતા. પરંતુ બાદમાં બંને વચ્ચે મનમેળ નહીં રહેતા તેણે છૂટાછેડા થયા હતાં.આ મહિલા તેના પહેલા પતિથી થયેલા સંતાનો સાથે રહેતી હતી. બાદમાં તેના લગ્ન અન્ય યુવક સાથે થયા હતાં. તે પહેલા અને બીજા પતિના સંતાનો સાથે રહેતી હતી. પરંતુ તેનો પતિ અવાર નવાર પૈસાની માંગણી કરી ત્રાસ આપતો હતો અને સાથે જ તેના જેઠ-જેઠાણી દિયર દેરાણી અને પતિ ગભરાવતા હતા.સાસરિયાઓ આ મહિલાને તેના બીજા પતિની પહેલી પત્નીએ આત્મહત્યા કરી હોવાથી તેનો આત્મા તેની દેરાણીમાં વસે છે તેમ કહી તેને ડરાવતા હતા.

ઇન્દોર ખાતે મહિલાએ કોર્ટ મેરેજ કર્યા હતા
મૂળ મધ્યપ્રદેશની અને હાલ અમદાવાદના નારણપુરામાં રહેતી 43 વર્ષીય મહિલા તેના સંતાનો સાથે રહે છે. આ મહિલાના પ્રથમ લગ્ન વર્ષ 1998માં દાહોદ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. જેના થકી સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. બાદમાં તેના પતિ સાથે મનમેળ ન રહેતા આ મહિલાએ વર્ષ 2012માં ઇન્દોર ખાતે તેના પતિ પાસેથી છુટાછેડા લીધા હતા અને બાદમાં તેના માતા-પિતા ભાઈ બહેન સાથે રહેતી હતી. વર્ષ 2014માં દાહોદ ખાતે રહેતા અન્ય એક યુવક સાથે ઇન્દોર ખાતે આ મહિલાએ કોર્ટ મેરેજ કર્યા હતા.

પહેલા પતિથી થયેલા બાળકોને રાખવા સાસરિયાઓનો ઈનકાર
લગ્ન બાદ આ મહિલા તેના પતિ, સાસુ, જેઠ, જેઠાણી તથા દિયર અને દેરાણી સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા ગઇ હતી. એકાદ મહિના પછી મહિલાના બંને બાળકોને ત્યાં સાથે રાખવાની વાત કરતા તેના સાસરિયાઓએ બાળકોનો સ્વીકાર કર્યો ન હતો અને બોલાચાલી કરવા લાગ્યા હતા. આ મહિલાના પતિએ તેને કહ્યું કે, મેં તારી સાથે લગ્ન કર્યા છે તારા બાળકો સાથે નહીં. જેથી અહીં લાવવા નહીં. આ મહિલા ઇન્દોર ખાતે તેના પતિ સાથે રહેવા ગઈ હતી. ત્યાં તેના હાલના પતિના અગાઉની પત્નીના ત્રણ બાળકો તથા આ મહિલાના પહેલા પતિના બંને બાળકોની સાથે રહેતા હતા.

50 લાખ લાવવા માટે દબાણ કરવામાં આવ્યું
વર્ષ 2017માં આ મહિલા તેના પતિ તથા બાળકો સાથે વસ્ત્રાપુર ખાતે રહેવા આવ્યા હતા. આ દરમિયાન તેના પતિએ ઘરખર્ચ આપવાનું બંધ કરી દીધું હતું અને પતિએ લીમખેડા ખાતે હોસ્પિટલ ખોલવી હોવાથી પિયરમાંથી 50 લાખ રૂપિયા લઈ આવવાનું આ મહિલાને જણાવ્યું હતું. જો પૈસા ન લાવે તો ઘરે આવવું નહીં અને જો આવી તો તારી દેરાણી કે જેનામાં અગાઉની પત્નીનો આત્મા છે તે ભરખી જશે. તેમ કહી ડરાવવાનું શરૂ કર્યું હતું. બાદમાં મહિલાના પતિએ તું મને ગમતી નથી મારી જિંદગી બરબાદ કરી નાખી છે. તારા માતા-પિતાએ કોઈ પૈસાની મદદ કરી નથી તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી કંટાળીને આ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...