અમદાવાદના રામાપીર ટેકરામાં મકાનો તોડી પાડ્યા:ઘરને બચાવવા હોસ્પિટલમાં દાખલ પત્નીને એકલી મૂકી પતિ ચેક લેવા દોડ્યો

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા ખાતે સ્લમ રિડેવલોપમેન્ટ પોલીસી અંતર્ગત સેક્ટર-5માં મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રામાપીરના ટેકરા ખાતે સેક્ટર-5માં રહેનારા લોકો જે ચેક લેવા તૈયાર નહોતા અને મકાન ખાલી નથી કર્યા એવા લોકોના મકાનોને તોડી નાખવાની કાર્યવાહીના પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે વાડજ ખાતેના રામાપીરના ટેકરા ખાતે મકાનો તોડવાની કાર્યવાહી અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં જે પણ મકાન માટેના ચેક લેવા માટે તૈયાર નથી તેવા લોકોના મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને જે વ્યક્તિએ મકાન માટેના ચેક લઈ લીધા છે તેઓને 19 તારીખ સુધી મકાન ખાલી કરવાનો સમય આપવામાં આવ્યો છે. લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, અમને મકાનો ખાલી કરવા માટેનો સમય આપવામાં આવ્યો નથી અને ચેક લીધો નથી છતાં પણ અમારા મકાનો તોડી રહ્યા છે.

પોતાના ચેક લેવા લોકો બિલ્ડરની ઓફિસે પહોંચ્યા
મકાન માલિકોને બિલ્ડરો દ્વારા ભાડાના જે ચેક આપવામાં આવી રહ્યા છે તે નથી લીધા તેમના મકાનોને તોડવામાં આવી રહ્યા હતા. સવારે 10 વાગ્યાથી મકાનો તોડવાની કાર્યવાહી કરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પચાસથી વધુ મકાનો તોડી દેવામાં આવ્યા હતા. તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતાની સાથે જ જે પણ લોકોને ચેક લેવાના હતા તેવા તમામ લોકો પોતાના ચેક લેવા માટે થઈ બિલ્ડરની ઓફિસે પહોંચ્યા હતા.

બે દિવસથી મકાનો ખાલી કરાવી અને તોડવાની કાર્યવાહી
શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા પર સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત હજારો મકાનોને તોડી અને ત્યાં નવા મકાનો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સેક્ટર પાંચમાં કુલ 962 જેટલા મકાનોમાંથી 249 જેટલા લોકોએ ચેક લીધા ન હતા. જેથી 10 જાન્યુઆરીથી આવા મકાનોને ખાલી કરાવી અને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી મકાનોને ખાલી કરાવી અને તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મકાનોમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો
ત્યારે દિવ્ય ભાસ્કરે આ અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગરીબ લોકોના મકાનોમાંથી સામાન બહાર કાઢી અને તેઓના મકાન તોડી નાખવામાં આવ્યા હતા. તો એક વ્યક્તિની પત્નીને હાર્ટ અટેક આવ્યો હતો અને પોતે હોસ્પિટલમાં હતા અને તેઓનું મકાન તોડવા માટે પહોંચ્યા હતા. જોકે, છેવટે તેઓએ ચેક લેવાની સંમતિ દર્શાવી પડી હતી નહીં તો પોતે અત્યારે મકાન તૂટી જાય તો ક્યાં રહેવા જાય તેના માટે થઈ પત્નીને એકલા હોસ્પિટલમાં મૂકી અને ઘરે આવવું પડ્યું હતું.

'અમારું મકાન તોડવા માટે બિલ્ડરના માણસો પહોંચ્યા'
સંપતરામ પ્રજાપતિ નામના વ્યક્તિએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી પત્નીને હાર્ટની તકલીફ છે અને તેઓ છેલ્લા દસ દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. હું અને મારો દીકરો હોસ્પિટલમાં હતા અને ત્યારે આજે સવારે અમારું મકાન તોડવા માટે બિલ્ડરના માણસો અને પોલીસ પહોંચી હતી. મારી પત્ની હોસ્પિટલમાં દાખલ હતી અને મને ફોન આવ્યો એટલે મારે તેને એકલા મૂકી ઘરે આવવું પડ્યું છે. અમારે ચેક નથી લેવો છતાં પણ ધાક ધમકી આપી જબરજસ્તી અમારી પાસે ચેક આપવામાં આવ્યો છે.

'હવે અમારો સામાન બહાર રોડ ઉપર પડ્યો છે'
અંબાબેન નામની મહિલાએ જણાવ્યું હતું કે, હું અને મારા પતિ ઘરે હાજર ન હતા. આજે સવારે કલેક્ટર ઓફિસ ખાતે રેલીમાં ગયા હતા અને બીજી મહિલાઓ જ્યારે ઘરે હાજર હતી ત્યારે જબરજસ્તી પોલીસ અને બિલ્ડરના માણસોએ આવીને અમારું ઘર ખાલી કરાવ્યું અને મકાનને તોડી નાખ્યું. અમારો સામાન ઘરની બહાર કાઢી નાખ્યો. અત્યારે હવે અમારો સામાન બહાર રોડ ઉપર પડ્યો છે અમારે ત્યાં જવાનું.

'લુખ્ખાં તત્ત્વોની જેમ અમને બહાર કાઢ્યા'
આશાબેન વાઘેલા નામની મહિલાએ જણાવ્યું હતું કે, અમારા સાસુ સસરા ઘરે હાજર નહોતા બહાર ગયા હતા. સવારે જ્યારે બિલ્ડરના માણસો અને પોલીસ આવ્યા અને જબરજસ્તી અમને ખેંચીને ઘરની બહાર કાઢ્યા. અમારા પતિને પણ બહાર લઈ ગયા. અમે તેઓને વિનંતી પણ કરી છતાં પણ લુખ્ખા તત્ત્વોની જેમ અમને ખેંચીને બહાર કાઢી અને અમારો સામાન બહાર ફેંકી દીધો અને અમને કાઢીને મકાન તોડી નાખ્યું છે. અનેક લોકોએ આક્ષેપ કર્યો છે કે અમારે મકાન ખાલી કરવા નથી અને ચેક નથી લેવા છતાં પણ જબરજસ્તી અમને ધાક ધમકી આપી ચેક આપવામાં આવી રહ્યા છે. તેથી અમારે ચેક લેવા પડ્યા છે અને મકાન ખાલી કરવા પડ્યા છે.

249 લોકોએ હજી સુધી મકાન ખાલી કર્યા નહોતા
વર્ષ 2016થી રામાપીરનો ટેકરો ખાલી કરાવી અને ત્યાં અંતર્ગત મકાનો બનાવવા અંગે વિવિધ બિલ્ડરોને ટેન્ડરો દ્વારા કામગીરી સોંપવામાં આવી છે. રામાપીરના ટેકરા ખાતે સેક્ટર 5માં આવેલા 962થી વધુ મકાનો અને ઝૂંપડાઓને ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. 34 લોકોએ અગાઉ ચેક લઈ લીધા હતા અને મકાન ખાલી કરી દીધા હતા, પરંતુ 249 જેટલા લોકોએ હજી સુધી મકાન ખાલી કર્યા નહોતા અને ચેક પણ લીધા નહોતા. જેથી દસ જાન્યુઆરીના રોજથી જે પણ લોકોએ મકાનના ચેક નોતા લીધા તેઓના મકાન તોડવા માટે થઈ અને પોલીસ બંદોબસ્ત સાથે એસટી વિભાગની ટીમ પહોંચી હતી. જોકે, ત્યારબાદ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આવ્યા હતા અને તેઓએ મકાન ખાલી કરવા માટે સમય આપવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

સર્વે બાદ જેમણે ચેક લીધા તેમના મકાન પર લાલ નિશાન કર્યું
જે પણ લોકો મકાનના ચેક લેવા માટે સંમત થાય છે. તેઓને 19 જાન્યુઆરી સુધી મકાન ખાલી કરવા માટે થઈ સમય આપવામાં આવ્યો છે અને જે પણ લોકો ચેક લેવા તૈયાર નથી તેઓને બાર જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. 12 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી જે પણ લોકો ચેક લેવા તૈયાર નથી તેઓના મકાનને તોડી નાખવામાં આવશે. જેથી આજે સવારથી જ જે પણ લોકો ચેક લેવા સંમત નહોતા તેઓના મકાન તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સવારે સર્વે કરવામાં આવ્યો હતો જેમાં જે લોકોએ ચેક લીધા હતા તેમને મકાન પર લાલ નિશાન કર્યું હતું અને જેઓ એ નહોતા લીધા તેમના મકાન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બંદોબસ્ત સાથે તોડી નાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...