થોડા વરસાદમાં પણ પાણી ભરાતા અને રોડ તૂટતાં ‘દિવ્ય ભાસ્કર’એ શહેરના એક સામાન્ય વ્યક્તિ તરીકે 48 વોર્ડના મહિલા પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી અને સમસ્યા જણાવી હતી. આશ્ચર્યની વાત સામે આવી કે, મહિલા કોર્પોરેટર્સના ફોન તેમના પતિ ઉઠાવી રહ્યાં હતાં અને તે પોતે વિસ્તારના કોર્પોરેટર હોય તેમ વર્તન કરી રહ્યાં હતાં.
શહેરના 9 વોર્ડના મહિલા કોર્પોરેટરોનો મોબાઈલ તેમના પતિ અથવા દીકરા પાસે હતો. વિરાટનગરના કોર્પોરેટરના પતિએ પોતાને પીએ ગણાવ્યા હતાં જ્યારે સૈજપુર-બોઘા વોર્ડના એક મહિલા કોર્પોરેટરના પતિએ બીજા સહયોગી મહિલા કોર્પોરેટરના પતિ સાથે રાઉન્ડ લેવાનું આશ્વાસન આપ્યું હતું.
મ્યુનિ. ભાજપના એક સિનિયર કોર્પોરેટરે કહ્યું કે, આવું તો વર્ષોથી ચાલે છે. મહિલા અનામતની બેઠકો પર કાર્યકર્તાના ઘરમાં ટિકિટ આપવાની હોય ત્યારે મોટાભાગે તેમના પત્નીને અપાય છે. પછી ભલે પત્નીને કશું જ ખબર પડતી ના હોય. તમામ વહિવટ કાર્યકર્તા જ કરતા હોય છે. મહિલા કોર્પોરેટરનું તો નામ માત્ર હોય છે.
પતિ દેવોએ કહ્યું, તમારી વાત સાંભળી, આગળ વાત કરીશું
વોર્ડ | મહિલા કોર્પોરેટર | શું કહ્યું |
રામોલ-હાથીજણ | સુનિતાબેન ચૌહાણ | પતિ-દિનેશ ચૌહાણે ફોન ઉઠાવ્યો અને કહ્યું, અધિકારીને સોમવારે વાત કરીશ. |
નરોડા | અલકાબેન મિસ્ત્રી | પતિ પ્રદ્યુમનભાઈ મિસ્ત્રીને ફોન આપી દીધો, પતિએ ફરિયાદ સાંભળી ઉકેલ લાવવા કહ્યું |
વાસણા | સોનલબેન ઠાકોર | પતિ ઝંખીલ ઠાકોરે ફોન ઉપાડ્યો અને કહ્યું અધિકારીને કહીં જોવડાવી લઉ. |
ચાંદલોડિયા | રાજેશ્રીબેન પટેલ | પતિ ભાવેશ પટેલે ફોન ઉપાડ્યો, ફરિયાદ સાંભળી અને કહ્યું ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું. |
સૌજપુર-બોઘા | વિનોદકુમારી ચૌધરી, રેશમાબેન કુકરાણી | પતિ સુરેશ ચૌધરીએ ફરિયાદ સાંભળી અને કહ્યું કે, આવતીકાલે રેશમાબેનના પતિ મનોજભાઈ અને હું બંને રાઉન્ડ લેવા આવીશું. |
જોધપુર | ભારતીબેન ગોહિલ | દીકરાએ ફોન ઉઠાવ્યો કહ્યું, મમ્મી મિટિંગમાં છે તમારી જે સમસ્યા હોય તેના ફોટો અને વિગત મોકલી આપો આગળ મોકલી આપીશ. |
ઈન્ડિયા કોલોની | પદ્માબેન બારોટ | પતિ સંજય બારોટે ફોન ઉપાડ્યો કહ્યું, 27 વર્ષથી પાણી ભરાય છે, નિરાકરણ લાવવા પ્રયત્ન ચાલુ છે. |
વિરાટનગર | સંગીતાબેન કોરાટ | પતિ ભરત કોરાટે ફોન ઉઠાવ્યો અને ફરિયાદ સાંભળી, તમે સંગીતાબેનના પીએ છો તો કહ્યું, હા હું તેમનો પીએ છું. |
ગોમતીપુર | કમળાબેન ચૌહાણ | દીકરાએ ફોન ઉઠાવ્યો કહ્યું તમને જે તકલીફ હોય મને વોટ્સએપ કરી આપો, ઈશ્યુ સોલ્વ થઈ જશે. |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.