હાઈકોર્ટની ટીપ્પણી:પતિ તેના લગ્નજીવનમાં માતા-બહેનની દખલ રોકી શકતો ન હોય તો પત્નીને હેરાન ન કરી શકે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • દીકરાની કસ્ટડીના કેસમાં પત્નીને હોટેલમાં મળવાના પ્રસ્તાવ સામે કોર્ટની ટિપ્પણી

બે દીકરાની કસ્ટડી લેવાના કેસમાં હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, પતિ તેની માતા અને બહેનને પોતાના જીવનમાં દખલગીરી કરતા રોકી શકતો ન હોય તો તે તેની પત્નીને પણ હેરાન કરી શકે નહિ. હાઈકોર્ટમાં બે દીકરાની કસ્ટડી મામલે પતિએ પત્નીને હોટેલમાં મળવા માટે પ્રસ્તાવ મૂકતાં કોર્ટે સખત નારાજગી દર્શાવી હતી.

આ કેસમાં જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, જો પતિ તેની માતા અને બહેનને પોતાના અંગત જીવનમાં દખલગીરી કરતા રોકી ન શકતો હોય તો તેની પત્નીને હેરાન ન કરી શકે. જો પત્ની તેના સાસરે આવવા તૈયાર હોય તો તેની સાસુ અને નણંદ તેને કેવી રીતે રોકી શકે? પતિની ફરજ બને છે કે, તેણે પહેલાં પત્ની અને બાળકોને સાચવવાં જોઈએ. હોટેલમાં કેમ બોલાવે છે? આ ઘર તેની પત્નીનું પણ કહેવાય. મહિલા સામેથી તેનાં બાળકોને મળવા આવવા તૈયાર છે, તેની સાસુ અને નણંદ કેવી રીતે તેને ઘરે આવતાં રોકી શકે?

વડોદરાના આ કેસમાં પતિ-પત્ની 2014થી અલગ રહે છે જ્યારે પતિને છૂટાછેડા માટે 40 લાખની રકમ મૂકી છે. આ ઉપરાંત પત્નીએ પતિ સામે ઘરેલુ હિંસા સહિતની ફરિયાદો પણ નોંધાવેલી છે. બંનેના દીકરા રાજસ્થાનની એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને બંનેની કસ્ટડી હાલ પિતા પાસે છે.

‘પત્ની બાળકોને મળવા આવે ત્યારે માતા-નણંદને રૂમમાં પૂરી દો’
આ કેસમાં હાઈકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ‘જ્યારે પત્ની તેના બાળકોને મળવા ઘરે આવે ત્યારે માતા અને નણંદને રૂમમાં પૂરી દો. તેઓ શા માટે તે પતિ-પત્ની વચ્ચે દખલગીરી કરે છે? શા માટે તે હોટેલ કે સર્કિટ હાઉસમાં મળવા આવે?’

કોર્ટે પત્નીને કહ્યું, પતિને પોષાય તેવી માગ કરો, તાળી બે હાથે વાગે
આ સાથે હાઈકોર્ટની ખંડપીઠે એવી પણ ટકોર કરી હતી કે, ‘પત્નીએ પણ તેના પતિને પોષાય તેવી માગણી કરવી જોઈએ. 40 લાખ રૂપિયા માગીને તેને હેરાન કરવામાં શું મજા આવે છે? પતિ-પત્નીએ તેમનાં સંતાનોના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ.’

પત્ની આવે ત્યારે કોઈ ત્રીજું ન હોવું જોઈએ
હાઈકોર્ટે આ કેસમાં પતિની રજૂઆત ફગાવી દઈ પતિને એવી ટકોર કરી હતી કે, પત્ની તેના બંને દીકરાને જ્યારે મળવા માટે ઘરે આવે ત્યારે રૂમમાં કોઈ ત્રીજી વ્યક્તિ હશે તો પતિએ નોકરી ગુમાવવી પડશે. પત્નીને હોટેલ કે સર્કિટ હાઉસમાં બોલાવી શકાશે નહીં. દીકરાને મળવા પત્નીને ઘરે જ બોલાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...