તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં ‘તાઉ-તે’ની અસર:વાવાઝોડાની અસરથી આજે કલાકના 60 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાવાની અને 3થી 6 ઈંચ વરસાદની આગાહી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાવાઝોડાની અસરથી શહેરભરમાં બનાવવામાં આવેલા કોરોનાના ટેસ્ટિંગ ડોમ ઊડી ગયા હતા. - Divya Bhaskar
વાવાઝોડાની અસરથી શહેરભરમાં બનાવવામાં આવેલા કોરોનાના ટેસ્ટિંગ ડોમ ઊડી ગયા હતા.
  • શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રાત્રે 8થી9 દરમિયાન તોફાની પવન સાથે ઝાપટું, બે દિવસમાં 64 વૃક્ષ ધરાશાયી
  • 24 કલાકમાં મહત્તમ તાપમાન 8 ડિગ્રી ગગડી 35.2 , લઘુતમ તાપમાન 5 ડિગ્રી ઘટી 30.9 થયું
  • શહેરના અનેક વિસ્તારોમાં 7 મીમીથી માંડી અડધો ઈંચ સુધી વરસાદ, સૌથી વધુ દૂધેશ્વરમાં
  • આજે ભારે વરસાદ થવાની આગાહીને પગલે સાબરમતીના લેવલમાં 3 મીટરનો ઘટાડો કરાયો
  • સૂસવાટા મારતાં પવનથી અનેક કોરોના ટેસ્ટિંગ ડોમ ઊડી ગયા

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકેલા ‘તાઉતે’ વાવાઝોડાની અસરથી મંગળવારે અમદાવાદમાં પ્રતિ કલાક 60 કિલોમીટર સુધીની ઝડપના પવન ફૂંકાવાની અને 3થી માંડી 6 ઈંચ સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. મંગળવારે સવારે 9થી રાત્રે 9 દરમિયાન પવનની ગતિ અત્યંત તેજ રહેવા સાથે હળવાથી ભારે ઝાપટાં પણ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંિકત પટેલના જણાવ્યા અનુસાર વાવાઝોડ ‘તાઉતે’નું કેન્દ્ર અમદાવાદથી 90થી 95 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર પાસેના ધ્રાંગધ્રામાંથી પસાર થતાં અમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થશે.

વાવાઝોડાની અસરથી સોમવારે શહેરના મોટાભાગના વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. રવિવારે રાત્રે ફૂંકાયેલા પવનમાં 64 વૃક્ષ ધરાશાયી થયા હતા. સોમવારે સાંજ પછી શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો અને રાત્રે 8 વાગ્યાની આસપાસ જોરદાર ઝાપટું પડ્યું હતું. દિવસભર વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન પણ ફૂંકાયો હતો. વરસાદની આગાહીથી સાબરમતીમાં પાણીનું લેવલ ત્રણ મીટર ઘટાડવામાં આવ્યું છે.

સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવારની સરખામણીએ 8 ડિગ્રી ઘટી 35.2 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 5 ડિગ્રી ગગડી 30.9 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે તોફાની પવન અને ભારે વરસાદની આગાહી હોવાથી મહતમ તાપમાન 30 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. તેમજ મહતમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે 2થી 3 ડિગ્રીનો જ તફાવત રહી શકે છે.

સોમવારે પડેલા સામાન્ય વરસાદમાં પણ ભૈરવનાથ રોડ પરના બીઆરટીએસ બસસ્ટેન્ડ પાસે ભૂવો પડ્યો છે. વાવાઝોડાની અસરથી શહેરના વિવિધ ઝોનમાં રાત્રે 8થી 9 દરમિયાન 7 મીમીથી માંડી 16 મીમી સુધી વરસાદ થયો હતો. મધ્ય ઝોનના દૂધેશ્વરમાં સૌથી વધુ 16 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુરમાં 15 મીમી જેટલો વરસાદ થયો હતો.

ભારે પવનને લીધે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ
વાવાઝોડું અમદાવાદથી 90થી 95 કિલોમીટર પશ્ચિમમાંથી સુરેન્દ્રનગરના ધાંગ્રધાથી પસાર થવાથી અમદાવાદમાં ભારે પવન અને ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બનશે, જેમાં પશ્ચિમ અમદાવાદમાં પૂર્વ અમદાવાદ કરતાં પવનો અને વરસાદની અસર વધુ ઘાતક રહેશે જેથી લોકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું. સોમવાર મોડી રાતથી વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે.

જિલ્લાનાં ઼અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ICU ઓન વ્હીલ્સ
અમદાવાદ જિલ્લામાં તાઉતે સંભવિત વાવાઝોડાની તમામ અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. કોઇપણ પ્રકારની આરોગ્ય કટોકટી નો સામનો કરવા અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં 17 એમ્બ્યુલન્સ અને 2 આઇસીયુ ઓન વ્હીલ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સનો કાફલો તેમજ ઈમરજન્સી માટે જરૂરી તમામ સુવિધા તહેનાત કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...