નંબર કનેક્શન:‘22’ ના આંક સાથે ગૃહમંત્રી અમિત શાહને શું છે સંબંધ?, જન્મદિવસ અને કાર નંબર સાથે છે આ ખાસ કનેક્શન

અમદાવાદએક મહિનો પહેલા
  • 1984-85માં ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા
  • નારણપુરા વોર્ડના પોલ એજન્ટ તરીકે પહેલી જવાબદારી સંભાળી
  • સૌપ્રથમવાર 1997માં સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ થયો છે. અમિત શાહ અને તેમના દીકરા જય શાહની જન્મ તારીખ યોગાનુયોગ '22' તારીખે છે. માત્ર એટલું જ નહીં, પિતા-પુત્રના જન્મદિવસમાં માત્ર એક જ મહિનાનો ફેર છે. યોગાનુયોગ જય શાહનો જન્મ 22 સપ્ટેમ્બર તો અમિત શાહનો 22 ઓક્ટોબરે જન્મદિવસ આવે છે. આમ, પિતા અમિત શાહ અને પુત્ર જય શાહના જન્મની એક જ તારીખને શુકનવંતી ગણીને અમિત શાહના પરિવારજનોએ પોતાનાં વાહનોના નંબર પણ '22' જ રાખ્યા છે.

અમિત શાહ સક્રિય રાજનીતિમાં પ્રવેશ કર્યા પહેલાં વ્યવસાયે શેરબ્રોકર હતા. ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ મોદીના વિજયના મુખ્ય વ્યૂહરચનાકાર છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપ અને અપનાદળ જોડાણને 80માંથી 73 બેઠક અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પત્ની સોનલબહેન તથા પૌત્રી સાથે અમિત શાહ.
પત્ની સોનલબહેન તથા પૌત્રી સાથે અમિત શાહ.

વ્યસ્તતા વચ્ચે ફેમિલી સાથે વિતાવે છે સમય
આ ઉપરાંત અમિત શાહ રાજનીતિની અતિવ્યસ્તતા વચ્ચે પણ પારિવારિક કાર્યક્રમોમાં અચૂક હાજર રહે છે, જેમાં રથયાત્રાથી લઈ પરિવારમાં કોઈના જન્મદિવસ અને રક્ષાબંધન સહિતના તહેવારની ફેમિલી સાથે ઉજવણી જ કરે છે.

16 વર્ષે 'તરુણ સ્વયંસેવક' બન્યા
અમિત શાહે 1980માં 16 વર્ષની ઉંમરે માણસામાં 'તરુણ સ્વયંસેવક' તરીકે રાષ્ટ્રીય સ્વંયંસેવક સંઘમાં જોડાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી. આમ, તેમની 16 વર્ષની ઉંમરથી શરૂ થયેલી સફર 41 વર્ષ સુધી પહોંચી છે.

ABVPમાં એન્ટ્રી અને પોલિંગ એજન્ટથી રાજકીય સફરની શરૂઆત
ત્યાર બાદ અમિત શાહ કૉલેજ કરવા માટે અમદાવાદ આવ્યા ત્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીમાં જોડાયા હતા. 1982માં બાયૉ-કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી રહેલા અમિત શાહને અમદાવાદ એબીવીપીમાં મંત્રી બનાવવામાં આવ્યા અને 1984-85માં ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા. તેમને સૌપ્રથમ જવાબદારી નારણપુરા વોર્ડના પોલ એજન્ટ તરીકેની મળી. ત્યાર બાદ 1987માં ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા. ત્યાર બાદ શાહે પ્રથમ ચૂંટણી 1988માં પ્રાથમિક સહકારી સંઘની લડી હતી, જેમાં તેમનો વિજય થયો અને 1989માં ભાજપના અમદાવાદ શહેર સંગઠન મંત્રી બન્યા.

ડાબેથી લાલ કૃષ્ણ અડવાણી, ફાઈલ તપાસી રહેલા નરેન્દ્ર મોદી અને સર્કલમાં અમિત શાહ.
ડાબેથી લાલ કૃષ્ણ અડવાણી, ફાઈલ તપાસી રહેલા નરેન્દ્ર મોદી અને સર્કલમાં અમિત શાહ.

વાજપેયી-અડવાણીના ચૂંટણી ઈન્ચાર્જ
ભાજપમાં પ્રવેશ બાદ તેમણે 1991માં અડવાણીના અને 1997માં અટલ બિહારી વાજપેયી ગાંધીનગર લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જની જવાબદારી સંભાળી. આ બન્ને ચૂંટણીમાં અડવાણી અને અટલજીને ભવ્ય જીત મળી.

પહેલી વિધાનસભા ચૂંટણી સમયે ઉમેદવારીપત્ર ભરી રહેલા અમિત શાહ.
પહેલી વિધાનસભા ચૂંટણી સમયે ઉમેદવારીપત્ર ભરી રહેલા અમિત શાહ.

સરખેજથી પહેલી વિધાનસભા ચૂંટણી લડ્યા
1995માં ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કૉર્પોરેશનના ચૅરમૅન બન્યા અને 1997માં ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા. એક બાદ એક રાજકારણની સીડી ચડી રહેલા અમિત શાહ હવે વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર હતા અને 1997માં સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા. તેની સાથે સાથે 1998માં શાહની ગુજરાત ભાજપના મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી અને 1999માં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ બન્યા.

નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરી રહેલા અમિત શાહ
નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરી રહેલા અમિત શાહ

5 ટર્મ ધારાસભ્ય અને 8 વર્ષ ગૃહ રાજ્યમંત્રી
સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા બાદ અમિત શાહ સતત 4 ટર્મ સરખેજના ધારાસભ્ય અને 2012થી 2017 સુધી પાંચમી ટર્મમાં નારણપુરાના ધારાસભ્યપદે રહ્યા. એની સાથે સાથે 2002થી 2010 સુધી ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહ રાજ્યમંત્રીપદની જવાબદારી પણ સંભાળી.

ઉત્તરપ્રદેશથી રાષ્ટ્રીય રાજકારણમાં ઉદય
2013માં મોદીને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર તૈયાર કર્યા બાદ અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2014માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા અને લોકસભા 2014માં ભાજપે ભવ્ય સફળતા મેળવતાં તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. ત્યાર બાદ 2016માં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ફરી એકવાર પસંદગી થઈ. એની સાથે સાથે 2016માં સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ બન્યા. ત્યાર બાદ 2017માં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા, જ્યારે 2019માં ગૃહમંત્રી બન્યા.

22 નંબરની કાર સાથે અમિત શાહ.
22 નંબરની કાર સાથે અમિત શાહ.

બંગાળી, આસામી, તમિળ ભાષા શીખ્યા
ભારતભરમાં ભાજપનો વ્યાપ વધારવા અમિત શાહે ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની ભાષા સમજવા અને પ્રચાર કરવા માટે ટ્યૂશન લીધા. શાહે મમતાના ગઢમાં ગાબડાં પાડવા બંગાળી, તમિળ, મણિપુરી અને આસામી જેવી વિવિધ ભાષાઓ માત્ર એક વર્ષના ગાળામાં જ શીખી લીધી. ભાષાનું પ્રાથમિક જ્ઞાન લીધા બાદ એના પર પકડ પણ જમાવી.

સહકારક્ષેત્રમાં દબદબો
અમિત શાહના સહકારક્ષેત્રમાં રહેલા દબદબા અંગે વાત કરીએ તો તેમણે 22 જાન્યુઆરી 2000થી 22 ડિસેમ્બર 2002 સુધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના અધ્યક્ષ તરીકે સેવા આપી. તેઓ ગુજરાત સ્ટેટ અર્બન કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર, નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેંક એન્ડ ક્રેડિટ સોસાયટી(નવી દિલ્હી)ના ડાયરેક્ટર, અમદાવાદ સેન્ટ્રલ કન્ઝ્યુમર કો-ઓપરેટિવ ફેડરેશનના ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર અને એડીસી બેંકના ડાયરેક્ટરપદ સહિતના અનેક હોદ્દા પર રહ્યા છે.

રાજનીતિના ખેલાડી ચેસના શોખીન અને ક્રિકેટમાં અગ્રેસર
તેઓ 23 એપ્રિલ 2006થી 18 એપ્રિલ 2010 સુધી ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના પ્રમુખપદે રહ્યા હતા. જ્યારે 15 સપ્ટેમ્બર 2009થી 13 જૂન 2014 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ રહ્યા હતા. એની સાથે સાથે બીસીસીઆઈના ફાઇનાન્સ સમિતિના સભ્ય અને ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટના એક્ઝિક્યુટિવ મેમ્બર પણ હતા. હાલ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...