ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ:દેશમાં કેરળમાં સૌથી વધુ 75 ટકા ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો ચૂંટણીમાં ઝૂંકાવે છે, ગુજરાતમાં પ્રમાણ ઓછું

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

એસોસિએશન ફોર ડેમોક્રેટિકક રિફોર્મ્સ (ADR) તથા નેશનલ ઇલેકશન વોચના વડા નિવૃત્ત મેજર જનરલ અનિલ વર્માએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારોમાં ગુજરાતનો ક્રમ કાઢ્યો નથી. પરંતુ દેશના અન્ય રાજ્યોમાં ખાસ કરીને સેન્ટ્રલ ઇન્ડિયા તથા સાઉથમાં ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો ઝૂંકાવતાં હોવાનું પ્રમાણ વધુ છે. જેવા કે તેલગાણાં, ઝારખંડ, કેરળ, બિહારમાં વધુ છે. કેરળમાં સૌથી વધુ 75 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો ચૂંટણીમાં ઝુંકાવે છે. જ્યારે બિહારમાં તેનું પ્રમાણ 55 ટકા છે. બાકી નોર્થ ઇસ્ટ હરિયાણા, હિમાચલ પ્રદેશ તેમજ ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારોની સંખ્યા ઓછી છે.

ભાજપ અને બીટીપીમાં ઘટાડો નોંધાયો
ઓનલાઇન પત્રકાર પરિષદમાં જોડાયેલાં વર્માએ વધુમાં પત્રકારોને જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટ તથા ઇલેકશન પંચે ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઓછામાં ઓછાં ઉમેદવારોની પસંદગી કરવી તેમજ તેમની પસંદગી પાછળના કારણો જણાવવા નિર્દેશ આપ્યો છે. છતાં પણ જાણવા મળ્યું છે કે, તેનું પાલન થતું નથી. 2017માં તો આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઝૂકાવ્યું ન હતું. પરંતુ 2022માં 35 ટકા ઉમેદવારો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવનારા છે. જ્યારે કોંગ્રેસના ગત ચૂંટણીમાં 36 ટકા ઉમેદવારો ક્રિમીનલ ઇતિહાસ ધરાવનારા હતા. તેમાંથી આ વખતે 35 ટકા ઉમેદવારો ક્રિમીનલ કેસો ધરાવતાં ઉમેદવારો છે. તેમાં કોઇ ખાસ ફરક નથી. પરંતુ ભાજપમાં ગત ચૂંટણીમાં 25 ટકા ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો હતા. તેની સામે 2022ની ચૂંટણીમાં 16 ટકા ઉમેદવારો છે. જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં તો ઘણો ફરક દેખાયો છે. ગત ચૂંટણીમાં 67 ટકાની સામે આ વખતે 29 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો છે.

રાજકીય પક્ષો એકસરખાં કારણો આપે
આ સ્થિતિ ગુજરાતમાં જ નહીં બલ્કે દેશના અન્ય રાજ્યોમાં અગાઉ યોજાયેલી ચૂંટણીમાં પણ આ જ સ્થિતિ છે. આવા ઉમેદવારો પસંદ કરવા બદલના કારણોમાં રાજકીય પક્ષો એકસરખાં કારણો જેવાં કે સારું કામ કર્યું છે, કેસિસ રાજકીય અદાવતથી કરવામાં આવ્યા છે. અથવા તો ગંભીર ગુનાઓ નથી તેમજ ઉમેદવારની સ્વીકૃત્તિ છે. ઘણાં રાજ્યોમાં તો એક જ સરખું કારણ જણાવે છે. મતલબ કે કારણ કોપી કરીને પેસ્ટ કરી દેવામાં આવે છે. આ અંગે અમે ઇલેકશન પંચને પણ રિપોર્ટ કરીએ છીએ. છતાં દર વખતે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને મૂકવામાં આવે છે. ચૂંટણીમાં મની પાવર તથા મસલ્સ પાવર ઘટાડવો જોઇએ.

નાણાં તથા ક્રિમીનલ્સ જીતવાના ચાન્સ વધુ
તેમણે કહ્યું કે, સુપ્રિમ કોર્ટના આદેશનું રાજકીય પક્ષોએ ચુસ્તપણે પાલન કરવું જોઇએ અને જે લોકો ચુકાદાનું પાલન કરતાં નથી તેની સામે પંચે સખ્ત કાર્યવાહી કરવી જોઇએ. આ અંગે પણ સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન અગાઉ થઇ હતી. સુપ્રિમ કોર્ટ તરફથી રાજકીય પક્ષોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યાં નાણાં તથા ક્રિમીનલ્સ જીતવાના ચાન્સ વધુ છે. તેણે મતદાતાઓ વોટ પણ કરે છે અને તેઓ જીતે છે. તે વિટંબણા છે. એક પ્રશ્નના જવાબમાં વર્માએ વધુમાં કહ્યું કે, વિજેતા ઉમેદવાર કરતાં નોટા જ્યાં વધુ પડયાં હોય ત્યાં પેટાચૂંટણી યોજવી જોઇએ અને ઉમેદવાર પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લાદવો જોઇએ તેવી એડીઆર દ્વારા ભલામણ કરવામાં આવી છે.

શાસક પક્ષ સામેની ફરિયાદમાં પગલાં લેવામાં નબળાં પડે છે?
શાસક પક્ષ સામેની ફરિયાદમાં પગલાં લેવામાં સ્ટેટ ઇલેક્શન કમિશનર નબળાં પડે છે અથવા ઉપેક્ષા કરે છે તે અંગે શું કહેશો તેના જવાબમાં નિવૃત્ત મેજર જનરલ અનિલ વર્માએ કહ્યું કે, સીઇઓ તરીકે આઇએએસ કક્ષાના એટલે એડીશનલ સેક્રેટરી કે પ્રિન્સિપલ સેક્રેટરીને મૂકવામાં આવે છે. ઘણાં રાજ્યોમાં જોયું છે કે તેઓ સારી કામગીરી કરે છે. ઘણાં રાજ્યોમાં ચુપ રહે છે. ભારતીય ચૂંટણી પંચની માફક કોઇ વિવાદ થાય તો નજર અંદાજ કરે છે. પણ તેનું કોઇ એનાલિસીસ કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...