સુરતમાં પછાત બાળકો માટે ચાલતી પ્રાથમિક સ્કૂલનું બાંધકામ તોડીને તેની જગ્યાએ પંચાયત ભવન બનાવતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ છે, જેમાં રજૂઆત કરાઇ છે કે, વર્ષ 2021માં આ પ્રાઇમરી સ્કૂલને તોડી પડાઈ હતી અને તેનું બીજું બિલ્ડિંગ હોવા છતાં તે જગ્યાએ સ્કૂલ શરૂ કરાઇ નથી. ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે સરકારનો ઉધડો લેતા સવાલ કર્યો હતો કે, તમે બાળકોની સ્કૂલનું બિલ્ડિંગ કેવી રીતે તોડી શકો છો? તમારે નવી બિલ્ડિંગ બનાવવી પડશે.
કાલે સવારે તમે એમ કહેશો કે હોસ્પિટલમાં કોઇ દર્દી નથી એટલે હોસ્પિટલ તોડી પાડીએ છીએ, આ કેવી રીતે ચાલે? જયેન્દ્ર દેસાઇએ કરેલી જાહેરહિતની અરજીમાં એડવોકેટ ભાવિક સામાણીએ દલીલ કરી હતી કે, સુરતમાં પછાત બાળકોની સરકારી સ્કૂલ તોડીને પંચાયત બિલ્ડિંગ બનાવાઈ છે. રસ્તાની સામેની તરફ સ્કૂલનું બીજું બિલ્ડિંગ હોવા છતાં પ્રાઇમરી સ્કૂલ શરૂ કરાઇ નથી. ખંડપીઠે એવી ઝાટકણી કાઢી હતી કે, હાલ સ્કૂલના બિલ્ડિંગની જગ્યાએ ચાલતુ પંચાયત ઓફિસનું બાંધકામ બંધ કરી દો, જ્યાં સુધી સ્કૂલની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરો ત્યાં સુધી બાંધકામ બંધ કરી દો. નહિંતર પંચાયત વિભાગની ઓફિસ શહેરની બહાર લઇ જાઓ. પંચાયત પાસે સ્કૂલની સત્તા છે એટલે શું મન ફાવે તેવો નિર્ણય લેશો?
બિલ્ડિંગનું કામ ત્વરિત બંધ કરવા HCનો આદેશ
ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને આદેશ કર્યો હતો કે, તાત્કાલિક અસરથી કોર્ટની બીજી મુદત સુધી પંચાયત ભવનના બિલ્ડિંગનું બાંધકામ બંધ કરવામાં આવે અને જયાંસુધી એક પણ બાળક સ્કૂલમાં ભણતો હશે તો પણ તમે સ્કૂલ બંધ કરી શકશો નહી. સ્કૂલની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરો ત્યાં સુધી પંચાયત બિલ્ડિંગનું બાંધકામ બંધ કરી દો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.