VS મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ:હાઈકોર્ટે કહ્યું કે, ગરીબોની હોસ્પિટલો ઓછી છે, છતાં VS શા માટે તોડી પાડવી છે?

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

શહેરની સૌથી જૂની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ તોડી પાડવાના સરકારના નિર્ણય સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. અરજદારે એવી દલીલ કરી હતી કે, ગરીબ દર્દીઓ માટે ચાલતી કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, તેને તોડવાની કામગીરી શરૂ કરાઇ રહી છે. આ હોસ્પિટલ નહીં તોડવા માટે દાદ માગવામાં આવી હતી.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે કોર્પોરેશનને એવો સવાલ કર્યો હતો કે, ચાલુ હોસ્પિટલ શા માટે તોડી પાડવી છે? તોડી પાડવા પાછળ શું કારણો છે? કોર્પોરેશને તેનો જવાબ રજૂ કરવા મુદત માગી હતી.ખંડપીઠે એવી શરત મૂકી હતી કે, એક સપ્તાહ સુધી કોર્પોરેશન હોસ્પિટલ તોડશે નહીં તેવી ખાતરી આપવા તૈયાર હોય તો કોર્ટ મુદત આપશે નહીં તો 8 સપ્ટેમ્બરે સુનાવણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, વીએસ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હતા. પરંતુ વીએસ સંકુલમાં જ નવી એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવતાં વીએસમાં બેડની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.

બિલ્ડિંગ જર્જરિત હોવાથી તોડી પાડવાનું કારણ મ્યુનિ.એ રજૂ કર્યું
વીએસ હોસ્પિટલ તોડી પાડવાના સરકારના નિર્ણય સામે હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ એવી દલીલ કરી હતી કે, હોસ્પિટલની તબીબી સેવા ધીમે ધીમે બંધ કરાઇ રહી છે.જેના લીધે ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. કોર્પોરેશન જવાબદારીમાંથી છટકી શકે નહીં. ખંડપીઠે કોર્પોરેશનને એવો સવાલ કર્યો હતો કે ચાલુ હોસ્પિટલ તોડવા પાછળનું કારણ શું છે? કોર્પોરેશને એવો જવાબ આપ્યો હતો કે હોસ્પિટલનું બાંધકામ જર્જરિત અવસ્થામાં છે તેથી તેને તોડવાનો નિર્ણય લીધો છે. ખંડપીઠે કોર્પોરેશનને 8 સપ્ટેમ્બરે જવાબ આપવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...