• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The High Court Said That The Cost Of Catching Cattle Should Be Paid By Collecting Cess From The Cattle Owners And Not From People's Tax Money.

ઢોર પકડવા વૉરરૂમ બનાવો:હાઈકોર્ટે કહ્યું કે, ઢોર પકડવાનો ખર્ચ લોકોના ટેક્સના પૈસામાંથી નહીં પણ પશુમાલિકો પાસેથી સેસ વસૂલીને કરો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રસ્તે રઝળતાં ઢોર પકડવામાં કોર્પોરેશનની કામગીરી હજુ પણ ખૂબ નબળી હોવાની કોર્ટની ટકોર
  • ચીફ જસ્ટિસની બેન્ચે રઝળતાં ઢોર અંગેના બિલ પર પણ સરકારને સવાલો પૂછ્યા

રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યાને મામલે થયેલી જાહેરહિતની અરજીમાં પોલીસ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે હાઈકોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારે 8 કોર્પોરેશન 156 નગરપાલિકામાં લીધેલા પગલા વિશે રજૂઆત કરી હતી. રખડતા ઢોર મામલે ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે સરકારને એવું સૂચન કર્યુ હતું કે, ઢોર પકડવાનો ખર્ચો લોકોના ટેક્સના નાણામાંથી નહીં પણ તેના માલિકો પાસેથી સેસ વસૂલીને કરો.

હજુપણ આ મામલે કામગીરી ઘણી નબળી છે તે કડક બનાવવાની જરૂર છે. ખંડપીઠે સરકારને રખડતા ઢોર અંગે બિલની સ્થિતિ વિશે સવાલ કર્યા હતા. સરકારે એવો જવાબ આપ્યો હતો કે, હાલ આ કાયદો વિચારાધીન છે.ખંડપીઠે સરકારને દરેક વિભાગનું સંકલન કરીને વોર રૂમ બનાવવા સૂચન કર્યુ છે. હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને ઢોર દ્વારા ઘવાયેલા લોકોને વળતર આપવા સૂચન કર્યું હતું.

ઢોર છોડાવવા હુમલો કરનારા પર પાસા લાદો : કોર્ટ
એકશન ટેકન રિપોર્ટમાં એવી રજૂઆત કરી છે કે, અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં રખડતાં ઢોરને પકડતા રોકતા માથાભારે માણસો સામે એફઆઇઆર કરવામાં આવે છે. એલિસબ્રીજ અને વેજલપુરમાં રખડતા ઢોરને પકડવા જનાર સેનેટરી ઈન્સ્પેક્ટર પર હુમલો કરતા ભરવાડ અને રબારી સામે આઇપીસીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટે ઢોર પકડવા આવનારા પર હુમલો કરનારાને પાસા એકટ હેઠળ ડેન્જરસ વ્યકિત ગણીને પણ ગુનો નોંધવા સૂચવ્યું છે.

427 ઢોર પકડ્યાં, 97 માલિક સામે ફરિયાદ : મ્યુનિ.
કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર મામલે શું પગલા લેવાઇ રહ્યા છે? તે અંગે એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમા એવી રજૂઆત કરાઇ હતી કે, કોર્પોરેશને શહેરના 7 ઝોનમાં 21 ટીમો કાર્યરત કરી છે. અલગ અલગ ઝોનમાં હંગામી ધોરણે 3 ઢોરવાડા બનાવવામાં આવ્યા છે. ચાર દિવસમાં 12485 કિલો ઘાસચારો ઝડપી લેવામાં આવ્યો છે, 427 ઢોર પકડવામાં આવ્યા છે,97 માલિકો સામે ફરિયાદો કરાઇ છે.

રઝળતાં ઢોર સાચવવા માટે બે NGO સાથે મ્યુનિ.ની સમજૂતી
પહેલેથી ઢોરવાડામાં રખાયેલા અને તાજેતરમાં પકડાયેલા 3350 ઢોર દાણીલીમડા, બાકરોલ ઢોરવાડામાં પુરાયેલા છે. પશુઓની સંખ્યા વધુ પડતી ન થાય તે માટે મ્યુનિ.એ 2 એનજીઓ સાથે કરાર કર્યા છે. હવે વધારાના ઢોર આ સંસ્થાઓને મોકલવામાં આવશે. ખાસ કરીને લમ્પી ડીસીઝની રસી આપવામાં આવી હોય તેવા ઢોર જ આ બે એનજીઓને મોકલવામાં આવે છે. મ્યુનિ. ત્રીજી એનજીઓ સાથે પણ ઢોર રાખવા માટે એમઓયુ કરશે. અત્યારે મ્યુનિ. દ્વારા પ્રત્યેક ઢોર દીઠ એક જ વખત રૂ. 4 હજાર આ ઢોરવાડાને આપવામાં આવે છે. જેના બદલામાં સબંધીત ઢોરવાડાએ તે ઢોરને સાચવવાના હોય છે. મ્યુનિ.એ સોમવારે 100 જેટલા રખડતાં ઢોર પકડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...