તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખસેડવા સામે થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી, કહ્યું, આ અંગે ટ્રસ્ટ, કેન્દ્ર અને રાજ્ય સરકાર નિર્ણય લેશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમ્પ હનુમાન મંદિર ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
કેમ્પ હનુમાન મંદિર ( ફાઈલ ફોટો)
  • અરજદારે રજૂઆત કરી કે આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, જેથી આ નિર્ણય ના લેવાવો જોઈએ
  • કોર્ટે કહ્યું, ટ્રસ્ટને નિર્ણય લેવા દો, તમે તેમના તરફી કેમ વાત કરો છો

અમદાવાદમાં 150 વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ ખસેડવા સામેની જાહેરહિતની આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે અરજદારની રજૂઆત સાંભળીને કહ્યું હતું કે ટ્રસ્ટને નિર્ણય લેવા દો, તમે તેમના તરફી કેમ વાત કરો છો. અરજદારે રજૂઆત કરી હતી કે હું તેમની તરફથી, નહીં તેમની વિરુદ્ધમાં છું, કારણ કે આ નિર્ણય ના લેવાવો જોઈએ. આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે અમારે આ બાબતે કહેવાની જરૂર નથી. તે લોકોને કહેવા દો અને તમને કંઈ યોગ્ય લાગે તો PIL દાખલ કરો.

ટ્રસ્ટે કહ્યું હતું કે અમે તમામની સંમતિથી નિર્ણય લીધો છે અને હજી આ બાબત શરૂઆતના તબક્કામાં છે. અમે હજી કોઈ ઠોસ નિર્ણય નથી લીધો. અમે લોકોને મંદિરમાં દર્શન કરવામાં સરળતા રહે અને કન્ટેન્મેન્ટને ડિસ્ટર્બ ના થાય એ માટે વ્યવસ્થા ઈચ્છીએ છીએ. હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી હતી. હવે આ અંગે ટ્રસ્ટ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને રાજ્ય સરકાર નિર્ણય લેશે.

અરજદાર પંકજ ભટ્ટ.
અરજદાર પંકજ ભટ્ટ.

જો રામ મંદિર અયોધ્યામાં જ બની શકે તો હનુમાનજીનું મંદિર અહીં કેમ નહીં?
કેમ્પ હનુમાન મંદિરને ખસેડવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી કરનાર પંકજભાઈ ભટ્ટએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારી એક જ રજૂઆત છે ઈ.સ.1800ની સાલનું સ્વયંભૂ મંદિર છે અને 200 વર્ષથી આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. અહીં ભગવાન પ્રગટ થયા હતા, એટલે ભક્તોની લાગણી ન દુભાય એ માટે આ મંદિર અહીં જ રાખવું જોઇએ. આ મંદિરના ભારત સરકાર સાથે પણ એગ્રીમેન્ટ થયેલા છે અને અંગ્રેજોના શાસનકાળથી આ મંદિર અહીં છે.

2010માં તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ દર્શન કર્યા હતા.
2010માં તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ દર્શન કર્યા હતા.

જો આ મંદિરને લઈને ટ્રાફિકની સમસ્યાની વાત કરતા હોય તો હું શહેરનાં 50 જૂનાં મંદિર બતાવું. શું એને ખસેડવામાં આવશે? જો રામ મંદિર અયોધ્યામાં જ બની શકતું હોય તો એ જગ્યાનું મહત્ત્વ હોય તો આ હનુમાનજીનું મંદિર અહીં કેમ ન રહી શકે? આટલા વર્ષોથી તકલીફ ન હતી અને હવે ખસેડવાની વાત?

તમામ લોકોની સંમતિથી એક પ્રપોઝલ મૂકીઃ પ્રમુખ ટ્રસ્ટી
કેમ્પ હનુમાન મંદિરના પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલ આ બાબત પ્રાથમિક તબક્કે છે, હજી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મંદિરના 7 ટ્રસ્ટીઓ છે, જેમાં આ મંદિરના પૂર્વજોના પરિવારના 2 સભ્ય, 1 પૂજારી પરિવારના સભ્ય અને બાકીના અલગ સભ્યો છે. તમામ લોકોની સંમતિથી એક પ્રપોઝલ મૂકી છે. એનો કોઈ નિર્ણય આવ્યો નથી. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ મંદિરનો ઇતિહાસ અલગ છે, પરંતુ લોકોને એ બાબતે ગેરસમજ થઈ હોય તેમજ અમે હજી સંમત થઈને લેટર આપ્યો છે, એમાં અમે ઉલ્લેખ કર્યો છે કે ફેઝ-2માં જો મંદિર ખસેડવામાં આવે તો અમને માલિકીની જગ્યા મળે અને પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ થાય. હાલ આ બાબત પર વધુ કહેવું ઉચિત નથી. હજી કોઈ નિર્ણય લેવાયો નથી અને સૌને સાથે રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ભારતના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક મંદિર
ચૈત્ર મહિનામાં આવતી સુદ પૂનમને હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે. અમદાવાદ શહેરમાં હનુમાનજીનાં બે મોટાં મંદિરો આવેલાં છે, જેમાં સાંરગપુર હનુમાન મંદિર અને બીજું કેમ્પ હનુમાન મંદિર છે. કેમ્પ હનુમાન મંદિર ભારતના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક ગણાય છે. આ મંદિરનું બાંધકામ 100 વર્ષ પહેલાં પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું છે. અંગ્રેજોના સમયથી બાંધવામાં આવેલા આ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે લોકો આ મંદિરની મુલાકાત લેવા માટે આવતા હોય છે. 100 વર્ષ જૂના આ મંદિરના પ્રાગટ્ય અને હનુમાનજીની મૂર્તિને અનુલક્ષીને કેટલાંક દૃષ્ટાંતોનો ઉલ્લેખ પુસ્તકોમાં જોવા મળે છે.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ દર્શન કર્યાં હતાં.
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ દર્શન કર્યાં હતાં.

ઈતિહાસઃ અંગ્રેજ અમલદારે મંદિર ખસેડવા વાત કરી હતી
અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતું હતું. અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણું સ્થાપ્યું. મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી. એક અંગ્રેજ અમલદારે મંદિરના પૂજારીઓને મંદિર ખસેડવાની વાત કરી પણ ભક્તોએ અને પૂજારીઓએ ઈનકાર કર્યો.

મંદિર તોડવા હુકમ કરતાં અંગ્રેજોને પરચો મળ્યો હતો
અંગ્રેજોએ મંદિર પાસેની ચાર ધર્મશાળાઓ તોડી નખાવી, નાનાં મંદિરો તોડ્યાં અને કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અંગ્રેજ અમલદારે એક અઠવાડિયા સુધી ભમરાઓને દૂર કરવા માટે મજૂરો મોકલ્યા. ભમરાઓ ફક્ત મજૂરો પર જ હુમલો કરતા હતા.

અંગ્રેજ અમલદારે પણ નિર્ણય બદલવો પડ્યો હતો
આ જોઈને અંગ્રેજ અમલદારે પણ નાછૂટકે આ ઘટનાને શ્રી હનુમાનજી દાદાનો ચમત્કાર સમજીને નિર્ણય બદલવો પડ્યો કે આ મંદિર હવે અહીં જ રહેશે. અમદાવાદના વિકાસ પહેલાં પણ હજારો ભક્તો પ્રભુને સાચા દિલથી પ્રાર્થના, અરજ કરીને મનવાંછિત ફળ પ્રાપ્ત કરતા હતા અને આજે પણ સર્વેની મનોકામના પ્રભુ તેમના પુરુષાર્થી ભાવિકને સફળતા જ બક્ષે છે.

અન્ય સમાચારો પણ છે...