પત્નીએ મોટા પગારની નોકરી હોવાની હકીકત કોર્ટ સમક્ષ છુપાવી:હાઈકોર્ટે પત્ની પાસેથી ભરણપોષણની રિકવરી કાઢી

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની મહિને 2 લાખ કમાતી હતી, પતિ 50 હજાર છતાં 10 હજાર ખાધાખોરાકી લેતી હતી
  • પત્નીએ મોટા પગારની નોકરી હોવાની હકીકત ફેમિલી કોર્ટ સમક્ષ છુપાવી ભરણપોષણ મંજૂર કરાવ્યું હતું

મહિલાઓના કાનૂની રક્ષણ માટે બનાવેલા કાયદાનો દુરુપયોગ કરીને પતિ પાસે ખોટી રીતે ભરણપોષણ માગતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ નોંધાયો છે. મહિલાનો પગાર પતિ કરતા વધુ હોવા છતાં પતિ પાસેથી ભરણપોષણ માગતી મહિલા પાસેથી કોર્ટે એક વર્ષના ભરણપોષણની રિકવરી કરવા આદેશ કર્યો છે. માત્ર 7 મહિનાનાં લગ્ન જીવનમાં પતિથી અલગ થઇ ગઇ હતી. હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટની ખરાઇ થતા હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી.

7 મહિનાનાં લગ્ન જીવનમાં પતિથી અલગ થઇ ગઇ
ગાંધીનગરની આઈ.ટી. કંપનીમાં 2 લાખ પગાર મેળવતી પત્નીએ પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં 50 હજાર પગાર મેળવતા પતિ સામે ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું છે કે, લગ્ન પહેલાથી માતા-પિતાને કરિયર બનાવવી હોવાનું કહીને લગ્નનો ઇન્કાર કરતી યુવતીના લગ્ન 2016માં થયા હતા. લગ્નના 2 દિવસ બાદ યુવતીએ તેના પતિને કહ્યું કે હું ઘરકામ કરવા માગતી નથી. મારે નોકરી કરવાની હોવાથી ઘરમાં જમવાનું બનાવવા અને અન્ય કામો માટે માણસો રાખી લેજો. શરૂઆતમાં પતિએ રસોઇયા અને કામવાળા રાખી લીધા હતા.

શરૂઆતમાં પતિએ રસોઇયા અને કામવાળા રાખી લીધા
નોકરી પરથી આવેલી પત્ની કોઇને કોઇ કારણથી તેના પતિ સાથે ઝઘડો કરતી હતી. તેના પતિએ તેની દરેક જીદ માની હોવા છતાં તેની પત્ની તેનું અપમાન કરવાનો એકપણ મોકો છોડતી નહોતી. કોઇપણ રીતે પતિથી અલગ થવાનું નક્કી કરેલું હોવાથી પત્ની કોઇને કહ્યા વગર 2021ના નવેમ્બર મહિનામાં એકલી રહેવા ચાલી ગઇ હતી. તેણે ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માગતી અરજી કરી હતી.

પતિને દર મહિને 10 હજાર ભરણપોષણ ચૂકવવા આદેશ
ફેમિલી કોર્ટમાં તેણે સાચી માહિતી છુપાવી હતી. પોતે આટલા પગારની નોકરી કરે છે તે વિશે કોર્ટમાં જાણ કરી નહોતી. ફેમિલી કોર્ટે તેના પતિને દર મહિને 10 હજાર ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો. તેમાં એવી રજૂઆત કરી હતી કે તેના પતિએ ઘરની બહાર કાઢી મુકી છે અને તેને ઘર ચલાવવા પૈસાની જરૂર છે.

પતિએ પત્નીના પગારની સ્લીપ હાઈકોર્ટમાં રજૂ કરી
ફેમિલી કોર્ટે કરેલા આદેશને પતિએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમા તેણે કોર્ટ સમક્ષ પત્નીના પગારની સ્લીપ રજૂ કરી હતી. પગારની આવક દર મહિને બે લાખ જેટલી હોવાનું સાબિત થયું હતું. પતિ તરફે એડવોકેટે એવી દલીલ કરી હતી કે દર મહિને ઘરે રાખવામાં આવેલા રસોઇયા, અને નોકર તથા ડ્રાઈવરનો પગાર ચૂકવવામાં તેનો પગાર વપરાઇ જતો હતો. તેમ છતા તેની પત્નીને તકલીફ ન પડે તે માટે પગાર વાપરી કાઢતો હતો. પરતું તેની પત્ની ઘરખર્ચમાં પગારમાંથી કોઇ ફાળો આપતી નહોતી. કોર્ટ સમક્ષ સાચી માહિતી છુપાવવા બદલ હાઈકોર્ટે પત્નીને આપેલી ભરણપોષણની રકમની રિકવરી કરવા આદેશ કર્યો છે. આ અંગે પત્નીને જવાબ રજૂ કરવા આદેશ કરીને એવી ટકોર કરી હતી કે, રિકવરી બાદ ભારે દંડ ભોગવવા તૈયાર રહેજો.

અન્ય સમાચારો પણ છે...