મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝૂલતા પુલની દુર્ઘટના મામલે સુઓમોટોમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને મોરબી મ્યુનિ. કોર્પોરેશન સામે અનેક વેધક સવાલો કર્યા હતા. કોર્ટે કહ્યું છે કે હોશિયારી ના બતાવો, કરાર થઈ ગયા પછી નવા ટેન્કર કેમ ન થયા? આ સુનાવણીમાં મોરબી નગરપાલિકા, માનવાધિકાર પંચ અને સરકારે એફિડેવિટ પર જવાબ રજૂ કર્યા હતા. પરતું મોરબી પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજને નોટિસ નહીં મળી હોવાથી રજિસ્ટ્રીને બપોરે 4 વાગ્યા પહેલા ઇમેઇલ દ્વારા ખાસ બેલિફ મોકલીને નોટિસ પાઠવવા ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે આદેશ કર્યો છે.
મોરબી પાલિકાએ સોગંદનામા અંગે જણાવ્યું કે અજન્ટા મેન્યુફેક્ચરિંગે રાજકોટના કલેક્ટર સાથે 2017 સુધીનો મોરબીના ઝૂલતા પુલનો એમઓયુ કર્યો હતો. કોઇ કરાર કર્યો નથી. ખંડપીઠે સવાલ ઉઠાવ્યો હતો કે કરાર વગર અને અવધિ પુર્ણ થયા પછી પણ બ્રિજની કામગીરી અજન્ટા કંપની શા માટે કરી રહી હતી? ખંડપીઠે સરકાર સામે આવા અનેક વેધક સવાલ કર્યા છે. કોર્ટે બે સપ્તાહમાં જવાબ આપવા આદેશ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી 16મી નવેમ્બરે થશે.
દુર્ઘટના બાદ 8 એજન્સી મળીને બચાવ કામગીરીમાં જોડાઇ
માનવ અધિકાર પંચ માનવાધિકાર પંચે કરેલા સોગંદનામામાં એવી રજુઆત કરી હતી કે, 30 ઓકટોબર સાંજે બનેલી દુર્ઘટના બાદ 8 એજન્સીઓએ ભેગા મળીને બચાવ કામગીરી કરી હતી. NDRF, સ્ટેટ રીઝર્વ પોલિસ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રીલિફ ફોર્સ, એરફોર્સ ,આર્મી, ફાયર પ્રિવેન્શન ટીમ, નેવી, અને કોસ્ટ ગાર્ડે ભેગા મળીને કામગીરી કરી હતી. નદીમાં ડૂબેલાને લોકોને શોધવા કોસ્ટ ગાર્ડની ટીમે સતત 3 દિવસ સુધી સ્કુબા ડાઇવર્સને પણ બોલાવ્યા હતા.
આ દુર્ઘટના બની તેના પહેલા એક કલાકમાં 170 લોકોને બચાવી લેવાયા હતા અને 40 મૃતદેહો બહાર કાઢયા હતા. સરકાર અનાથ થયેલા 7 બાળકોને 18 વર્ષની ઉમંર સુધી સરકાર દર મહિને 3 હજાર આપશે. મૃત્યુ પામેલાના પરિવારને કુલ 6 લાખ અને ઘવાયેલાને 50 હજાર આપવામાં આવશે. વેસ્ટ બંગાલથી આવેલા ટુરીસ્ટનું ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ થતા તેના મૃતદેહને મેજીસ્ટ્રેટની મદદથી તેમના ઘરે પહોચાડવા અને વળતરની રકમ અંગે પણ કાર્યાવાહી કરવામાં આવી છે.
માહિતી વિના બ્રિજ ખોલ્યોઃ સરકાર
આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. 31 ઑક્ટોબરે આ કેસમાં 9 લોકોની ધરપકડ કરાઈ હતી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું કે, ઓથોરિટીને જાણ કર્યા વિના 26 ઓક્ટોબરે ખાનગી સંસ્થાના અધિકારીઓ દ્વારા બ્રિજને ખુલ્લો મુકાયો હતો. પુલની ક્ષમતા કે ફિટનેસ અંગે કોઈ થર્ડ પાર્ટી સર્ટિફિકેટ અપાયું નથી. બ્રિજ પર માત્ર 300 લોકોને જ મંજૂરી અપાઈ હતી, પરંતુ તેનું પાલન નહોતું કરાયું.
હાઇકોર્ટના વેધક સવાલ | હવે સરકારે જવાબ આપવા પડશે
પાલિકાની બેદરકારી બદલ સુપરસીડ કેમ ના કરી?: હાઇકોર્ટ
ઝૂલતા પુલ અંગે સરકારે અજન્ટા કંપની સાથે કરેલા કરારો અને તેનો રેકોર્ડ રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે. મોરબીની દુર્ઘટના બાબતે પાલિકાની બેદરકારી બદલ તેને સુપરસીડ કેમ નથી કરી? તે જવાબ પણ આપો. ચીફ ઓફિસર એસ.વી. ઝાલા સામે શિસ્તભંગની કાર્યવાહી શા માટે કરાઇ રહી છે? તે જવાબ પણ સરકાર આપશે. તેમની સામે કરેલી તપાસના તમામ રેકોર્ડ રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.