• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Hearing In The High Court On The Issue Of Giving Coal To Industries, Echoes Of ABVP's Agitation All Over Gujarat, Siege Of Home Minister's House

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:​​​​​​​ઉદ્યોગોને કોલસો આપવા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી, ABVPના આંદોલનના ગુજરાતભરમાં પડઘા, ગૃહમંત્રીના ઘરે ઘેરાવની ચીમકી

અમદાવાદ12 દિવસ પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 14 ઓક્ટોબર, આસો સુદ નોમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે સવારે 11 વાગ્યા પછી સેશન્સ કોર્ટમાં ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજીની સુનાવણી 2) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે NFSUના ગોવા કેમ્પસનો શિલાન્યાસ કરશે 3) ઉદ્યોગોને કોલસો આપવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) સુરતનું આંદોલન અમદાવાદ, મહેસાણા, જામનગર, ભાવનગર અને રાજકોટ સુધી ફેલાયું, પોલીસ સાથે ઘર્ષણ, યુનિવર્સિટીને તાળાબંધી
સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓનું આંદોલન પ્રસરી ગયું છે. ખાસ કરીને રાજ્યના મોટા શહેરોની સાથે અન્ય યુનિવર્સિટીઓમાં પણ ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટીમાં પણ છેલ્લા બે દિવસથી ABVPના કાર્યકરો સુરતના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં આજે ABVPના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગો જબરદસ્તીથી બંધ કરાવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત જામનગરમાં પણ આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. વિદ્યાર્થીઓના ટોળે ટોળા ઉમટી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ પોલીસ મૂક પ્રેક્ષકની જેમ આંદોલનકારીઓ સામે પગલાં લેવામાં સરકારના આદેશની રાહ જોઈ રહી હોય તેવી પરિસ્થિતિ છે.

વાંચો સમાચાર વિગતવાર

2) માતા-પુત્રી મર્ડર કેસ:વડોદરામાં ઘરજમાઈએ આડાસંબંધમાં આડખીલી રૂપ પત્ની-પુત્રીને એકસાથે મોતને ઘાટ ઉતારવા ગૂગલ-યુટ્યૂબ પર સર્ચ કર્યું હતું
શહેરના સમા વિસ્તારમાં સી-48, ચંદનપાર્ક સોસાયટીના સનસનીખેજ ડબલ મર્ડરમાં પતિએ પત્ની અને પુત્રીને મોતને ઘાટ ઉતારી દેવા માટે ગૂગલ અને યુટ્યૂબ પર સર્ચ કર્યું હતું, જેમાં પોલીસને હત્યારાના મોબાઇલ ફોનમાંથી રેટ કિલર... જહર કોન કોન સા હૈ, મોત કૈસે હોતા હૈ...."હાઉ ટુ ગિવ ડેથ...રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન" પોઇઝન , ધ રેટ કિલર પોઇઝન..હાઉ ટુ કિલ અ મેન વિથ પિલો....જેવું સર્ચ કરેલું મળી આવતાં પતિએ જ પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાનો પદાર્ફાશ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પત્નીને પતિના આડાસંબંધની જાણ થયા બાદ ઝઘડાઓએ ઘરમાં નિયમિત સ્થાન લઈ લીધું હતું.

વાંચો સમાચાર વિગતવાર

3) શિવાંશના જન્મથી સારવાર કરી રહેલા ડોક્ટરે કહ્યું, 12 વર્ષ સુધી બાળકની સારવારનો તમામ ખર્ચ ઉપાડશે
રાજ્યભરમાં સનસનાટી ફેલાવી દેનારા મહેંદી હત્યાકાંડમાં નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સચિન અને મહેંદીના બાળક શિવાંશનો જન્મ બોપલની સંગીતા હોસ્પિટલમાં થયો હતો. આ હોસ્પિટલમાં શિવાંશની પ્રથમ દિવસથી જ સારવાર કરનાર ડોક્ટરનું કહેવું છે કે શિવાંશના માતા પિતા સચિન અને મહેંદી જ્યારે શિવાંશને લઈને હોસ્પિટલ આવતાં ત્યારે તેમનાથી એક ક્ષણ પણ શિવાંશને દુર થવા નહોતા દેતા. આજે માન્યામાં નથી આવતું કે શિવાંશની આ સ્થિતિ છે. બોપલની ચાઈલ્ડહૂડ હોસ્પિટલના ડોક્ટરે શિવાંશ બાર વર્ષનો થાય ત્યાં સુધી તેની સમગ્ર સારવારનો ખર્ચ ઉપાડવાનું નક્કી કર્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

4) ચીનને સણસણતો જવાબ:અરુણાચલ પ્રદેશ અમારો અભિન્ન અને અવિભાજ્ય ભાગ- ભારતીય વિદેશ મંત્રાલય
દેશના ઉપરાષ્ટ્રપતિ હાલ અરુણાચલ પ્રદેશની યાત્રા પર છે. તે મુદ્દે ચીને ટિપ્પણી કરી હતી, જેનો ભારતે જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે અમે આવી ટિપ્પણીઓને નકારીએ છીએ. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. ભારતીય નેતાઓ નિયમિતપણે રાજ્યની મુલાકાત લે છે, જેમ કે તેઓ ભારતના અન્ય રાજ્યમાં કરે છે. ચીને બુધવારે કહ્યું હતું કે તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અરુણાચલ પ્રદેશ જવાનો સખત વિરોધ કરે છે. ચીને ઉમેર્યું કે ભારત આવી કાર્યવાહી કરવાની બંધ કરે, જે સરહદને લગતા મુદ્દાઓ ભડકાવે છે.

વાંચો સમાચાર વિગતવાર

5) રાજકારણમાં ગરમાવો:મોહન ભાગવત અને રાજનાથ સિંહનાં નિવેદન પછી ઓવૈસીનો વળતો પ્રહાર; કહ્યું- આ લોકો ગાંધીજીને હટાવીને સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે
વીર સાવરકર પર લખવામાં આવેલા પુસ્તકના વિમોચન દરમિયાન આરએસએસ-પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે આઝાદી પછી વીર સાવરકર મુદ્દે લોકો પાસે પૂરતી માહિતી નથી, પરંતુ હવે આ પુસ્તક દ્વારા લોકો વીર સાવરકર વિશે જાણી શકશે. ત્યાર પછી સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી અને યોગી અરવિંદનો નંબર છે. તેમના વિશે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.સાવરકર પર લખવામાં આવેલા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે આડકતરી રીતે વિપક્ષની પાર્ટી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વીર સાવરકર વિશે આજે પણ લોકોમાં માહિતીનો અભાવ છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહના આ નિવેદન વિશે અસદુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ લોકો વિકૃત ઈતિહાસ રજૂ કરી રહ્યા છે. જો આવું જ ચાલતું રહેશે તો આ લોકો એક દિવસ મહાત્મા ગાંધીને હટાવીને સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે.

વાંચો સમાચાર વિગતવાર

6) ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ:આર્યન આજની રાત પણ જેલમાં રહેશે; કાલે સુનાવણી થશે, NCBએ ખાન પર આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે સંપર્ક હોવાના આરોપ લગાવ્યા
શાહરુખના દીકરા આર્યનની જામીન અરજી પર આજે (13 ઓક્ટોબર) મુંબઈની સેશન્સ કોર્ટે આવતીકાલે સવારે 11 વાગ્યા પછી સુનાવણી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં NCBએ કહ્યું હતું કે આર્યન પાસેથી ભલે કંઈ ના મળ્યું, પરંતુ તે આ આખા ષડયંત્રમાં સામેલ છે. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. અને આર્થર રોડ જેલમાં છે. શાહરુખે આર્યન માટે વકીલ અમિત દેસાઈને હાયર કર્યા છે. તે સતીશ માનશિંદે સાથે મળીને કોર્ટમાં દલીલો કરે છે.

વાંચો સમાચાર વિગતવાર

7) T-20 વર્લ્ડ કપ ટીમમાં થયો ફેરફાર:BCCIએ આગામી વર્લ્ડ કપ પહેલા અક્ષર પટેલના સ્થાને શાર્દૂલની પસંદગી કરી, ખરાબ ફોર્મ હોવા છતાં હાર્દિક પંડ્યા ટીમમાં રહ્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આગામી T-20 વર્લ્ડ કપ માટે ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટીમની મુખ્ય T-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલ, જે પહેલાથી જ ટીમમાં છે. તેને 15 સભ્યોની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેવામાં હવે અક્ષરને સ્ટેન્ડ બાય ખેલાડીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ફોર્મ ખરાબ હોવા છતા ટીમમાં સામેલ છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની વય મર્યાદા એક વર્ષ વધારાઈ, બિન અનામત માટે 36 જ્યારે અનામત માટે 41 વર્ષ 2) રાજ્યમાં રાવણ દહન માટે શરતી છૂટ, 400 વ્યક્તિની મર્યાદામાં કરી શકાશે રાવણ દહન 3) પતિની હત્યાના ગુનામાં 10 વર્ષની સજા કાપ્યા બાદ 50 વર્ષની મહિલાને હાઇકોર્ટે નિર્દોષ છોડી 4) સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોને RTE સીટોની ફી 30 ટકા વધારી આપી, પણ વાલીઓને 25 ટકા ફી માફી આપતી નથી 5) પટેલ સરકારના મંત્રીઓના અંગત સચિવ, અંગત મદદનીશ અને અધિક અંગત સચિવોની નિમણૂંક, વાંચો સંપૂર્ણ લિસ્ટ 6) પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા AIIMSમાં દાખલ 7) લખીમપુર ખીરી કેસના મુખ્ય આરોપી આશીષ મિશ્રાની જામીન અરજી ફગાવાઈ, અન્ય આરોપી શેખર ભારતીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા 8) દિલ્હી હાઇકોર્ટ બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટમા સામેલ હતો અશરફ, 2 વર્ષ રાજસ્થાનમાં ફકીરના વેશમાં રહ્યો હતો 9) બ્રિટનના ઝુક્યા બાદ ભારતે પણ બ્રિટિશ મુસાફરોને રાહત આપી, હવે 10 દિવસ ક્વોરન્ટાઈન નહી રહેવું પડે

આજનો ઈતિહાસ
14 ઓક્ટોબર 1956માં ડૉ. ભીમરાવ આંબેડકરે પોતાના 3,85,000 અનુયાયીઓની સાથે કોચાંદામાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને પોતાના સમર્થકોને 22 બૌદ્ધ પ્રતિજ્ઞાઓનું અનુસરણ કરવાની સલાહ આપી.

અને આજનો સુવિચાર
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે, કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે, પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...