ગ્રીન બિલ્ડિંગની માગ વધી:ગરમી 18 ડિગ્રી ઓછી અનુભવાય છે, વીજળીની પણ બચત; અમદાવાદમાં 56ને સર્ટિફિકેટ મળ્યું

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • કુદરતી મટીરિયલ તેમજ નવી ડિઝાઇનને લીધે ઘર-ઓફિસો માટે પણ પહેલી પસંદગી થાય છે

ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી)માં અત્યાર સુધીમાં અમદાવાદની 190માંથી 56 બિલ્ડિંગને જ ગ્રીન બિલ્ડિંગનું સર્ટિફિકેટ મળ્યું છે. જ્યારે ગુજરાતમાંથી 541 માંથી 196 બિલ્ડિંગોને જ ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળ્યો છે. લોકો હવે રહેઠાણ અને ઓફિસ માટે પણ ગ્રીન બિલ્ડિંગની માગ કરી રહ્યા છે. કારણ કે ગ્રીન બિલ્ડિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે કુદરતી મટીરિયલ અને ડિઝાઇનના કારણે વીજળીનો વપરાશ ઘટે છે અને લાઈટબિલ ઓછું આવે છે. ખાસ તો આ બિલ્ડિંગમાં ગરમી 18 ડિગ્રી ઓછી અનુભવાય છે.

ગ્રીન બિલ્ડિંગના સર્ટિફિકેટ માટે સૌથી પહેલા બિલ્ડરે પોતાનો પ્રોજેક્ટ રજિસ્ટર કરાવવો પડે છે. રજિસ્ટ્રેશન નંબર પછી બિલ્ડરે અમુક સુવિધા ફરજિયાત લાગુ કરવાની હોય છે, ત્યારબાદ પ્રોજેક્ટ માટે જે મટીરિયલ ખરીદી કરે છે તેના વર્કઓર્ડરથી લઇને દરેક વસ્તુના પ્રૂફ આઇજીબીસીમાં જમા કરાવવાના હોય છે. સમીક્ષા બાદ જ અંતિમ સર્ટિફિકેટ અપાય છે.

વીજળી-પાણીના ઓછા વપરાશ પર ભાર

 • ગ્રીન બિલ્ડિંગમાં ફ્લાયએશ અને એઇસી બ્રિક્સનો ઉપયોગ થાય છે
 • બિલ્ડિંગની ડિઝાઇન પર ખાસ મહત્ત્વ અપાય છે, જેથી લાઇટનો ઉપયોગ ઓછો થઇ શકે
 • વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો કડક અમલ કરાય છે
 • વેસ્ટ પાણીનો ફરી ઉપયોગ કરી શકાય તેવી સિસ્ટમ તૈયાર કરાય છે
 • વોશરૂમમાં ડબલ ફ્લશનો ઉપયોગ થાય છે
 • હાથ ધોવા માટે ઓછું પાણી વપરાય તેવી સિસ્ટમ ગોઠવાય છે
 • બિલ્ડિંગમાં રિસાઇકલ મટીરિયલનો ઉપયોગ થાય છે
 • બિલ્ડિંગના મટીરિયલ લોકલ સ્થળેથી ખરીદવાના રહેશે, જેથી કાર્બનનું ઉત્સર્જન ઘટાડી શકાય
 • ઘરનો કલર અને ઇન્ટીરીયર પણ નિયમ પ્રમાણે જ રાખવાના રહેશે

1 ફ્લશમાં 3થી 6 લીટર પાણી જ વપરાશે
સામાન્ય ફ્લશમાં 10 લિટર પાણી વપરાય છે, જ્યારે ગ્રીન બિલ્ડિંગમાં બે પ્રકારના ફ્લશ અપાય છે. જેમાં નાના ફ્લશમાં 3 લિટર, જ્યારે મોટા ફ્લશમાં 6 લિટરપાણી વપરાય છે, ઉપરાંત માત્ર હાથ ધોવા માટેના નળમાં આવતા પાણીનું પ્રેશર ઓછુ રખાય છે. જેથી પાણીનો બગાડ ઓછો થાય છે.

60 ટકા પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ આધારિત
રાજ્યના મોટા બિલ્ડરોએ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. શહેરમાં હાલ 60 ટકા પ્રોજેક્ટ ગ્રીન બિલ્ડિંગ આધારિત છે. જેની પર્યાવરણ પર હકારાત્મક અસર થશે. - સમીર સિંહા, ચેરમેન, આઇજીબીસી અમદાવાદ ચેપ્ટર

અન્ય સમાચારો પણ છે...