• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Heart Of A Braindead Person From Ahmedabad Civil Hospital Was Delivered To Sims Hospital In 11 Minutes To Be Implanted In Another Patient's Body.

સફળ ઓપરેશન:અમદાવાદ સિવિલ હોસ્પિટલથી બ્રેઈનડેડ વ્યક્તિનું હૃદય બીજા દર્દીના શરીરમાં બેસાડવા 11 મિનિટમાં સિમ્સ હોસ્પિટલમાં પહોચાડાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રીન કોરિડોર કરીને હૃદયને સિવિલમાંથી સિમ્સમાં પહોંચાડ્યું - Divya Bhaskar
ગ્રીન કોરિડોર કરીને હૃદયને સિવિલમાંથી સિમ્સમાં પહોંચાડ્યું
  • ગ્રીન કોરિડોર બનાવી પોલીસ દ્વારા એસ્કોર્ટ કરીને હૃદયને સિમ્સ હોસ્પિટલ સુધી પહોંચાડાયું
  • સિવિલ હોસ્પિટલમાં દર્દી મુકેશસિહ સોલંકી બ્રેઇનડેડ જાહેર થતા તેમના 4 અંગોની સાથે હ્યદયનું પણ દાન કરાયું

સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે 41 વર્ષના બ્રેઇનડેડ દર્દીના શરીરમાંથી હૃદય કાઢી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઓપરેશન થિયેટરથી લઈ લિફ્ટ સુધી ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોર લીફ્ટમાંથી બહાર આવી ટ્રોમા સેન્ટરના ગેટ સુધી આખો રસ્તો સિવિલ હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફ દ્વારા માનવ સાંકળ બનાવી કોઈપણ જાતની અડચણ વિના એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યુ હતું. ત્યારબાદ સ્થાનિક પોલીસની ગાડીઓ દ્વારા એમ્બ્યુલન્સને એસ્કોર્ટ કરી સિમ્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા દરમિયાન હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખી તેમના માટે અલગથી આવવા જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. આ તમામ વ્યવસ્થાના સંકલન માટે સિવિલ હોસ્પિટલના અધિકારી તેમજ સિમ્સ હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા ખુબ જ ચોકસાઈ પૂર્વક સંકલન કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી. બ્રેઇનડેડ દર્દીના હૃદયને પ્રત્યારોપણ માટે શરીરમાંથી કાઢ્યા બાદ ચારથી છ કલાકના સમયગાળામાં બીજા વ્યક્તિના શરીરમાં ઓપરેશન કરી બેસાડવું જરૂરી હોય છે.

રસ્તા પર ગ્રીન કોરિડોર કરીને એમ્બ્યુલન્સને સિમ્સ હોસ્પિટલ લઈ જવાઈ
રસ્તા પર ગ્રીન કોરિડોર કરીને એમ્બ્યુલન્સને સિમ્સ હોસ્પિટલ લઈ જવાઈ

સિગ્નલ મળતા બ્રેઈનડેડ દર્દીના હૃદયને બહાર કઢાયું
આ તમામ પ્રક્રિયા દરમિયાન એક-એક સેકન્ડની ગણતરી કરી સંકલન કરવામાં આવતું હોય છે. સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેઇનડેડ દર્દીના હૃદય કાઢવા માટેનું ઓપરેશન તેમજ જે દર્દીમાં હૃદયનું પ્રત્યારોપણ કરવાનું હતું તે દર્દીનું પણ સામે સિમ્સ હોસ્પિટલ ખાતે ઓપરેશન બીજી ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતુ. સમયની ગણતરી મુજબ સિમ્સ હોસ્પિટલ ખાતે ઓપરેશન અમુક તબક્કામાં પહોંચ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે સિગ્નલ મળતા બ્રેઈનડેડ દર્દીના હૃદયને ક્લેમ્પ કરી બહાર કાઢવામાં આવ્યું હતું.

જરૂરિયાત મંદ વ્યક્તિને હૃદય મળવાથી નવજીવન મળ્યું
જરૂરિયાત મંદ વ્યક્તિને હૃદય મળવાથી નવજીવન મળ્યું

દર્દીના શરીરમાં હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું
ત્યારબાદ તેને સાચવવાની જરૂરી પ્રક્રિયા કરી બોક્સમાં પેક કરીને તંત્ર દ્વારા બનાવાયેલ ગ્રીન કોરિડોર મારફતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યું. પોલીસ દ્વારા એસ્કોર્ટ કરી સિમ્સ હોસ્પિટલ ખાતે ચાલી રહેલા દર્દીના ઓપરેશન થિયેટર સુધી પહોંચાડી તે દર્દીના શરીરમાં હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું.આ સમગ્ર પ્રક્રિયા ગ્રીનકોરિડોરની મદદથી ફક્ત 10 મીનિટમાં પૂર્ણ કરવામાં સફળતા મળી હતી.

જુનાગઢના દર્દીનું હ્યદય મોરબીના દર્દીમાં ધબક્યુ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દી મુકેશસિહ સોલંકી બ્રેઇનડેડ જાહેર થતા તેમના 4 અંગોની સાથે હ્યદયનું પણ દાન કરાયું હતું. મુકેશસિંહના પાંચ અંગોમાંથી કિડની અને સ્વાદુપિંડ સુરતના 35 વર્ષના પુરુષને, જ્યારે બીજી કિડની 65 વર્ષના અમદાવાદના દર્દીને,જયારે લીવર 40 વર્ષની અમદાવાદની મહિલામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.મુકેશભાઇના હ્યદયને મોરબીના 36 વર્ષના પુરુષમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી

મોરબીના દર્દી મારફાનોઇડ સિન્ડ્રોમથી પીડાઇ રહ્યા હતા
સીમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ધીરેન શાહે જણાવ્યું કે, મોરબીના 36 વર્ષના પુરુષ દર્દી મારફાનોઇડ સિન્ડ્રોમથી પીડાઇ રહ્યા હતા. જેના કારણે શરીરના સ્નાયુઓ નબળા થઇ રહ્યા હતા. જેની આડઅસર હ્યદય પર પણ વર્તાવા લાગી. દર્દીના હ્યદયના વાલ્વ પણ ખરાબ થઇ જવા પામ્યા હતા. તેમની મહાધમની ફૂલી રહી હતી.જેના નિયંત્રણ માટે 2017માં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. સર્જરી બાદ સમય જતા હ્યદયમાં રૂધિરનું વહન 10 ટકા જેટલું જ થઇ રહ્યું હોવાથી પેશમેકર પણ મૂકવામાં આવ્યુ હતુ.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 9 દિવસમાં 3 અંગદાન થયા
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે,સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ સિવિલ હોસ્પિટલમાં 9 મહિનામાં 11 બ્રેઇનડેડ દર્દીઓના 35 અંગોનું દાન મેળવીને 29 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે.જેમાં છેલ્લા 9 દિવસમાં 3 અંગદાન થયા છે.સિવિલ હોસ્પિટલની (SOTTO) ની ટીમના સહિયારા પ્રયાસોના ભાગરૂપે જ આજે સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત હ્યદયનું પણ દાન મળ્યું છે જે સફળતાપૂર્વક અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરાતા અમારી ટીમને આનંદની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...