સિવિલ હોસ્પિટલના જુનિયર ડૉક્ટર્સ પાસે સિનિયર અને એચઓડી ઘરના કામો કરાવવા હોવાનો બુધવારે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ છપાયો હતો. જેના પરિણામે સિવિલ સુપરિન્ટેન્ડન્ટે જુનિયર ડૉક્ટર્સ એસોસિએશનના સભ્યોને બોલાવ્યા હતા અને કોઈનાથી ડર્યા વગર તેમને પડતી મુશ્કેલી અથવા હેરાનગતિ થતી હોય તે જણાવવા કહ્યું હતું. જુદાજુદા વિભાગના કેટલાક કાયમી ડૉક્ટરો સરકારની જાણ બહાર પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેના અનુસંધાને સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ તમામ વિભાગના એચઓડીને નોટિસ મોકલવા જણાવ્યું હતું.
ડૉ. જોષીએ કહ્યું કે, જુનિયર ડૉક્ટર્સને એક દિવસનો સમય અપાયો છે. આવતીકાલે ફરી તેમને પડતી મુશ્કેલી અથવા હેરાનગતિની લેખિત રજૂઆત કરવા બોલાવાયા છે. વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેમને સિનિયર્સ કે, એચઓડીથી ડરવાની જરૂર નથી.
જુનિયર ડૉક્ટર્સ એસોસિએશને કહ્યું કે, સુપરિન્ટેન્ડન્ટ સાહેબે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો હતો. એસોસિએશનની મીટિંગમાં નક્કી કર્યા બાદ ગુરૂવારે રજૂઆત કરવા જઈશું. ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો અંગેની માહિતી પુરાવા સાથે મળશે તેની ઉપરી ઓફિસને લેખિતમાં જાણ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.