લીમડી મ્યુનિસિપાલિટીમાં ફરજ બજાવતા અધિકારીની વિધવા પત્નીને હાઇકોર્ટનો આદેશ છતાં પણ 11 વર્ષથી પેન્શન નહીં ચૂકવાતા કન્ટેમ્પટ પિટિશન કરાઇ છે. ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે સેક્રેટરીને હાજર કરવા આદેશ કરતા સરકારી વકીલે જવાબ રજૂ કરવા સમય માગ્યો હતો. ખંડપીઠે ટકોર કરી હતી કે, એક દિવસ પણ મુદત મળશે નહીં. એક વિધવા મહિલાનો કોઇ આધાર નથી તેની સ્થિતિ અત્યંત દયનીય છે. 11 વર્ષથી કોર્ટના ધક્કા ખાઇ રહ્યાં છે. આટલો બધો વિલંબ કોઇ રીતે માફીને લાયક નથી. 2 કલાકમાં પેન્શન અને નિવૃત્તિના લાભોની રકમના ચેક આપી દો તો અધિકારીને ચાર્જફ્રેમમાંથી મુક્ત કરી શકાશે.
લીમડી મ્યુનિસિપાલિટીમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું 2003માં મૃત્યુ થયંુ હતું. ત્યારબાદ સરકારે પેન્શન આપવા ઇન્કાર કરતા વિધવા પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. સરકાર તરફે પેન્શન ચુકવવા અંગે મુદત માગતા ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, પેન્શન ન ચૂકવતા કર્મચારી પણ એક દિવસ નિવૃત્ત થશે અને તેમના પેન્શનના લાભો અટકશે એ ધ્યાનમાં રાખજો. અમે એકેય દિવસ આપવા માગતા નથી, તમે અઠવાડિયાની વાત તો કરતા જ નહીં.
વિધવા મહિલાને ફેમિલી પેન્શન નહીં મળવાને લીધે તેની આર્થિક સ્થિતિ ભિક્ષુક જેવી બની ગઇ છે. કોર્ટના આદેશને પણ ગંભીરતાથી નહીં લેનારને કોર્ટ માફ કરી શકે નહીં. છેવટે સરકારે એક દિવસમાં ચેક આપી દેવા ખાતરી આપી હતી. જેની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.
તમારી હજારો મુશ્કેલીઓ અમને જણાવો છો પણ વિધવા મહિલાની મુશ્કેલી નથી દેખાતી? : કોર્ટ
ચીફ જસ્ટિસ અરવિંદકુમારે એવી ટકોર કરી હતી કે, તમે દરેક મુદતો દરમિયાન હજારો મુશ્કેલીઓ અમને જણાવો છો પણ તમને વિધવા મહિલાની મુશ્કેલી દેખાતી નથી? તમે જરાક વિચાર કરો કે 11 વર્ષથી વિધવા મહિલાની હાલત શું છે? આવકનું કોઇ માધ્યમ નથી પેન્શન મળે નહીં તો માગીને ખાવાનો વારો આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.