હાથે ઘસેલી VS ડોઘલામાં રંગેલી દોરી:હાથેથી ઘસાવેલી દોરી જ પાક્કી, લેબમાં ડોઘલાની દોરી કરતાં વધુ મજબૂત પુરવાર; વાંચો પતંગની દોરી અંગેનો પહેલો ‘સાયન્ટિફિક’ રિપોર્ટ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 તારની એક જ દોરીને અડધી હાથેથી ઘસાવી અને અડધી ડોઘલામાં રંગાવી દિવ્ય ભાસ્કર દ્વારા ભવન્સની લેબમાં ટેસ્ટિંગ કરાયું
  • પતંગરસિયાના વર્ષોથી અનુત્તર રહેલા સવાલનો જવાબ મળ્યો

ઉત્તરાયણમાં પતંગરસિયાઓ માટે કાયમ એક પ્રશ્ન ઉદભવતો હોય છે કે હાથથી ઘસેલી દોરી સારી કે ડોઘલા (ચરખો)માં રંગાવેલી દોરી સારી? આ પ્રશ્નનો સાયન્ટિફિક જવાબ મેળવવા ‘દિવ્ય ભાસ્કર’ અને ખાનપુરની ભવન્સ આર.એ. સાયન્સ કોલેજના ફિઝિકસ ડિપાર્ટમેન્ટના સિનિયર ફેકલ્ટીએ બંને પ્રકારની દોરીના સ્ટ્રેન્થ ટેસ્ટ અને કટિંગ ટેસ્ટ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કર્યું હતું. જેમાં મજબૂતાઈ અને કાપવાની ક્ષમતાની પરીક્ષામાં હાથથી ઘસેલી દોરી રંગાયેલી દોરી કરતાં વધુ મજબૂત પુરવાર થઈ હતી. એક મીટરની ઊંચાઈએથી ડોઘલામાં રંગાવેલી દોરી માત્ર 2 કિલો વજન સહન કરી શકી હતી જ્યારે હાથે ઘસેલી દોરી અઢી કિલો વજન ઊંચકી શકી હતી. (પ્રતીક ભટ્ટ અને કેતનસિંહ રાજપૂતનો અહેવાલ)

ટેલર એક જ હોય પણ દોરીની ઘસવાની પદ્ધતિથી તેની મજબૂતાઈ અને કાપવાની ક્ષમતામાં ફેર પડે છે કે નહીં તે બાબતે વર્ષોથી પતંગરસિયાઓ બે પક્ષમાં વહેંચાઈ ગયા હતા. એક પક્ષ એવું માનતો હતો કે પરંપરાગત રીતે હાથેથી લુગદી વડે ઘસેલી દોરી વધુ સારી હોય છે. જ્યારે બીજો પક્ષ માનતો હતો કે ડોઘલામાંથી રંગેલી દોરી વધુ સારી હોય છે. પતંગ કાપવા એ વ્યક્તિગત ક્ષમતા પર આધાર રાખે છે પણ ઘસવાની પદ્ધતિથી દોરીમાં ફેર પડે છે કે નહીં તે અંગેનો પ્રશ્નનો ઉત્તર મળતો ન હતો. આથી દિવ્ય ભાસ્કરે સૌપ્રથમ 9 તારના 500 વારના એક ટેલરની ખરીદી કરી હતી.

આ ટેલરને એક જ જગ્યાએ એક જ વ્યક્તિ પાસે અડધી ડોઘલામાં અને અડધી દોરી હાથે ઘસાવી હતી. પરીક્ષણમાં સમાનતા રહે તે માટે બંને દોરી પર એક સરખો જ કાચ લગાવાયો હતો. આ દોરીની મજબૂતાઈ જાણવા માટે ખાનપુરમાં આવેલી ભવન્સ આર.એ. સાયન્સ કોલેજના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના એચઓડી ડૉ.એમ.એમ. જોટાણી અને સિનિયર ફેકલ્ટી રાજેન્દ્ર જાદવ તેમજ ડો. શરદ શેઠ, ડો. તેજલ શાહ અને જયેશ ચૌહાણની ટીમે 2 કલાક સુધી દોરીનું પરીક્ષણ કર્યું હતું. દોરીની મજબૂતાઈ જાણવા સ્ટ્રેન્થ ટેસ્ટ અને કટિંગ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. આ બંને પ્રકારના ટેસ્ટમાં ડોઘલા કરતાં ઘસાવેલી દોરી વધારે મજબૂત અને ટકાઉ પુરવાર થઈ હતી.

પરીક્ષણઃ એક જ ટેલરને સરખા જ કાચ વડે બે પદ્ધતિથી રંગાવાયું
પરીક્ષણમાં સમાનતા રહે તે માટે 9 તારના એક જ ટેલરની દોરી વાપરવામાં આવી
આંબાવાડીમાંથી દોરીના વિક્રેતા પાસેથી નવ તારના 500 વારના ટેલરની ખરીદી કરી હતી. આ ટેલરના 250-250 વાર એમ બે ભાગ પાડવામાં આવ્યા.

સ્ટ્રેન્થ ટેસ્ટ: જુદી જુદી ઊંચાઈથી પરીક્ષણ
ડોઘલાની દોરી 2 કિલો વજન લટકાવતાં તૂટી ગઈ, હાથે ઘસેલી દોરીએ અઢી કિલો ઊંચક્યું

દોરીનો પ્રકારઊંચાઈઊંચકેલું વજન
હાથેથી ઘસેલી1.0 મીટર2.5 કિલો
ડોઘલાથી રંગાયેલી1.0 મીટર2 કિલો
હાથેથી ઘસેલી0.5 મીટર1.5 કિલો
ડોઘલાથી રંગાયેલી0.5 મીટર1 કિલો

જુદી જુદી ઊંચાઈએથી કરેલા સ્ટ્રેન્થ ટેસ્ટમાં હાથેથી ઘસેલી દોરી મજબૂત પુરવાર થઈ.

કટિંગ ટેસ્ટ : ત્રણવાર ડોઘલાની દોરી કપાઈ
ઉત્તરાયણના દિવસે પતંગ જ્યારે હવામાં ચઢતો હોય ત્યારે દોરીની મજબૂતાઈ ઉપરાંત પેચ કાપવાની ક્ષમતા પણ અગત્યની હોય છે. આથી બંને દોરીનું લેબોરેટરીમાં નિષ્ણાતો દ્વારા એકસરખી રીતે કટિંગ ટેસ્ટ કરી પરીક્ષણ કરવામાં આવ્યું. બંને દોરી પર એકસરખો કાચ લગાડ્યો હોવા છતાં ત્રણેય વારના પરીક્ષણમાં હાથેથી ઘસેલી દોરીએ ડોઘલાથી રંગેલી દોરીને કાપી નાખી હતી.

આ વસ્તુઓનો ઉપયોગ કરાયો
હાથેથી ઘસવા માટેઃ દોરીને ઘસવા માટે કારીગરો ખાસ પ્રકારની લુગદી બનાવે છે. આ લુગદી બનાવવામાં બાફેલા ભાત, કપડા ધોવાના સાબુની ગોટી, કાચનો ભૂક્કો અને કલર સહિતની વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક કારીગરો દોરીને ધારદાર અને મજબૂત બનાવવા માટે ઇંડાંનો ઉપયોગ પણ કરતા હોય છે.

ડોઘલામાં દોરી રંગવા માટેઃ ડોઘલાની દોરી રંગવા માટે રંગ અને કેમિકલવાળું પાણી ભરેલા ડોઘલામાંથી પસાર કરવામાં આવે છે. જે રંગવાળા પાણીમાથી દોરીને હાથમાં રાખવામાં આવેલા કાચના પાવડરમાંથી પસાર થઈને ફીરકા (ચરખા)માં લપેટવામાં આવે છે. આમાં કોઈ લુગદીનો ઉપયોગ થતો નથી.

અન્ય સમાચારો પણ છે...