તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NSUIની માંગણી:જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે ગુજરાત સરકારે ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો વધારવી જોઈએ

અમદાવાદએક મહિનો પહેલા
NSUIના પ્રદેશ અધ્યક્ષ મહિપાલસિંહ ગઢવી
  • ખાનગી કોલેજોને સરકાર ફાયદો કરાવી રહી છેઃ NSUI.
  • વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ભાજપની સરકારે ધ્યાન નથી આપ્યું.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજો સુધી પહોંચ્યાં છે. ગુજરાત યુનિવર્સિટીમાં હજી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે એડવાન્સમાં એડમિશન આપીને ખાનગી યુનિવર્સિટીની કોલેજોમાં બેઠકો ફૂલ થઈ ગઈ છે. આ મુદ્દે NSUIએ સરકારની આકરી ટીકાઓ કરી હતી.

શાળા કોલેજના સંચાલકો દ્વારા ફી ઘટાડવામાં આવે
NSUI દ્વારા આ મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં NSUIના પ્રદેશ અધ્યક્ષ મહિપાલસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું તેનો વિરોધ નથી પણ જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ સુધી પહોંચ્યા છે. એવામાં હવે ખાનગી કોલેજો લાભ ઉઠાવી જાય છે અને સરકાર દ્વારા એમને ફાયદો થાય એવું દેખાય છે. સરકારે ગ્રાન્ટેડ કોલેજોમાં સીટો વધારવી જોઈએ. શાળા કોલેજના સંચાલકો દ્વારા ફી ઘટાડવામાં આવે. જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નુકસાન ન થાય.

સરકારી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે
તેમણે સરકાર સમક્ષ સરકારી ભરતીની માંગ કરતાં કહ્યું હતું કે, સરકારી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે, યુવાઓ લાંબા સમયથી નોકરી માટે રાહ જોઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓને રસીકરણ મામલે સરકારની જાહેરાત થઈ પણ હજી જાહેરાત કાગળ ઉપર જ દેખાય છે.વિદ્યાર્થીઓ અને યુવાઓ સરકાર પાસે મીટ માંડીને બેઠા છે, જેથી સરકાર રસીકરણ મામલે કે પ્રવેશ પ્રક્રિયા મામલે કોઈ ચોક્કસ નિર્ણય લે.

વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સરકારે ધ્યાન નથી આપ્યું
વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ભાજપની સરકારે ધ્યાન નથી આપ્યું. તેમને ફીમાં રાહત મળે એ માટે અમે આંદોલન પણ ચલાવ્યું છે. કોરોનાના કપરા કાળમાં લોકોના ધંધા રોજગારને અસર થઈ છે. જેથી અમે ફરીથી રજુઆત કરીએ છીએ કે સરકાર 50 ટકા ફી માફીની જાહેરાત કરે. જેમના મા બાપ કોરોનામાં નથી રહ્યા એમનો અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકાર કરે એવી રજુઆત પણ કરવામાં આવી હતી. આખા ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓની છાત્રાવૃત્તિ જાહેર નથી થઈ, જેમાં એસ.સી., એસ.ટી. અને ઓબીસી વિદ્યાર્થીઓ સામેલ છે. નોકરી માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને નોકરી મળે એ માટે સરકાર યોજના જાહેર કરીને તેનો અમલ શરૂ કરાવે. આ અગાઉ પણ ભરતીની જાહેરાત કરી પણ હજી એમને પણ નોકરી નથી મળી.

અન્ય સમાચારો પણ છે...