રાજ્યમાં 18+ને કાલથી રસી નહીં મળે:ગુજરાત સરકારે અઢી કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો, પરંતુ ડિલિવરીમાં 15થી 30 દિવસનો વિલંબ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન બૂથની ફાઇલ તસવીર. - Divya Bhaskar
વેક્સિનેશન બૂથની ફાઇલ તસવીર.
  • સમયસર પૂરતા ડોઝ ન મળવાથી રસીકરણ અભિયાન મોડું શરૂ થશે
  • રાજ્યમાં કુલ 1.20 કરોડ લોકોને રસી અપાઈ, જે કુલ વસતિના ફક્ત 18.3%
  • 45 વર્ષથી વધુ વયનાઓનું વેક્સિનેશન ચાલુ રહેશે

ગુજરાત સરકાર પાસે હાલ 18થી 45 વર્ષની વયજૂથના નાગરિકો માટે રસીનો ડોઝ ઉપલબ્ધ નથી અને એ આવતાં હજુ ઓછામાં ઓછા 15 દિવસ લાગશે, તેથી આ વયજૂથના નાગરિકોને રસી મળવામાં હજુ 15 દિવસનો સમય વીતી જશે. જોકે રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ રસીની માગ વધુ હોવાથી 15 દિવસમાં જ રસી આવી જ જશે એ કહેવું મુશ્કેલ છે.

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

સરકાર પાસે હાલમાં માત્ર 7 લાખ ડોઝ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સરકારે અગાઉ સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસે 1 કરોડ કોવિશીલ્ડ ડોઝ તથા ભારત બાયોટેક પાસે કોવેક્સિનના 50 લાખ ડોઝ મગાવ્યા હતા. હવે સીરમ પાસેથી વધુ એક કરોડ ડોઝની માગણી કરાઇ છે. આમ, 18થી 45 વર્ષની વયજૂથના લોકો માટે ઓછામાં ઓછા 2.5 કરોડ ડોઝ હોવા જરૂરી છે, પરંતુ હાલ 45થી વધુ વયના લોકો માટે ફક્ત 7 લાખ જેટલા ડોઝ છે. એમાં કોવિશીલ્ડના 3.70 લાખ અને કોવેક્સિનના 3.30 લાખ ડોઝ છે.

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

હર્ડ ઇમ્યુનિટી માટે 70 ટકા વેક્સિનેશન જરૂરી
અત્યારસુધીમાં ગુજરાતને કેન્દ્ર તરફથી 1.27 કરોડ ડોઝ મળ્યા છે. રસીકરણના તમામ તબક્કામાં ગુજરાતમાં કુલ 1.20 કરોડ લોકોએ રસી લીધી છે, જે કુલ વસતિના 18.3 ટકા છે. તેમાંથી 95.64 લાખ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21.93 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. નિષ્ણાતોના મતે, સંક્રમણને લગભગ નાબૂદ કરવા હર્ડ ઇમ્યુનિટી હેઠળ 70 ટકા વસતિને રસી આપવી જરૂરી છે. ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સથી રસીકરણ અભિયાનનો 10 જાન્યુઆરીએ પ્રારંભ થયો હતો, જેથી લગભગ ચાર મહિનામાં હર્ડ ઇમ્યુનિટી માટે જરૂરી 70 ટકા પૈકીની ગુજરાતની ચોથા ભાગની વસતિ રસી મેળવી ચૂકી છે.

ફાઈઝરની રસી ટૂંકમાં ઉપલબ્ધ
હાલ ગુજરાતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન એમ બે રસી ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં ત્રીજી રસી તરીકે ફાઇઝર આવી શકે છે. રૂપાણીએ આ અંગે સંકેત આપ્યો હતો. આ રસી મળશે એ સાથે ગુજરાતમાં એ આપવાનો પ્રારંભ થશે. જોકે ફાઇઝરની રસી સ્વખર્ચે લેવાની રહેશે.

કોવેક્સિન ગુજરાતને રૂપિયા 400માં પડશે
ભારત બાયોટેકે પોતાની કોવેક્સિન નામની રસી અગાઉ રાજ્ય સરકારોને 600 રૂપિયા પ્રતિ ડોઝ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કંપનીની નવી જાહેરાત મુજબ, હવે તમામ રાજ્ય સરકારોને એ 400 રૂપિયે જ પડશે. ગુજરાત સરકારે આ રસીના 50 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે.