અમદાવાદઃ ખાનગી સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા રદ કરવાનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર જ કરશે. ખાનગી સ્કૂલ સંચાલકો પરીક્ષા અંગેનો કોઈ નિર્ણય કરશે નહીં. ખાનગી સ્કૂલો સંચાલકના મંડળમાં આ અંગેની ચર્ચા થઈ હતી. એક સ્કૂલ સંચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, શિક્ષણના તમામ નિર્ણયો સરકારે જ લેવા જોઈએ. પરીક્ષા રદ કરવી અને માસ પ્રમોશન આપવું એક નિર્ણય પણ સરકારે જ કરવો જોઇએ. અત્યારે ખાનગી સ્કૂલ સંચાલકોના ઘણાં અલગ અલગ સંગઠનો છે. જો અમદાવાદની ખાનગી સ્કૂલો પરીક્ષા રદ કરે છે અને રાજકોટમાં પરીક્ષા લેવાય છે તો મૂલ્યાંકન અલગ અલગ થશે.
શાળા પોતાની રીતે પરીક્ષા રદ કરી નહીં શકે
પરીક્ષામાં એકરૂપતા જોવા મળશે નહીં. ઉપરાંત માસ પ્રમોશન માટે આમ પણ સરકારની મંજૂરી જરૂરી હોય છે, કારણ કે તેમાં જે પણ પેપરવર્ક કરવાનું રહેશે, તેમાં તમામમાં સરકારની મંજૂરી ફરજિયાત છે. જોકે તે છતાં પણ સરકારે થોડા દિવસે પહેલા સ્કૂલ સંચાલકો પર પરીક્ષા લેવી કે નહીં તેનો નિર્ણય કરવાની જવાબદારી આપી હતી. એટલે હાલમાં ખાનગી સ્કૂલ સંચાલકોના મંડળમાં ચર્ચા છે તે જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ કરવાનું જાહેર ન કરે ત્યાં સુધી કોઈ સ્કૂલ સંચાલકે પોતાની રીતે પરીક્ષા રદ કરવી નહીં.
તમામ પાસા ધ્યાને રાખી સરકાર નિર્ણય કરશે
કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ધોરણ એક થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં પ્રમોશન આપવામાં આવશે, તેવા અહેવાલો પ્રસાર માધ્યમોમાં પ્રસારિત થયા હતા. જોકે તે અંગે સ્પષ્ટતા સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હાલના તબક્કે આ સમગ્ર બાબત વિચારણા હેઠળ છે પરંતુ કોઇ નિર્ણય લેવાયો નથી. આ સમગ્ર બાબતે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના અને શિક્ષણ ના વિશાળ હિતમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેના તમામ પાસાઓને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. માટે ધોરણ એક થી નવ અને 11 માં માસ પ્રમોશન બાબતે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. આ દરમિયાન સરકારે એક પરિપત્ર કર્યો હોય તેવો બિનસત્તાવાર દસ્તાવેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જોકે તેને પણ શિક્ષણ વિભાગ દ્વારા સમર્થન મળ્યું નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.