અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે શહેરની આંગણવાડીઓના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા મામલે જણાવ્યું હતું કે, રથયાત્રા નીકળે તેને લઈ લોકોની આસ્થા જોડાયેલી છે. પોલીસ અધિકારીઓ અને ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક થઈ રહી છે. રથયાત્રા પહેલા કોરોનાની સ્થિતિને ઘ્યાનમાં લેવામાં આવશે. સમગ્ર સ્થિતિ જોઈ અને સરકાર થોડા દિવસમાં નિર્ણય કરશે.
વેપારીઓના વેક્સિનેશનની સમય મર્યાદા પર વિચારણા થઈ શકે
વેક્સિનેશન અછત મામલે વેપારીઓને વેક્સિન આપવાની સમય મર્યાદા માટે સરકાર પુનઃવિચારણા કરી શકે છે. અમદાવાદ શહેરમાં નાના-મોટા 25000થી વધુ વેપારીઓ છે જે તમામ હાલ સરકારની જાહેરાત અંગે અસમંજસની સ્થિતિ છે. સાથે જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે અકસ્માતમાં શ્રમજીવીઓના મૃત્યું સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઘનિષ્ઠ તપાસ હાથ ધરવાની સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.
ગૃહરાજ્યમંત્રી ગણવેશ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં
અમદાવાદ મહાનગરપાલિકા ખાતે અમદાવાદ શહેરની આંગણવાડીઓના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રસંગે જણાવ્યું હતું કે, જ્યારે આંગણવાડીના બાળકો આ ગણવેશ ધારણ કરશે. ત્યારે તેમનામાં સમાનતાની ભાવના વિકસશે તેમ જ તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થશે.’ ગુજરાતના મુ્ખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં યોજાયેલા રાજ્યવ્યાપી ગણવેશ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકા ખાતેથી સહભાગી થતા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ખાનગી શૈક્ષણિક સંસ્થાના બાળકો સામે આંગણવાડીના બાળકો લઘુતાગ્રંથિનો અનુભવ ન કરે તે માટે આ ગણવેશ આશિર્વાદરુપ નીવડશે.
3થી 6 વર્ષ દરમિયાન બાળમાનસનો મહત્તમ વિકાસ થતો હોય છે
ઉલ્લેખનીય છેકે, ગુજરાતની 53 હજાર આંગણવાડીઓના 14 લાખ બાળકોને રૂ.36 કરોડના ખર્ચે ગણવેશ વિતરણનો રાજ્યવ્યાપી કાર્યક્રમનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. ગૃહરાજ્યમંત્રીએ આ અવસરે પ્રારંભિક ઉદબોધનમાં કહ્યું કે, આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંવેદનશીલ અભિગમનું પ્રતિક છે. આ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરતા પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, 3થી 6 વર્ષ દરમિયાન બાળમાનસનો મહત્તમ વિકાસ થતો હોય છે અને આ ગાળામાં જ તેમના મનમાં જે છબી અંકિત થાય તેની લાંબાગાળે અસરો થતી હોય છે, ત્યારે ભારત અને ગુજરાત સરકારે બાળવિકાસના ચાવીરૂપ તબક્કા માટેનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.
આંગણવાડી કાર્યકર્તાઓએ જનજાગૃતિમાં મહત્વની ભૂમિકા ભજવી: ગૃહરાજ્યમંત્રી
ગૃહરાજ્યમંત્રીએ આ અવસરે કોરોનાકાળમાં અગ્રેસર ભૂમિકા ભજવનાર આંગણવાડી કાર્યકર્તા-બહેનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું કહ્યું કે, સામાન્યપણે આંગણવાડીઓમાં નાના ભૂલકાઓની સારસંભાળ રાખતા અને ઘડતર કરતા આંગણવાડી કાર્યકર્તાઓએ કોરોનાના સમયમાં કોવિડ પ્રોટોકોલના પાલન દ્વારા જનજાગૃતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આંગણવાડીઓના બાળકોના ગણવેશ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકા ખાતેથી ગૃહરાજ્યમંત્રી ઉપરાંત મેયર કિરિટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબહેન પટેલ, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, શાસક પક્ષના દંડક અરુણસિંહ રાજપૂત, પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, મહિલા અને બાલકલ્યાણ વિકાસ કમિટિના ચેરપર્સન પ્રતિભાબહેન જૈન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા અને પ્રદિપભાઈ પરમાર પણ સહભાગી થયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.