તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોનો ક્લાસ:ધો.10નું પરિણામ તૈયાર કરવા માટે શાળાના શિક્ષકોને સરકાર 'શિક્ષણ' આપશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિક્ષકોને બાયસેગ દ્વારા પરિણામ તૈયાર કરવાની ટ્રેનિંગ અપાશે.
  • 5 જૂને સવારે 11થી 12.30 કલાક સુધી શિક્ષકોનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે.

ધોરણ-10માં માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી શિક્ષકો બાયસેગ (BISAG) પદ્ધતિથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. જોકે હવે આ જ વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે શિક્ષકોને પોતે બાયસેગ પર ટ્રેનિંગ લેવી પડશે. રાજ્ય સરકાર દ્વારા ધો. 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ તેમનું પરિણામ તૈયાર કરવા માટે શિક્ષકોને સરકાર ટ્રેનિંગ આપશે. આ મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

5મી જૂને શિક્ષકો માટે ટ્રેનિંગનું આયોજન
રાજ્યમાં આવેલી શાળાઓના આચાર્યો અને શિક્ષકે તેમજ વહીવટી સ્ટાફને ધો.10નું પરિણામ બનાવવા યોગ્ય સમજ મળે તે માટે બાયસેગની વંદે ગુજરાત ચેનલ-1 અને GSHSEB ગાંધીનગરની યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમ 5 જૂન 2021ને શનિવારના રોજ સવારે 11 વાગ્યાથી 12.30 કલાક દરમિયાન યોજાશે. નોંધનીય છે કે કોરોનાની મહામારીના કારણે સ્કૂલો બંધ કરવામાં આવી ત્યારથી શિક્ષકો બાયસેગથી બાળકોને અભ્યાસ કરાવતા હતા. જોકે હવે જે બાળકોને શિક્ષકો ભણાવતા હતા, તેમના જ પરિણામ તૈયાર કરવા માટે શિક્ષકોને બાયસેગ પર ટ્રેનિંગ લેવી પડશે.

ધો.9 અને 10માંથી 80 માર્કનું મુલ્યાંકન
ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી. તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખવામાં આવશે.

સામયિક કે એકમ કસોટીમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થી પણ પાસ થશે
મૂલ્યાંકન માટે પસંદ કરવામાં આવેલા ધારા-ધોરણો કોવિડ-19ની પરિસ્થિતિના પહેલાના શૈક્ષણિક વર્ષોના હોવાથી કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ન હોય તેવું પણ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ કરવાના હોવાથી બોર્ડ દ્વારા ખુટતા માર્કની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરવામાં આવશે. મૂલ્યાંકન માટેના નિયત કરેલા માપદંડોમાં કોઈ એક માપદંડમાં કે એખ કરતા વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય તો તેવા કિસ્સામાં શૂન્ય માર્ક દર્શવવાના રહેશે.

8.60 લાખ પાસ થશે અને 7 લાખ બેઠક હોવાથી પ્રવેશ સમસ્યા થશે
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે.

બાયસેગ શું છે?
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ ત્રણથી 12 સુધી ભણતા વિદ્યાર્થીઓ માટે 'ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓઇન્ફર્મેટિક્સ' એટલે કે BISAG વંદે ગુજરાત ચૅનલો, ડીડી ગિરનાર, GCERT અને GHSEBની યૂટ્યૂબ ચૅનલો મારફતે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાય છે.