તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્કના મુદ્દે સરકાર પાણીમાં બેસી ગઈ:સરકારે ગુરુવારે હાઇકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં દંડ ઘટાડવાનો કોઈ ઉલ્લેખ ન કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના વડા એવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાને રાહત આપતી જાહેરાત તા. 22મી જૂને કરી હતી કે, સરકાર હાઇકોર્ટમાં માસ્ક ન પહેરવા બદલ નક્કી કરાયેલો રૂ.1000નો દંડ ઘટાડીને રૂ. 500 કરવા માટે રજૂઆત કરશે. આ સાથે જ પ્રજાએ અસહ્ય મોંઘવારીના સમયમાં રૂ. 500ની બચત થશે તેવી સુખદ રાહતનો અહેસાસ અનુભવ્યો હતો. પણ, સરકારની જાહેરાત જાહેરાત જ રહીં અને સરકારે હાઇકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં અમે માસ્ક ન પહેનાર લોકો પર સખત કાર્યવાહી કરીશું. માસ્ક અંગેનો દંડ 1000થી ઘટાડીને 500 કરવાનો હરફ પણ સરકારે ઉચ્ચાર્યો નથી. આમ આ મુદ્દે સરકાર ફરી ગઈ છે.

રાજય સરકારે સત્તાવાર તા.22મી જૂને એવી જાહેરાત કરી હતી કે, ‘મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અન્વયે રાજ્ય સરકાર આજે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિ પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા રજૂઆત કરશે.’ આ જાહેરાતમાં સરકારે ત્યાં સુધી કહ્યુ હતું કે, દંડની રકમ ઘટાડીને રૂ.500 કરવા માટે નામદાર હાઇકોર્ટને અનુરોધ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી છે. પણ હાઇકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં સરકારે આનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

સરકાર કોર્ટમાં એફિડેવિટથી વિરુદ્ધ મૌખિક રજૂઆત કરે તો વિરોધાભાસ સર્જાશે
સરકારે હાઇકોર્ટમાં કરેલા સોંગદનામામાં માસ્કના દંડની રકમ ઘટાડવા કોઇ ઉલ્લેખ કર્યો નથી. ઊલટાનું દંડ પેટે 1 હજાર વસૂલવાના નિયમનું કડક પાલન કરાવવાની ખાતરી આપી છે. કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યાનુસાર જો સરકાર સુનાવણી દરમ્યાન દંડ ઘટાડવા મૌખિક રજૂઆત કરે તો તે સોંગદનામામાં કરેલી રજૂઆતમાં ખોટા સાબિત થઇ શકે. સામાન્ય રીતે હાઇકોર્ટની કાનૂની પ્રેકટીસના સિદ્ધાંત મુજબ દરેક રજૂઆત સોગંદનામામાં જ થવી જોઇએ. પરતું તેને મૌખિક સ્વરૂપમાં સ્વીકારવી કે નહી તેનો આધાર ન્યાયાધીશ પર રહેલો છે.

મુખ્યમંત્રીનો આદેશ વિભાગ ઘોળીને પી ગયો
​​​​​​​મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગને દંડ રૂ.500 કરવા માટેનો હાઇકોર્ટને અનુરોધ કરવાની સૂચના આપી હતી. આવી કોઇ રજૂઆત હાઇકોર્ટમાં થઇ નથી. મુખ્યમંત્રીથી પ્રસિધ્ધિ મેળવવાની ખેવનમાં કાચુ કપાઇ ગયું હોવાનું પણ મનાઈ રહ્યું છે.

ત્રીજી લહેર માટે 1,45,285 રેમડેસિવિર ઇન્જેક્શન અને 6911 વેન્ટિલેટર સ્ટોક કર્યા છે
કોરોના મામલે સુઓમોટો અરજીમાં સરકારે ત્રીજી લહેરને રોકવા કયા પગલાં લીધા છે તે અંગે સોંગદનામું રજૂ કર્યુ છે. સોંગદનામામાં એવી રજૂઆત કરી છે કે, સરકારે કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા વેરહાઉસમાં 1,45,285 ઇન્જેકશનનો સ્ટોક કર્યો છે અને6911 વેન્ટિલેટરને પણ તૈયાર કર્યા છે. દરેક ઓફિસો, મોલ, સિનેમાઘરો અને તમામ જગ્યાએ કર્મચારીઓને ફરજીયાત 10મી જુલાઇ સુધીમાં વેક્સિન લેવાના આદેશ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2 કરોડ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જયારે સપ્ટેમ્બર સુધીમાં 80 ટકા લોકોને વેક્સિન આપી દેવાનું સરકારનું લક્ષ્ય છે.સુઓમોટો અરજી પર સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

સરકારે કોર્ટ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં એવી રજૂઆત કરી છે કે, માસ્ક વગર ફરતા લોકો પાસેથી પોલિસે 28મી જૂન સુધીમાં 2 અબજ 53 કરોડ 2 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જયારે 2 કરોડ 36 લાખ લોકોના આરટીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ કર્યા છે. ગુજરાતમાં હાલ 115 કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી હોવાની પણ રજૂઆત કરી છે. જેમા 57 સરકારી અને 58 ખાનગી લેબોરેટરીનો સમાવેશ થાય છે. હાલના સંજોગોમાં પોઝિટિવ દર્દીનો રેટ 3.48 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...