ભાસ્કર ટિપ્પણી:સરકાર સાચા આરોપીઓને છટકબારી આપી રહી છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હેડક્લાર્કની પરીક્ષાના પેપરલીક કાંડમાં સંડોવાયેલા એ 11 જણા સરકારની નજરમાં આતંકવાદી છે. સરકાર માને છે કે એમનો ગુનો એટલો જ સંગીન છે જેટલો અક્ષરધામ પર હુમલો કરનારા ત્રાસવાદીઓનો છે. સરકાર માને છે કે જેમ આમિર અજમલ કસાબને ફાંસી થઈ એમ આ કાયદા અંતર્ગત આ તમામને ફાંસી થવી જોઈએ. સરકારની નજરે ગુનો પણ કોઈ બોમ્બ બ્લાસ્ટથી ઓછો નથી. સરકાર એમની સામે ગુજસીટોક લગાડવાની જાહેરાત કરી દીધી છે.

જ્યારે ગાળિયો પોતાના ગળામાં આવે ત્યારે કોઈ નવો જ વિવાદ ઊભો કરવો એ પુરાણો રાજનૈતિક પેંતરો છે. કબૂલ કે પેપર ફોડવાનો ગુનો ભયંકર છે. 88 હજાર પરીક્ષાર્થીઓને તેના કારણે ભયાનક માનસિક ત્રાસ થયો છે. એ આરોપીઓ અને તેમના સરકારી નોકર એવા સૂત્રધારને સખત સજા થવી જ જોઈએ. એ સજા થાય તે માટે યોગ્ય કલમ લગાડી એ અનુસાર તપાસ થવી જોઈએ.

પેપર ફોડનારા સામે લગાવાયેલો આતંકવાદ વિરોધી ધારો કઈ અદાલતમાં ટકી શકશે? ઈન્ડિયન પીનલ કોડમાં કોઈપણ ગુનો ‘રાજદ્રોહ’ અને ‘આતંકવાદ’માં જ પૂરો થઈ જતો નથી, જુદા જુદા ગુનાઓ માટે અલગ અલગ કલમો છે. સરકારે પેપર ફોડનારાઓ સામે જે ગુનો નોંધ્યો છે, એમાં પેપર ફોડનાર સરકારી અધિકારી કે નોકર કોણ હતો? એનો કોઈ ફોડ પાડ્યો જ નથી. જેની પાસે પેપર આવ્યું એણે પછી કોને આપ્યું? એ જો વિગતવાર તમે એફઆઈઆરમાં લખી શકતા હોવ તો એને પેપર આપનાર સરકારી કર્મચારી કોણ હતો? એ બાબત કેમ લખાતી નથી? આ જ બતાવે છે કે માત્ર પેપર ફૂટ્યું નથી, સરકારની દાનત પણ ફૂટેલી છે.

આ કિસ્સામાં આતંકવાદ વિરોધી ધારો કઈ કોર્ટમાં ટકી શકશે? નવો વિવાદ શરૂ થશે અને આ વિવાદની આડમાં સાચા ગુનેગારો છટકી જશે. સરકાર જાણે આ જ ઈચ્છી રહી હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...