• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Government Has Started Preparing For The Drought, And MPs And MLAs Are Also Coming To The Secretariat For Water For Their Constituencies.

દુષ્કાળના ભણકારા:સરકારે દુષ્કાળની તૈયારી શરૂ કરી, સાંસદો અને ધારાસભ્યો પણ પોતાના વિસ્તાર માટે સચિવાલયમાં આવીને પાણી માંગી રહ્યાં છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણી ( ફાઈલ ફોટો)
  • ગુજરાતમાં પહેલી સેપ્ટમ્બરથી અનાવૃષ્ટિ જાહેર થવાની શક્યતાઓ.
  • ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગંભીર બનતી પાણીની સમસ્યા.
  • ત્રણ મંત્રીઓ અને જિલ્લા કલેક્ટરને સંભવિત દુષ્કાળ અંગેની પરિસ્થિતિ નો રિપોર્ટ તૈયાર કરવા સૂચના.

ગુજરાતની રૂપાણી સરકારના માથે નવી મુસિબત આવી છે. કોરોના મહામારીની બીજી લહેરની ભૂલો બાદ ત્રીજી લહેરની તૈયારી ચાલી રહી છે.તો બીજી બાજુ આ વર્ષે ચોમાસુ પણ નિષ્ફળ જઈ રહ્યું હોવાથી નદી, તળાવો અને ડેમોમાં પાણી ખૂટી રહ્યા છે, જેના કારણે ખેતી માટેનું પાણી બંધ કરી માત્ર પીવાનું પાણી આપવા સરકારે નિર્ણય કરતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઇ છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી પાણીના પોકાર ઉભા થયા છે. રાજ્યમાં ચોમાસાના વરસાદમાં 45 ટકાની ઘટ હોવાથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જેના કારણે સચિવાલયમાં પણ ધારાસભ્યો અને સાંસદો પોતાના વિસ્તારમાં પાણી આપો, પાણી આપોની રજૂઆતો કરવા દોડી રહ્યાં છે.

હજુ સુધી રાજ્યમાં સરેરાશ 55 ટકા વરસાદ થયો
આ વર્ષે હજુ સુધી રાજ્યમાં સરેરાશ 55 ટકા વરસાદ થયો છે. પરિણામે ખેતી અને પીવાના પાણી માટે સચિવાલયમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો અને ભાજપના સંગઠનના પ્રતિનિધિઓ પાણી માગે છે. રાજ્યમાં કયાંક સિંચાઇના તો કયાંક પીવાના પાણીની અછત છે. વરસાદ ખેંચાઇ જતા ખેડૂતોના પાક સૂકાઇ રહ્યાં છે. રાજયના જળાશયોમાં પણ પાણીનો જથ્થો ખૂટી રહ્યો છે. સરકારનો દાવો છે કે ગુજરાતમાં આખું વર્ષ ચાલે તેટલું પાણી છે પરંતુ સિંચાઇમાં પાણની ઘટ જોતાં પીવા માટે પાણી અનામત કરી દેવું પડ્યું છે.

સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્ર્ર, કચ્છ, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના થઈ રહી છે ( ફાઈલ ફોટો)
સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્ર્ર, કચ્છ, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના થઈ રહી છે ( ફાઈલ ફોટો)

પ્રજાના પ્રતિનિધિઓ સરકાર પાસે સિંચાઇનું પાણી માંગે છે
સચિવાલયની મુલાકાતે આવતા પ્રજાના પ્રતિનિધિઓ પણ સરકાર પાસે સિંચાઇનું પાણી માગી રહ્યાં છે.સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્ર્ર, કચ્છ, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના થઈ રહી છે. આ વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે.પાણીની પરિસ્થિતિને ખાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળના સભ્યોને જવાબદારી સોંપી છે. રાજ્યના કચ્છમાં 31.74 ટકા, ઉત્તર ગુજરાતમાં 31.98 ટકા, મધ્ય ગુજરાતમાં 37.94 ટકા, સૌરાષ્ટ્ર્રમાં 37.10 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૧.૪૧ ટકા વરસાદ થયો છે. છેલ્લા 15 વર્ષમાં આ ખરાબ ચોમાસુ રહ્યું છે. જો કે સરકારને હજી આશા છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે. જો તેમ થાય તો પાણીનું સંકટ ઓછું થાય તેમ છે અન્યથા ચૂંટણીનું વર્ષ હોવાથી રાજકીય રીતે પણ જોખમ ઉભું છે.

વરસાદ ખેંચાતા હવે ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગ્યા
આ ઉપરાંત વરસાદ ખેંચાતા હવે ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. પાક સૂકાઈ રહ્યા છે અને ખેડૂતોની હિંમત તૂટી રહી છે. ત્યારે પહેલી સપ્ટેમ્બરથી રાજ્ય સરકાર અનાવૃષ્ટિ અંગે નિર્ણય કરવા એક્શન મોડમાં આવી છે. વર્તમાન સ્થિતિને જોતા સરકારે રાહત કાર્યોનો સર્વે કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે. હાલ રાજ્યના મોટા ભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે રાજ્યના 60 જેટલા ડેમમાં પીવાનુ પાણી આરક્ષિત રાખવામાં આવશે. તો દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં મનરેગાનાં કામો હેઠળ રોજગારી આપવાનું આયોજન થઈ શકે છે.

વરસાદ ખેંચાતા હવે ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગવાના શરૂ થયા ( ફાઈલ ફોટો)
વરસાદ ખેંચાતા હવે ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગવાના શરૂ થયા ( ફાઈલ ફોટો)

સિંચાઈના પાણીમાં વધુ કાપ આવે તેવી શક્યતા
હાલ નર્મદા ડેમમાં પણ 45.40 ટકા પાણીનો જથ્થો છે. નર્મદા ડેમમાં ઓછું પાણી હોવાથી સિંચાઈના પાણીમાં વધુ કાપ આવે તેવી શક્યતા છે. ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ નોંધાતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવણી કરી હતી. પરંતુ મેઘરાજા રિસાતા હાલ પાક નિષ્ફળ જવાના આરે છે. તો કેટલાક જિલ્લાઓમાં તો વાવણી પણ હજુ સુધી થઈ શકી નથી. ત્યારે ખેડૂતોની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે. ત્યારે ખેડૂતો પણ માગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત આપે.

રાજ્યમાં અનાવૃષ્ટિ જાહેર કરવા મામલે નિર્ણય થઈ શકે છે
વરસાદ ખેંચાતા પહેલી સપ્ટેમ્બરથી રાજ્યમાં અનાવૃષ્ટિ જાહેર કરવા મામલે નિર્ણય લઈ શકાય છે. રાજ્યમાં વરસાદની ઘટને જોતા રાજ્ય સરકારે જિલ્લા સ્તરે સર્વેની આપી સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ત્રણ મંત્રી આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કુંવરજી બાવળિયાને આ સ્થિતિનુ નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તો બીજી તરફ, રાજ્યમાં હજુ પણ સારા વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ સારો વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. જો ગુજરાતમાં દુષ્કાળ જાહેર થાય તો અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...