સુનાવણી:સરકારે કહ્યું, ગ્રીન ડોટ વાળા ફૂડ વેજ છે કે નોન વેજ તે ચકાસવા કોઈ સુવિધા નથી, ફૂડ વેજ છે કે નોન વેજ તે જાણવાનો લોકોને અધિકારઃ હાઈકોર્ટ

અમદાવાદ3 મહિનો પહેલા
ફાઈલ ફોટો
  • આ કેસમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને એક મહિનામાં ખુલાસો કરવા હૂકમ કર્યો
  • લોકોની ધાર્મિક લાગણી જળવાય તે માટે સરકારે એ આ નિયમો બાબતે સજાગતા દાખવી પડેઃ અરજદાર

રાજ્યભરમાં વેજીટેરિયન ફૂડના નામે પીરસાતું ભોજન ખરેખર શુદ્ધ શાકાહારી છે કે નહીં? તે ચકાસવા માટે સરકાર પાસે પૂરતી માળખાકીય સુવિધા નથી. આ અંગે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. તેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીના સાયન્ટિફિક ઓફિસરે રજૂ કરેલો જવાબ ચોંકી ઉઠાય તેવો છે. શાકાહારી લોકો માટે આંચકાજનક રિપોર્ટ મળ્યો છે. તેમાં જણાવ્યું છે કે વેજીટેરિયન ફૂડને અલગ બતાવવા માટે વપરાતા ગ્રીન કલરના સિમ્બોલથીએ સાબિત થતું નથી કે તેમાં ઇંડાં છે કે નહીં? જસ્ટિસ વિનીત કોઠારી અને જસ્ટિસ ઉમેશ ત્રિવેદીની ખંડપીઠે સરકાર પાસે 3 સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો અને આજે તેની સુનાવણી હાથ ધરાઈ હતી.

20 વર્ષ થી આ કાયદો માત્ર કાગળ પર જ છેઃ અરજદાર
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ચોંકવનારો ખુલાસો કર્યો છે. સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, ગ્રીન ડોટ વાળા ફૂડ વેજિટેરિયન છે કે નોન વેજિટેરિયન તે ચકાસવા માટે કોઈ લેબ કે સુવિધા નથી. અમારે આ બાબતે સંશોધન કરવું પડે એમ છે હાલ તેમાં સરકાર કંઈ કરી શકે એમ નથી. અરજદારે કહ્યું હતું કે, લોકોની ધાર્મિક લાગણી જળવાય તે માટે સરકારે એ આ નિયમો બાબતે સજાગતા દાખવી પડે. 20 વર્ષ થી આ કાયદો માત્ર કાગળ પર જ છે. આગામી મુદતે રાજ્ય સરકાર વધુ જવાબ કોર્ટમાં રજૂ કરશે.

અરજદારે રજુઆત કરી પણ સરકાર પાસે જવાબ નહોતો
એડવોકેટ નિમિષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ જાહેર હિતની અરજી પહેલા રાજ્ય સરકારને આ વેજ અને નોનવેજ પેકિંગ ફૂડના માર્કિંગ અંગે અરજદારે રજુઆત કરી હતી છતાં તેઓ પાસે કોઈ જવાબ ન હતો. આજે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજીની સુનવણી દરમિયાન જ્યારે રાજ્ય સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો ત્યારે તેમને કહ્યું કે હાલ અમારી પાસે આ વેજ અને નોનવેજ ફૂડ ચકાસવા માટે કોઈ લેબ નથી. અમારે આમાં રિસર્ચ કરવું પડશે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ પુછવું પડશે. ત્યારે હાઇકોર્ટે કહ્યું આવુ કઈ રીતે ચલાવી લેવામાં આવે કયું વેજ ફૂડ છે અને નોનવેજ ફૂડ છે તેને માત્ર બસ એક ટેગથી ઓળખી લેવાનું? તેનું ટેસ્ટિંગ થવું જોઈએ ને? સાથે લોકો ધાર્મિક લાગણી અને હક્ક જળવાય તે માટે પણ સરકારે જવાબદારી લેવાની હોય છે તેનું શુ?

ફૂડ વેજ છે કે નહીં તે જાણવાનો લોકોને અધિકાર છે
આજની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કબૂલ્યું હતું કે પેકેજડ ફૂડ આઇટમ્સ વેજિટેરિયન જાહેર કરાઈ હોય તો એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયું છે કે નહીં તે ટેસ્ટિંગની સુવિધા સરકાર પાસે નથી. હાઈકોર્ટે ઉમેર્યું હતું કે, ગ્રીન ડોટ ધરાવતા પેકેજ્ડ ફૂડ ખરેખર વેજિટેરિયન છે કે નહીં એ જાણવાનો લોકોને અધિકાર છે. ભારતનાં બંધારણે લોકોને પોતાના ધર્મ પ્રમાણે જીવવાનો અધિકાર આપ્યો છે. વેજિટેરિયન ખાનાર વ્યક્તિને ભુલમાં પણ નોનવેજ ખાવાની નોબત આવે અને તેનો ટેસ્ટ પણ ના થઈ શકતો હોય તો લોકોની ધાર્મિક લાગણી દુભાશે.

એક મહિનામાં ખુલાસો કરવા હાઈકોર્ટે હૂકમ કર્યો
પેકેજ્ડ ફૂડ પર વેજિટેરિયનનો ગ્રીન ડોટ ઘણા બધા લોકો માટે વિશ્વાસનું કારણ હોય છે. આ વિશ્વાસ તૂટવો વ્યાજબી નહીં. પેકેજડ ફૂડ આઈટમ્સના લેબલિંગ અને પેકેજીંગની યોગ્ય અમલવારીની માંગણી સાથે થયેલી અરજીમાં કોર્ટે આ તમામ અવલોકનો કર્યા છે. આ મામલે હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે સંપૂર્ણ તથ્યો વાળો રિપોર્ટ માગ્યો છે. તે ઉપરાંત આ બાબતે એક મહિનામાં ખુલાસો કરવા હાઈકોર્ટે રાજ્ય સરકારને હૂકમ કર્યો છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીએ જવાબ રજુ કર્યો હતો
મુંબઇ જીવદયા મંડળીએ રાજયમાં વેજીટેરિયન ફૂડ નક્કી કરવા માટેની માળખાકીય સુવિધા છે કે નહી તે માટે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. તેમાં એડવોકેટ નિમિષ કાપડીયાએ એવી દલીલ કરી હતી કે, રાજ્યમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન ફૂડને અલગ પાડતા ગ્રીન અને રેડ સિમ્બોલ નક્કી કરવા માટે પૂરતી માળખાકીય સુવિધા છે કે નહીં તે અંગે સિનિયર સાયન્ટિફિક ઓફિસર (ફૂડ), ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીએ આવી માળકાકીય સુવિધા નહીં હોવાનો જવાબ રજૂ કર્યો છે.

ટેસ્ટ 100 ટકા સચોટ ન હોવા છતાં સર્ટિફિકેટ આપી દેવાતા હોય છે
વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીએ તેના રિપોર્ટમાં પુરાવા જોડયા છે તેમાં જણાવ્યું છે કે, વેજીટેરિયન ફૂડ ચકાસવા માટે પૂરતા અને યોગ્ય માળખાકીય સાધનો નહીં હોવા છતાં વેજીટેરિયન પ્રોડકટ હોવાના સર્ટિફિકેટ કેટલાક કિસ્સામાં આપવામાં આવી રહ્યા છે. કોર્ટે આ પ્રકારના ટેસ્ટ માટે પૂરતી માળખાકીય સુવિધા છે કે નહી? તે અંગે પણ જવાબ માગ્યો છે.

વેજિટેરિયન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડના નિયમ પણ યોગ્ય નથી
વેજીટેરિયન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ રુલ પણ સરકારે યોગ્ય રીતે બનાવ્યા ન હોવાની અરજીમાં રજૂઆત કરાઇ છે. હાઇકોર્ટે નિષ્ણાતોએ રજૂ કરેલા રિપોર્ટથી સંતોષ નહીં હોવાથી ચકાસણી કરવા અને યોગ્ય મિકેનિઝમ બનાવવા સરકારને 3 સપ્તાહ આપ્યા છે. વેજીટેરિયન ફૂડમાં ઇંડાં ઉમેરાયા છે કે નહીં તે ચકાસવાના પૂરતા માપદંડો ન હોવાની રજૂઆત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...