પ્રેમપ્રકરણ:પ્રેમી સાથે લિવ ઇનમાં રહેતી પ્રેમિકા પિતાના ઘરેથી દાગીના ચોરી ગઈ અને એના પર લોન લીધી, હપતા નહીં ભરતાં ભાંડો ફૂટ્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ફાઇનાન્સ કંપનીની નોટિસો ઘરે આવતાં પિતાએ અંતે પુત્રી સામે ફરિયાદ કરી

માતા-પિતાનું ઘર છોડીને યુવાન સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતી ઘરમાંથી રૂ.45 હજારના દાગીના ચોરી ગઇ હતી અને એના પર લોન લીધી હતી, પરંતુ એના હપતા નહીં ભરતાં ફાઈનાન્સ કંપનીએ યુવતીના પિતાને નોટિસ ફટકારતાં દીકરીનાં કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો.

નવા વાડજમાં રહેતા સામાજિક કાર્યકર અરવિંદભાઇ નાનજીભાઇ પરમાર (52)નાં 4 સંતાનો પૈકી મોટી 2 દીકરી પરણાવી દીધી હતી, જ્યારે ત્રીજા નંબરની દીકરી ગાયત્રી (24) દોઢ વર્ષ પહેલાં ઘરેથી કોઈને કશું કહ્યા વગર જતી રહી હતી.

જોકે અરવિંદભાઇએ તપાસ કરતાં તેમને જાણવા મળ્યું હતું કે ગાયત્રી કૃષ્ણનગરમાં રહેતા ભરતભાઇ ભીખાભાઇ મેવાડા સાથે મૈત્રી કરારથી રહેતી હતી. ત્યારથી અરવિંદભાઇએ ગાયત્રી સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

દરમિયાન 2019માં અરવિંદભાઇના ઘરે મેઘાણીનગરની એક ફાઈનાન્સ કંપનીમાંથી નોટિસ આવી હતી, જેમાં લખ્યું હતું કે તમે દાગીના પર જે લોન લીધી છે એ ભરપાઈ કરી નથી. જોકે અરવિંદભાઇએ દાગીના પર કોઇ ફાઈનાન્સ લીધું નહીં હોવાથી તેમણે એ નોટિસની દરકાર કરી ન હતી. તેના થોડા દિવસ બાદ અરવિંદભાઇના ઘરે તે જ ફાઈનાન્સ કંપનીમાંથી બીજી નોટિસ આવી હતી, જેમાં દાગીના ઉપર લીધેલી રૂ.14 હજારની લોન ભરપાઈ કરી નહીં હોવાનું લખ્યું હતું. જેથી અરવિંદભા એ નોટિસો લઈને ફાઈનાન્સ કંપનીની ઓફિસે ગયા હતા, જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે તેમની દીકરી ગાયત્રીએ દાગીના પર લોન લીધી હતી.

જોકે અરવિંદભાઇએ ચેક કરતાં એ દાગીના તેમના ઘરના જ હતા, જેથી ગાયત્રી જ્યારે ઘરેથી ભાગી ત્યારે તે ઘરમાંથી રૂ.45 હજારની કિંમતના દાગીના ચોરીને સાથે લઇ ગઈ હતી. ત્યાર બાદ એ દાગીના તેણે ગીરવી મૂકી એના પર લોન લીધી હતી. અરવિંદભાઇએ વાડજ પોલીસ સ્ટેશનમાં દીકરી ગાયત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પિતાને ગિફ્ટમાં મળેલા સોનાના દોરા-4 બુટ્ટીની ચોરી
ગાયત્રી ઘરમાંથી સોનાનો દોરો અને 4 બુટ્ટી ચોરી ગઇ હતી, જેમાંથી દોરો દીકરીના લગ્નમાં અરવિંદભાઇના સાળાએ ગિફટમાં આપ્યો હતો, જ્યારે 4 બુટ્ટી દીકરીને લગ્નમાં સગાં-સંબંધીએ આપી હતી.

ધરપકડ કરી ફાઈનાન્સ કંપનીમાંથી દાગીના પાછા લવાશે
વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર.ચાવડાએ જણાવ્યું હતું કે અરવિંદભાઇની ફરિયાદના આધારે દીકરી ગાયત્રીની ધરપકડ કરાશે તેમજ એ જે દાગીના ચોરી ગઈ હતી એ ફાઈનાન્સ કંપનીમાંથી જપ્ત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...