ઘર આગળ ભાઈને ગાળો બોલી રહેલા યુવાનોને ઠપકો આપવા ગયેલી મહિલાના વાળ ખેંચીને 3 યુવાનોએ જાહેરમાં બાથમાં ભીડી લઈને ઝપાઝપી કરી હતી અને નીચે પાડી દીધાં હતાં. જો કે આ ઘટનાથી ભયભીત મહિલા દોડીને ઘરમાં જતી રહેતા ત્રણેય તેમના ઘરે ગયા હતા અને મહિલાને બહાર બોલાવી તેની સાથે મારામારી કરી હતી. આ અંગે મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જૂનાવાડજ ગાંધીનગરના ટેકરામાં રહેતા મોનાબેન (ઉં.29)(નામ બદલેલ છે.)ના ભાઈને રવિવારે રાતે 11 વાગ્યે પાડોશમાં રહેતા પ્રફુલ કિશનભાઈ ઘવડ અને મહેશ ઉર્ફે કાળીયો દિનેશભાઈ મકવાણા ગાળો બોલી રહ્યા હતા, જેથી મોનાબેન બહાર આવીને તે બંનેને ગાળો ન બોલવા માટે સમજાવવા આવ્યા હત. જોકે મહેશ અને પ્રફૂલે જાહેરમાં જ મોનાબેનનો હાથ પકડ્યો હતો અને બાથમાં ભીડી લીધા હતા. તેમ જ તેમની છેડતી કરીને વાળ ખેંચીને મોનાબેનને નીચે પાડી દીધા હતા.
આથી ભયભીત થયેલા મોનાબેન ઘરે જતા રહ્યા હતા. લગભગ 15 મિનિટ બાદ મહેશ, પ્રફૂલ તેમ જ રવિ ઉર્ફે ઠનો પ્રવીણભાઈ મકવાણા મોનાબેનના ઘર પાસે આવ્યા હતા અને જાહેરમાં ગાળો બોલવા લાગ્યા હતા. આથી મોનાબેન બહાર આવતા ત્રણેયે તેમની સાથે મારામારી કરી હતી. જો કે આ ઘટનાના પગલે આસપાસના લોકો તેમ જ મોનાબેનના પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. જો કે ત્રણેયે કરેલી ઝપાઝપીમાં મોનાબેનનો સોનાનો દોરો અને કાનનો કાંટો ક્યાંક પડી ગયો હતો. આ અંગે મોનાબેને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મોનાબેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.