તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લુઝિવ:ગઠિયાઓએ આંગડિયા પેઢીની નકલી ઓફિસો ખોલી કરોડોની છેતરપિંડી કરી

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિલ્હી-કોલકાતાના ગઠિયાઓએ ઓફિસો ખોલી
  • દાયકાઓ જૂની આંગડિયા પેઢીના નામની નકલી પેઢીની ઓફિસો ખોલીને પૈસા પડાવતા હતા

દિલ્હી અને કોલકાતાના ગઠિયાઓએ અમદાવાદમાં દાયકાઓ જૂની આંગડિયા પેઢીઓના નામથી જ નકલી આંગડિયા પેઢીની ઓફિસો ખોલીને મોટા ગજાના વેપારીઓનો કરોડો રૂપિયાનો ફાંદો કરવાનું શરૂ કર્યું છે.

આ ગઠિયા ટોળકીએ તાજેતરમાં જ સેટેલાઈટના વેપારીનો રૂ.1 કરોડનો ફાંદો કર્યો હતો. જેમાં આંગડિયા પેઢીની ઓફિસમાં રોકડા રૂ.1 કરોડ જમા કરાવીને 2 થી 3 કલાકમાં રૂ. 1.25 કરોડથી રૂ.1.40 કરોડ આરટીજીએસથી પાછા આપવાની લાલચ આપી હતી. જો કે સેટેલાઈટના વેપારી બાદ નિકોલના વધુ એક વેપારી પાસેથી આ ટોળકીએ રૂ.1 કરોડ પડાવ્યાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં થઇ છે. જો કે અગાઉની ફરિયાદની તપાસમાં ગઠિયાઓએ નકલી આંગડિયા પેઢીની ઓફિસો ખોલી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

વેજલપુરમાં રહેતા રાજકુમાર શુકલા(44) સેટેલાઈટ, મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામથી પ્રિન્ટિંગ મટિરિયલનો ધંધો કરે છે. જયેશ ઘનશ્યામ પંજવાણી નામના માણસે થોડા દિવસ પહેલા રાજકુમારને ફોન કરીને કહ્યું હતું કે આંગડિયા પેઢીમાં રૂ.1 કરોડ જમા કરાવો અને 2 થી 3 કલાકમાં રૂ.1.25થી રૂ.1.40 કરોડ આરટીજીએસથી પાછા મેળવો. જેથી રાજકુમારે મિત્રો અને સગા સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લઇને રૂ.1 કરોડ ભેગા કર્યા હતા. તે પૈસા લઈને જયેશભાઈએ તેમને નવરંગપુરા સીજી રોડ પીયુરાજ ચેમ્બર્સમાં આવેલી પટેલ રાજેશકુમાર રમેશકુમાર આંગડિયા પેઢીની ઓફિસે બોલાવ્યા હતા.

જ્યાં હાજર પેઢીના માલિકોને રાજકુમારે રૂ.1 કરોડ આપ્યા હતા. ઘણાં કલાકો સુધી રાજકુમારના ખાતામાં પૈસા જમા ન થતાં, પોતે છેતરાયા હોવાની જાણ થતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ આર.જે.ચુડાસમા એ 3 આરોપીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં દિલ્હી અને કોલકાતાના 2 ગઠિયાએ આંગડિયા પેઢીની નકલી ઓફિસ ખોલીને પૈસા પડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં આરોપીઓની તપાસ આદરી છે.

1 કરોડની ઠગાઈનો બીજો ગુનો નોંધાશે
રાજકુમાર બાદ આ જ ગઠિયા ટોળકીએ બીજી આંગડિયા પેઢીના નામની ઓફિસ ખોલી હતી. જેમાં નિકોલના વેપારી પાસેથી રૂ.1 કરોડ પડાવી લીધા હતા. ભોગ બનનાર વેપારીએ આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જેથી ત્યાં ગુનો નોંધવા માટે પોલીસ કમિશનરની મંજૂરી માગી છે. જો કે કમિશનરે મંજૂરી આપી દીધી હોવાથી હવે બીજો ગુનો નોંધવાની તજવીજ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...