કોરોનાને કારણે સ્કૂલોમાં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓનો મોક ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં B.COM સેમેસ્ટર-6ની પરીક્ષામાં પ્રશ્ન સાચો પૂછવામાં આવ્યો હતો પરંતુ તેના ઉત્તર માટે આપેલા ચાર વિકલ્પો ખોટા હતાં. ફાઈનલ પરીક્ષા અગાઉ યોજાયેલ મોક ટેસ્ટમાં જ યુનિવર્સિટીના છબરડા સામે આવી રહ્યાં છે.
મોક ટેસ્ટ 40 મીનિટ મોડો શરુ થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત યુનિવર્સીટીની બીકોમ સેમેસ્ટર ૬ ની પરીક્ષા આજે સવારે 11 થી 1 દરમિયાન યોજાઈ હતી. ત્યારે પરીક્ષામાં 7 નંબરના પ્રશ્નમાં ATM નું પૂરું નામ પૂછવામાં આવ્યું હતું જે માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા હતા. આ ચાર વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરીને વિદ્યાર્થીઓને લખવાનો હોય છે. પરંતુ ચારેય વિકલ્પો જ ખોટા હતા જેને લઈને વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા હતા. ગઈ કાલે પણ લેવાયેલ મોક ટેસ્ટ 40 મીનિટ મોડો શરુ થયો હતો.
લોગિન ન થતા વિદ્યાર્થીઓને મુશ્કેલી
બી.કોમ ઉપરાંત બી.એસ.સી સેમેસ્ટર -1 માં પણ કેટલાક વિદ્યાર્થીઓને આઈડી પાસવર્ડ ખોટા બતાવે છે. સાંજે 5 વાગે પરીક્ષા શરુ થવાની છે. પરંતુ તે અગાઉ જ કેટલાક વિદ્યાર્થીઓને લોગ ઇન થતું નથી. યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા દરમિયાન મોટા ભાગે નાના મોટા છબરડા થતા જ હોય છે જે પરંતુ વિદ્યાર્થી તરફથી કોઈ ભૂલ થાય ત્યારે તેને યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી.
GTUની પણ ઓનલાઈન પરીક્ષા યોજાશે
રાજ્યમાં આવેલા ભયાનક તાઉ-તે વાવાઝોડા દરમિયાન GTUની ઓનલાઈન પરીક્ષા ચાલી રહી હતી, પરંતુ વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી મુશ્કેલ હતી. જેથી GTU દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે સ્થિતિ સામાન્ય બની ગઈ હોવાથી GTU દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં MBA અને MBA ઈન્ટરગ્રેટેડની સેમેસ્ટર 1 અને ME સેમેસ્ટર 1ની પરીક્ષા જે 24મેના રોજ યોજાવાની હતી તે હવે 3 જૂનથી ઓનલાઈન જ MCQ આધારિત જ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.