નરોડામાં નાના ચિલોડા રિંગરોડ પર મોડી રાત્રે કારમાં મિત્રનું ગળું દોરીથી દબાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરતા આરોપીને પોલીસે રંગે હાથ ઝડપ્યો હતો. પોલીસે બેભાન થયેલા યુવકને હોસ્પિટલ લઇ જઇ સારવાર અપાઇ હતી.
નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. પટેલના જણાવ્યા અનુસાર, નાના ચિલોડાના નીલકંઠ ફ્લેટમાં રહેતા સંદીપ જાટ અને રામસ્વરુપ જાંગીડ બંને મિત્ર છે. સંદીપે મિત્ર રામસ્વરુપને ફ્લેટ લેવા માટે 5 વર્ષ પહેલાં રૂ.5 લાખ આપ્યા હતા, જેની વારંવારની ઉઘરાણી છતાં રામસ્વરૂપ રૂ. 5 લાખ આપતો નહોતો. આથી સંદિપે મિત્ર રામસ્વરુપનું કાસળ કાઢવાનું નક્કી કરી શુક્રવારે મોડી રાત્રે પોતાની કારમાં રામસ્વરુપને બહાર લઇ જઇ રિંગરોડ સર્કલ પાસે નવી બનતી સ્કીમ રાધે પેરેમાઉન્ટ પાસે કાર ઊભી રાખીને રામસ્વરુપ કંઇ સમજે તે પહેલાં સંદિપે દોરીથી ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ વખતે ત્યાં નરોડા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હોવાથી પોલીસનું ધ્યાન અંધારામાં ઊભી કાર પર પડતાં કાર પાસે પહોંચી હતી અને ટોર્ચ કરીને જોતા સંદીપ રંગેહાથ પકડાયો હતો.
આથી નરોડા પોલીસે સંદીપની ધરપકડ કરી હતી અને બેભાન રામસ્વરુપને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તે ભાનમાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.