ગુજરાતમાં સ્કૂલ ફીને લઈને વિવાદ વકરી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સરકારે 25 ટકા ફી માફી આપી હતી. હવે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તો સરકારે વાલીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ એવી વાલી મંડળે માંગ કરી હતી. હવે વાલીમંડળે આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. FRC કમિટીમાં નવા વર્ષ માટેની ફી દરખાસ્ત મંજુર કરવા ખાનગી સ્કૂલોએ ખર્ચ ઓડિટના હિસાબો સાથે 3 વર્ષની દરખાસ્ત મુકેલી છે.આ દરખાસ્તને મંજૂરી ના આપવા વાલી મંડળે માંગ કરી છે. ખોટા હિસાબો અને ઓડિટના આધારે FRC ફી વધારો આપે તો FRC સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા વાલી મંડળે ચીમકી આપી છે.
જોગવાઈ મુજબી વાલી મંડળ કાર્યવાહી કરશે
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે FRC ના તમામ ઝોનના ચેરમેનને પત્ર લખીને જણાવ્યું છે કે જો સ્કૂલો નવી દરખાસ્તમાં ઓડિટ ખર્ચમાં ખોટા હિસાબો અથવા ખોટી રીતે મુકેલા પેપરથી FRC ફી મંજુર કરશે અને વાલી મંડળને જાણ થશે તો સુપ્રીમ કોર્ટમાં FRC નો કેસ ચાલુ છે તેમ FRC સામે કોર્ટ ઓફ કન્ટેમ્પ કરીશું.નવા વર્ષની દરખાસ્તમાં ઓડિટ ખર્ચમાં વિગતોને ચકાસી,બિલો સાચા કે ખોટા તપાસી ફી મંજૂરી આપવા વિનંતી છે.જો FRC આ ઓડિટમાં ભૂલચૂક કરશે તો તમામ FRC ના સભ્યોની સામે કાયદાની કાનૂની જોગવાઈ મુજબી વાલી મંડળ કાર્યવાહી કરશે.
વાલી મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો
એક સપ્તાહ પહેલાં જ ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે બાળકોનો અભ્યાસ સંપૂર્ણ પૂરો ન થતા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સરકારે જાહેર કર્યું છે ત્યારે બાળકો સ્કૂલોમાં ભણ્યા નથી અને મોટા ભાગે સ્કૂલે ગયા નથી. ગુજરાત સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી ત્યારે માસ પ્રમોશનની જેમ 25 ટકા ફી માફી આપવી જોઈએ. ગુજરાતમાં સ્કૂલો 9 મહિના સંપૂર્ણ બંધ રહી હતી અને સ્કૂલોને કોઈ પણ પ્રકારના ખર્ચ થયા નથી. જેથી માસ પ્રમોશનની જેમ ફી માફીનો અમલ પણ સરકાર કરાવે.શિક્ષણમંત્રી આ અંગે પગલાં નહીં લે તો વાલીમંડળ હાઈકોર્ટમાં જશે. ત્યારે હવે વાલીમંડળે હાઈકોર્ટમાં અરજી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.