જૈનાચાર્ય કલ્યાણબોધીસુરીશ્વરજી મહારાજ સાહેબના જણાવ્યા અનુસાર કે જૈન ધર્મના પાયામાં “અનેકાંતવાદ” છે. અનેકાંત એટલે કોઈ વાતમાં પકડ નહીં, હું સાચો તું ખોટો, આ હઠાગ્રહ નહીં, આમ જ થાય, આમ ન જ થાય એવો પૂર્વાગ્રહ નહીં. કુમારપાળ મહારાજા એક બાજુ યુદ્ધો ખેલતા હતા તો બીજી બાજુ જૂ મારનારને કડકમાં કડક સજા કરતા હતા.
પેથડશા યુદ્ધ કરવા જતી વખતે ઘોડા પર બેસતા પૂર્વે ઘોડાની પલાણ પૂજણીથી પૂજતા હતા. અકબર બાદશાહ યુદ્ધ કરતા હતા પણ ટેન્ટમાં પંખીએ બાંધેલા માળા બચાવતા હતા. ડેપ્યુટી કલેકટરની ફરજ બજાવતા જે.બી. પરીખ જૈન ધર્મના કટ્ટર આચાર પાલક હતા. ઝીંણામાં ઝીંણા જીવોની રક્ષા કરતા હતા તો હુલ્લડ - દંગલ વખતે શૂટ એટ સાઇટનો ઓર્ડર આપતા હતા.
કાલિકાચાર્ય નાનામાં નાના જીવોની દયા પાળતા હતા તો સાધ્વીજીના શીલની રક્ષા માટે યુદ્ધો પણ ખેલતા હતા. આ બધા દ્રષ્ટાંતો કહે છે,‘જે સમયે જે કરવું પડે તે કરવું જ જોઈએ’ તે અનેકાંત છે. અનેકાંતમાં ક્યાંય જડતા નથી. અહિંસાનું પાલન કરો, જરૂર પડે તો ખૂંખાર યુદ્ધ પણ ખેલો, શરત એટલી છે કે યુદ્ધ કરતી વખતે પણ દ્વેષભાવ ન જોઈએ, દયાનો ભાવ, રક્ષાનો ભાવ, સ્વ-પરના હિતનો ભાવ જ જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.