ક્રાઇમ:બર્થ ડે ઉજવતા યુવાનોને ઠપકો આપતાં પૂર્વ કોર્પોરેટરની કારને સળગાવી દીધી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 4 મિત્રો રિક્ષામાં ફુલ અવાજે મ્યુઝિક વગાડી ઉજવણી કરતા હતા
  • શહેર કોટડા પોલીસે આગ લગાડનારા બે સામે ગુનો નોંધ્યો

મિત્રનો જન્મ દિવસ હોવાથી 4 રિક્ષા ચાલકો રાતે 10 વાગ્યે મોટા અવાજે મ્યુઝિક વગાડી ઉજવણી કરતા હોવાથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે તેમને મ્યુઝિક વગાડવાની ના પાડી હતી. જે બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હોવાની અદાવત રાખીને મોડી રાતે 2 યુવાનોએ પૂર્વ કોર્પોરેટરની ઈનોવા કાર સળગાવી દીધી હતી. જો કે કાર સળગી હોવાની જાણ થતા સ્થાનિક રહીશો ભેગા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ બૂઝાવી હતી.

નરોડા મેમ્કો મ્યુનિસિપલ લેબર ક્વાટર્સમાં રહેતા યશવંતકુમાર રમણલાલ યોગી(47) કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે અને હાલમાં કોંગ્રેસના કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. લગભગ 5 વર્ષ પહેલા યશવંતકુમારે તેમના મિત્રની ઈનોવા કાર અંગત વપરાશ માટે રાખી હતી, જેથી તે કાર તેઓ તેમના ઘર આગળ જ પાર્ક કરતા હતા.

જો કે બુધવારે તેમના જ કવાટર્સમાં રહેતા હાર્દિક ચૌહાણનો જન્મ દિવસ હોવાથી રાતે 10 વાગ્યે તેઓ ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન હાર્દિકના 4 મિત્રો રિક્ષામાં ફુલ અવાજ સાથે મ્યુઝિક વગાડતા હતા. જેથી તેમને મ્યુઝિક વગાડવાની ના પાડતા તેઓ બોલાચાલી કરીને ત્યાંથી જતા રહ્યા હતા, ત્યારબાદ ય‌શવંતકુમાર ઘરે જઈને સૂઈ ગયા હતા.

લગભગ રાતે 12.30 વાગ્યે હાર્દિક અને કેતન યશવંતભાઈના ઘર પાસે આવ્યા હતા અને ઈનોવા કારનો કાચ તોડીને કારમાં નીચે કોઇ જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી આગ લગાવીને ભાગી ગયા હતા. જો કે આ ઘટનાના પગલે સ્થાનિક રહીશોએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ વધારે ફેલાઈ હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આ અંગે યશવંતભાઈએ હાર્દિક અને કેતન વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની કારને રૂ.15 હજારનું નુકસાન કર્યુ હોવાનું લખાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...