હાઇકોર્ટમાં કબૂલાત:ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતાએ સ્વીકાર્યું કે, ‘ફૂડ સંપૂર્ણ શાકાહારી છે કે નહીં તે ચકાસવા પૂરતી સુવિધા જ નથી’

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: તેજલ શુક્લ
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • ફૂડ એન્ડ ડ્રગ્સ લેબના અધિકારીએ કહ્યું, ફૂડ વેજિટેરિયન હોવાનું દર્શાવતાં ગ્રીન સિમ્બોલથી સાબિત નથી થતું કે તેમાં ઈંડાં નથી
  • PILની સુનાવણીમાં વડોદરાના સાયન્ટિફિક નિષ્ણાતે કહ્યું, ચોક્કસ પ્રમાણ આપવા પૂરતાં સાધનો નથી

રાજ્યભરમાં વેજીટેરિયન ફૂડના નામે પીરસાતું ભોજન ખરેખર શુદ્ધ શાકાહારી છે કે નહીં? તે ચકાસવા માટે સરકાર પાસે પૂરતી માળખાકીય સુવિધા નથી. આ અંગે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. તેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીના સાયન્ટિફિક ઓફિસરે રજૂ કરેલો જવાબ ચોંકી ઉઠાય તેવો છે. શાકાહારી લોકો માટે આંચકાજનક રિપોર્ટ મળ્યો છે. તેમાં જણાવ્યું છે કે વેજીટેરિયન ફૂડને અલગ બતાવવા માટે વપરાતા ગ્રીન કલરના સિમ્બોલથીએ સાબિત થતું નથી કે તેમાં ઇંડાં છે કે નહીં? જસ્ટિસ વિનીત કોઠારી અને જસ્ટિસ ઉમેશ ત્રિવેદીની ખંડપીઠે સરકાર પાસે 3 સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે અને સુનાવણી 31મીએ હાથ ધરાશે.

મુંબઇ જીવદયા મંડળીએ રાજયમાં વેજીટેરિયન ફૂડ નક્કી કરવા માટેની માળખાકીય સુવિધા છે કે નહી તે માટે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. તેમાં એડવોકેટ નિમિષ કાપડીયાએ એવી દલીલ કરી હતી કે, રાજ્યમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન ફૂડને અલગ પાડતા ગ્રીન અને રેડ સિમ્બોલ નક્કી કરવા માટે પૂરતી માળખાકીય સુવિધા છે કે નહીં તે અંગે સિનિયર સાયન્ટિફિક ઓફિસર (ફૂડ), ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીએ આવી માળકાકીય સુવિધા નહીં હોવાનો જવાબ રજૂ કર્યો છે.

ખાદ્ય પદાર્થોના સેમ્પલની ચકાસણી કરવા કોર્ટનો આદેશ
હાઇકોર્ટે સરકારને વિવિધ સ્ટોર અને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી વેજીટેરિયન ફૂડ પ્રોડકટ લઇને તેમાં રહેલા તત્વોનું નિરીક્ષણ કરીને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. વેજીટેરિયન ફૂડમાં ઇંડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહી? તે અંગે તથા ઇંડાં વગરની પ્રોડકટના સ્વાદમાં કોઇ તફાવત છે કે નહીં તેવી તમામ વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે.

ટેસ્ટ 100 ટકા સચોટ ન હોવા છતાં સર્ટિફિકેટ આપી દેવાતા હોય છે
વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીએ તેના રિપોર્ટમાં પુરાવા જોડયા છે તેમાં જણાવ્યું છે કે, વેજીટેરિયન ફૂડ ચકાસવા માટે પૂરતા અને યોગ્ય માળખાકીય સાધનો નહીં હોવા છતાં વેજીટેરિયન પ્રોડકટ હોવાના સર્ટિફિકેટ કેટલાક કિસ્સામાં આપવામાં આવી રહ્યા છે. કોર્ટે આ પ્રકારના ટેસ્ટ માટે પૂરતી માળખાકીય સુવિધા છે કે નહી? તે અંગે પણ જવાબ માગ્યો છે.

વેજિટેરિયન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડના નિયમ પણ યોગ્ય નથી
વેજીટેરિયન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ રુલ પણ સરકારે યોગ્ય રીતે બનાવ્યા ન હોવાની અરજીમાં રજૂઆત કરાઇ છે. હાઇકોર્ટે નિષ્ણાતોએ રજૂ કરેલા રિપોર્ટથી સંતોષ નહીં હોવાથી ચકાસણી કરવા અને યોગ્ય મિકેનિઝમ બનાવવા સરકારને 3 સપ્તાહ આપ્યા છે. વેજીટેરિયન ફૂડમાં ઇંડાં ઉમેરાયા છે કે નહીં તે ચકાસવાના પૂરતા માપદંડો ન હોવાની રજૂઆત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...