ગાઢ ધુમ્મસથી ફ્લાઈટોનું સંચાલન ખોરવાયું:કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઈટ 13 કલાક મોડી પડી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી, મુંબઈથી આવતી 5 ફ્લાઈટ રદ

કુવૈત એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ હોવાથી અનેક ફ્લાઈટોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. જેમાં કુવૈતથી મોડી રાતે લગભગ 1.45 વાગે ઉપડી સવારે 8.15 વાગે અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ 1754 લગભગ 13 કલાકથી વધુ મોડી પડી હતી. જેના પગલે આ ફ્લાઈટમાં અમદાવાદ આવી રહેલા 150થી વધુ પેસેન્જરો સવારના બદલે રાતે 9 વાગ્યા બાદ અમદાવાદ પહોંચ્યા હતા.

આ ઉપરાંત ઉત્તર ભારતમાં પણ વિઝિબિલિટી ખૂબજ ઘટી જવાના કારણે ગુરુવારે અમદાવાદ આવતી જતી 9 ફ્લાઈટો 1 કલાકથી વધુ મોડી પડી હતી, જ્યારે સ્પાઈસ જેટની દિલ્હી - અમદાવાદ અને ગોફર્સ્ટની મુંબઈ - અમદાવાદ, ચંડીગઢ - અમદાવાદ, અમદાવાદ - મુંબઈ અને અમદાવાદ - મુંબઈ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી.

ઈન્ડિગોની અમદાવાદથી કુવૈત જતી ફ્લાઈટ 6ઈ 1753 બુધવારે મોડી રાતે સમયસર ઉપડી હતી. જે કુવૈત પહોંચી ત્યારે ત્યાં એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ હોવાથી વિઝિબિલિટી ખુબજ ઓછી હોવાના કારણે આ ફ્લાઈટને દુબઈ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી, ત્યારબાદ કુવૈત એરપોર્ટ પર વિઝિબિલિટી સુધરતા આ ફ્લાઈટ દુબઈથી પરત કુવૈત મોકલવામાં આવી હતી. જેના પગલે પેસેન્જરોને ટર્મિનલમાં જ લગભગ 15 કલાક જેટલો સમય બેસી રાહ જોવાનો વારો આવ્યો હતો. આ ફ્લાઈટ કુવૈતથી સાંજે 4 વાગ્યા બાદ અમદાવાદ માટે રવાના થઈ હતી જે મોડી રાતે 9 વાગ્યા બાદ અમદાવાદ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...