કોંગ્રેસ ક્યારે જાહેર કરશે 'મુરતિયા’ ?:અધ્યક્ષની ચૂંટણી અને ગેહલોત-પાઇલટની લડાઈમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી અટવાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • પ્રિયંકા ગાંધીનું ગુજરાતમાં ચૂંટણી કેમ્પેન પણ અસમંજસમાં

આમ આદમી પાર્ટી(AAP)એ બે યાદી જાહેર કર્યા પછી કોંગ્રેસે એવી જાહેરાત કરી હતી કે 15મી સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થશે. બાદમાં દાવેદારોની સંખ્યા વધી જતાં આ યાદી સપ્ટેમ્બરના અંતમાં જાહેર થશે એવી જાહેરાત કરાઈ હતી. કોંગ્રેસના નેતાઓ પણ યાદીની રાહ જોતા હતા, પણ ભારત જોડો યાત્રા અને રાજસ્થાનમાં ગેહલોત તથા સચિન પાઈલટ વચ્ચેની રાજકીય લડાઈ તથા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી ઘોંચમાં પડી છે. હવે ઓક્ટોબર મહિનામાં પ્રથમ યાદી જાહેર થાય એવી શક્યતા છે. કોંગ્રેસના નેતાઓ યાદી જાહેર ન થતાં મૂંઝવણમાં મુકાયા છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનના રાજકીય કકળાટ વચ્ચે અશોક ગેહલોત અને પ્રભારી રઘુ શર્મા ગુજરાતમાં ધ્યાન નહીં આપી શકે

કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યો પણ મૂંઝવણમાં મુકાયા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીના ચાર મહિના પહેલાં જ તેના 29 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સમયમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોતે પણ એવું નિવેદન કર્યું હતું કે 15 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, પરંતુ દાવેદારોની સંખ્યા વધી જતાં આખરે સપ્ટેમ્બરના અંતમાં પ્રથમ યાદી જાહેર થવાની હતી, જે રાજસ્થાનની સત્તાની લડાઈ અને કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીના મામલે હવે ઘોંચમાં પડી છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થયો ત્યારે કોંગ્રેસની યાદી હજી જાહેર થઈ શકી નથી. જેથી કોંગ્રેસમાં ઉમેદવારો પણ યાદીની રાહ જોઈ રહ્યા છે. ચાલુ ધારાસભ્યોને કોંગ્રેસ પહેલી યાદીમાં સમાવી લેશે, પરંતુ યાદી જાહેર ન થવાથી તેમની બેઠકો પર દાવેદારી નોંધાવવા માટે અન્ય કાર્યકર્તાઓને અસમંજસ અનુભવાઈ રહી છે.

કોંગ્રેસે ટિકિટોના દાવેદારોની સુનાવણી પૂરી કરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યની 182 વિધાનસભાની બેઠકો માટેના દાવેદારોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી 850થી વધુ દાવેદારો માટે છેલ્લા 5 દિવસથી ચાલતી હતી. દરેક ઝોન પ્રમાણે યોજાયેલી સુનાવણીમાં બેઠકદીઠ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. હવે પ્રદેશ ઇલેકશન કમિટી સુનાવણી હાથ ધરશે. દરેક દાવેદારોને પ્રદેશ કક્ષાએ પોતાના બાયોડેટાવાળા એપ્લિકેશન ફોર્મ જમા કરાવવાનું જણાવાયું હતું. પ્રાથમિક તબક્કે મળેલાં આ તમામ ફોર્મની ચકાસણી સાથે દાવેદારોની વાત પણ સાંભળવામાં આવી હતી. સુનાવણીમાં પ્રદેશ સેક્રેટરી અને સ્થાનિક નેતાઓ બેઠા હતા. નેતાઓએ દરેક દાવેદારની આર્થિક સ્થિતિ, રાજકીય કદ, સામાજિક પ્રવૃત્તિ, પક્ષમાં તેમની અત્યારસુધીનું કાર્ય સહિતની બાબતોને લઇને મૂલ્યાંકન કર્યુ હતું. કોંગ્રેસ આવતા મહિને પોતાની પ્રથમ યાદી જાહેર કરશે.

આ પણ વાંચોઃ ચૂંટણી ટાણે જ રાજસ્થાનનો જૂથવાદ ગુજરાતને નડશે, પ્રિયંકા ગાંધીના રોડ શોની તૈયારીઓ અંગે અસમંજસ

પ્રિયંકા ગાંધીના રોડ શોની તૈયારીઓ અંગે અસમંજસ
કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસ પર રાજસ્થાનની ઊથલપાથલ અસર કરી શકે એમ છે. ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો આગામી સમયમાં યોજનારા રોડ શો અને મહિલા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે કે નહીં એ અંગે હાલ સવાલો ઊભા થયા છે.ગુજરાત કોંગ્રેસ દ્વારા તેમને નવરાત્રિમાં ગરબા રમવા, માતાજીનાં દર્શન કરવા તથા મહિલા સંમેલનમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમના તરફથી હજી કોઈ ઉત્તર ગુજરાત કોંગ્રેસને મળ્યો નથી, કારણ કે ભારત જોડો યાત્રા પણ હાલમાં ચાલુ છે, જેને કારણે પ્રિયંકા ગાંધી તરફથી આમંત્રણનો ઉત્તર આવવામાં થોડું મોડું થયું છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાનાં હતાં. ગુજરાતમાં સૌપ્રથમ તેઓ પાવાગઢ દર્શન કરીને પ્રચાર શરૂ કરવાનાં હતાં. ત્યાર બાદ તેમનો રોડ શો યોજાવાનો હતો. અમદાવાદમાં ગરબામાં હાજરી આપીને તેઓ ગરબા પણ રમવાનાં હતાં.

રાજસ્થાનના બંને નેતા ગુજરાત પર ધ્યાન આપી શકે એમ નથી
રાજસ્થાનમાં આ પ્રકારની સ્થિતિથી કોંગ્રેસને કોઈ નુકસાન નથી, કારણ કે ત્યાં મુખ્યમંત્રી તો કોંગ્રેસના જ બનશે, પરંતુ આ ઘટનાની અસર ગુજરાત પર ખૂબ જ ઊંડી પડશે. ગુજરાતમાં કોંગ્રેસને આ વખતે કંઈક નવું થવાની આશા હતી એના પર હવે પાણી ફરી વળ્યું છે, કારણ કે વિવાદમાં રહેલા નેતાઓ પૈકી 2 નેતા તો સીધી જ રીતે ગુજરાત સાથે સંકળાયેલા છે. અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ પણ છે, જ્યારે રઘુ શર્મા ગુજરાતના પાર્ટી ઇન્ચાર્જ છે. હવે રાજસ્થાનમાં જ રાજકીય ઊથલપાથલ વચ્ચે આ બન્ને નેતા પૈકી એકપણ નેતા ગુજરાત પર ધ્યાન આપી શકે એમ નથી.

કોંગ્રેસ માટે ગુજરાતમાં સ્થિતિ વિપરીત બની શકે છે
બીજી તરફ, રાષ્ટ્રીય સ્તરે પરિવારવાદ અને જૂથવાદનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે હવે રાજસ્થાનમાં પેદા થયેલી સ્થિતિને કારણે ભારે અસહજ થવું પડી રહ્યું છે, જેની સીધી અસર ગુજરાત પર પણ પડી રહી છે. ગુજરાત કોંગ્રેસ માટે તો આ ઘટનાક્રમ દુકાળમાં અધિક માસ સમાન છે. ગુજરાત કોંગ્રેસ પહેલાંથી જ જૂથવાદને ખાળવા માટે મથી રહી છે. એવામાં આ તમામ મુદ્દાને બાંધીને ચાલતા નેતા અશોક ગેહલોત અને રઘુ શર્મા બન્ને હવે પોતાના રાજ્યમાં વ્યસ્ત છે, ત્યારે ગુજરાતમાં સ્થિતિ વિપરીત બની શકે છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવે અને સ્થિતિ બરોબર ચૂંટણી પહેલાં જ ડામાડોળ થાય એવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...