ચૂંટણીની જાહેરાત પહેલાં જ ‘મુરતિયા’ જાહેર:ગુજરાત AAPએ 10 ઉમેદવાર જાહેર કર્યા, ચૂંટણી પહેલાં તમામ 182 ઉમેદવાર જાહેર કરશે, ઇટાલિયા-ઇસુદાન પણ ચૂંટણી લડશે

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે. આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે.

આગામી સમયમાં નક્કી થશે BTP અને આપ વચ્ચે સીટની ફાળવણી
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો ઉપર ચૂંટણી લડશે. આજે દસ જેટલા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી છે ત્યારબાદ ધીરે-ધીરે તબક્કાવાર બીજા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. આમ આદમી પાર્ટી અને BTPનું ગઠબંધન છે, ત્યારે BTP જે સીટ પર ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકમાંથી કઈ સીટ પરથી આમ આદમી પાર્ટી અને કઈ સીટ પર BTP લડશે, તે અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. પહેલું લિસ્ટ જાહેર થયું તેમાં 10 ઉમેદવારની જાહેરાત કરી છે. તમામને અભિનંદન આપીએ છીએ. બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે
ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે આ વહેલા લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે.

ઇટાલિયા-ઇસુદાન પણ ચૂંટણી લડશે
ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે.

બેરોજગારોને મહિને 3000 રોજગાર ભથ્થાનો વાયદો
વેરાવળમાં જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જો AAPની સરકાર બની તો ગુજરાતના પ્રત્યેક બેરોજગાર વ્યક્તિને રોજગાર આપીશું. જ્યાં સુધી બેરોજગાર યુવાનોને રોજગાર નહિ મળે ત્યાં સુધી પ્રત્યેક બેરોજગાર યુવાનને 3000 રૂપિયા પ્રતિ માસ બેરોજગારી ભથ્થું આપીશું. 10 લાખ સરકારી નોકરીની ભરતી કરીશું. ગુજરાતમાં પેપરલીકથી યુવાનો ખૂબ જ પરેશાન છે, એટલે એના વિરુદ્ધ કડક કાયદાઓ લાવીશું અને સમયસર સરકારી પરીક્ષાઓનું આયોજન કરીશું.

ભાઈ-બહેનો હવે કોઈ રોજગાર માટે આપઘાત ના કરતાઃ કેજરીવાલ
સહકારીક્ષેત્રમાં અત્યારે ભ્રષ્ટાચાર અને ભલામણ કરવાથી લાંચ આપીને નોકરી મળે છે, પરંતુ અમે લાગવગ અને ભ્રષ્ટાચાર પર પ્રતિબંધ લાગે એવા કાયદાઓ લાવીશું અને સહકારીક્ષેત્રની નોકરીઓમાં સૌને સમાન તક મળે એવી વ્યવસ્થા ઊભી કરીશું. બસ, હવે ફક્ત 5 મહિના જ બાકી રહી ગયા છે ચૂંટણીમાં. મારી વિનંતિ છે કે મારા ગુજરાતનાં ભાઈ-બહેનો હવે કોઈ રોજગાર માટે આપઘાત ના કરતા, ખૂબ જ દુઃખ થાય છે.

સોમવારે કેજરીવાલે ગુજરાતની જનતાને 5 ગેરંટી આપી

  1. પાંચ વર્ષમાં દરેક બેરોજગારોને રોજગારી.
  2. રોજગાર ન મળે ત્યાં સુધી દરેક બેરોજગારોને દર મહિને રૂ. ત્રણ હજાર
  3. 10 લાખ સરકારી નોકરી આપીશું.
  4. ગુજરાતમાં દરેક પેપર ફૂટે છે, આવાં કૃત્યો બંધ કરાવવા કાયદો લાવીશું
  5. સહકારી ક્ષેત્રે નોકરીની સિસ્ટમ પારદર્શક કરીશું, જેથી સામાન્ય માણસોને નોકરી મળશે.
અન્ય સમાચારો પણ છે...