અમદાવાદના ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં 5 દિવસ પહેલાં 7મા માળે લાગેલી આગની ઘટનામાં એક કિશોરીએ જીવ ગુમાવ્યો. આ ઘટના ઘણી રીતે અમદાવાદ ફાયરબ્રિગેડ માટે 'Eye Opener' એટલે આંખ ઉઘાડનારી છે. આ દુર્ઘટનામાં ફાયરબ્રિગેડની ટીમ તો કોલ મળ્યાની 5 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પરંતુ 7મા માળે આગ ઓલવવા ફાયર ફાઈટરની સીડી જ ખૂલી નહીં. પરિણામે એક સગીરાએ જીવ ગુમાવ્યો. હવે સવાલ એ છે કે અમદાવાદમાં જ્યારે 20 માળ અને 30 માળનાં બિલ્ડિંગો બની રહ્યાં છે ત્યારે તેમાં રહેનારા લોકોના જીવ કેટલા સલામત છે કે રહેશે? અમદાવાદના ફાયર વિભાગ પાસે સૌથી ઊંચું ફાયર રેસ્ક્યુ સાધન જ 81 મીટરનું છે તો 80 મીટરથી ઉપરની હાઈટે રહેનારાનું આગના બનાવમાં શું થશે તે સમજી શકાય છે.
અમદાવાદ ફાયર વિભાગ બૂઠાં હથિયારથી યુદ્ધ લડે છે?
વાસ્તવમાં જોઈએ તો અમદાવાદ ફાયર વિભાગની હાલત બૂઠા હથિયારે યુદ્ધ લડવા જેવી છે. આવું કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી, કારણ કે અત્યારે અમદાવાદ ફાયર વિભાગ પાસે 54 મીટરની અને 81 મીટરની હાઈડ્રોલિક લેડર તથા 54 મીટરની TTL (ટેબલટોપ લેડર) છે, પરંતુ આ ત્રણેય સાધનો મેન્ટેનન્સના અભાવે શોભાના ગાંઠિયા સમાન છે. દિવ્ય ભાસ્કરે ઓર્ચિડ ગ્રીન ફ્લેટની દુર્ઘટના બાદ કરેલા રિયાલિટી ચેકમાં આ બાબતો સામે આવી છે. આમ અમદાવાદના ફાયર વિભાગે કરોડો રૂપિયાની કિંમતનાં ફાયર ફાઈટર સાધનો તો વસાવી દીધાં. પરંતુ આ ઈક્વિપમેન્ટ લાવ્યાં બાદ તેનું મેન્ટેન્સ જ ના થતાં તે હાલ કોઈ મોટી આગ લાગે તો કોઈ કામમાં આવે તેવાં નથી.
શું છે હાઈડ્રોલિક લેડર અને TTL?
અમદાવાદમાં ફાયર વિભાગ પાસે ગગનચુંબી ઇમારતોમાં આગ લાગે કે અન્ય હોનારતમાં ફસાયેલા લોકોને ઊંચાઈ પરથી રેસ્ક્યુ કરવા 2 હાઈડ્રોલિક લેડર (સ્નોરકેલ) અને એક TTL (ટર્નટેબલ લેડર) છે. હાઈડ્રોલિક લેડર, જેને સાદી ભાષામાં સ્નોરકેલ પણ કહીએ છીએ તેના વિશે સમજ આપતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હાઈડ્રોલિક પ્લેટફોર્મમાં ઉપર કેજ જેવું હોય છે. આગની ઘટનામાં રેસ્ક્યુ કરવા માટે સ્નોરકેલ ( હાઇડ્રોલિક પ્લેટફોર્મ) દ્વારા મહત્તમ 5 માણસોને કેજમાં લઈને નીચે ઉતારી શકાય છે. જ્યારે TTL મશીન લાંબી નિસરણી કે સીડી જેવું હોય છે જેમાં મોટી સંખ્યામાં લોકોને ઉતારી શકાય છે. આ TTLને સંકેલો કરી શકાય છે અથવા તો સીડી પર માણસ આવી જાય એટલે તેને નીચે પણ લાવી શકાય છે.
કેટલાં હાઈડ્રોલિક લેડર અને TTL છે અમદાવાદમાં?
અમદાવાદના ફાયર વિભાગ પાસે 2 હાઈડ્રોલિક લેડર (સ્નોરકેલ) અને એક TTL (ટર્નટેબલ લેડર) છે. હાઈડ્રોલિક લેડર (સ્નોરકેલ)માં એકની હાઈટ કેપેસિટી 54 મીટર અને બીજાની કેપેસિટી 81 મીટરની છે. જ્યારે TTL (ટર્નટેબલ લેડર)ની કેપેસિટી 54 મીટર સુધીની હાઈટને કવર કરવાની છે. આ સ્થિતિમાં જોઈએ તો અમદાવાદમાં સરેરાશ 25 માળ સુધી જ આગ કે હોનારતની ઘટનામાં રેસ્ક્યુ કરી શકવાની ફાયર વિભાગની કેપેસિટી છે. હાઈડ્રોલિક લેડરની વાત કરીએ તો એક લેડર પૂર્વમાં નિકોલ ફાયર સ્ટેશનમાં અને બીજી થલતેજ ફાયર સ્ટેશનમાં રાખવામાં આવે છે.
અમદાવાદમાં 14 માળથી ઉપરના 239 બિલ્ડિંગનું શું?
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમદાવાદમાં 45 મીટરથી ઉપરની હાઈટના બિલ્ડિંગને સ્પેશિયલ કેટેગરીનાં બિલ્ડિંગ કહેવામાં આવે છે. આવા બિલ્ડિંગની સંખ્યા 239 છે. હવે દિવ્ય ભાસ્કરે તપાસ કરી તો જાણવા મળ્યું કે આમાંની મોટાભાગનાં બિલ્ડિંગ શહેરના પશ્ચિમ વિસ્તારમાં તેમજ તેમાંની પણ મોટાભાગનાં એસજી-હાઈવે તથા આસપાસના તથા રિંગ રોડ તરફના વિસ્તારોમાં છે. જો ઓર્ચિડ ગ્રીનની 7મા માળની આગમાં ફાયર વિભાગનાં સાધનો વામણાં પુરવાર થયાં હતાં તો આ બિલ્ડિંગો તો ભગવાન ભરોસે જ છે તેવું કહી શકાય.
નિકોલથી સ્નોરકેલ 25 મિનિટે શાહીબાગ પહોંચે, ખૂલતા 10 મિનિટ
હવે માની લો કે શાહીબાગની કોઈ બિલ્ડિંગમાં 14મા માળે આગ લાગે તો નિકોલથી સ્નોરકેલને પહોંચતા સરેરાશ 25 મિનિટ લાગે. દિવ્ય ભાસ્કરે ગૂગલ મેપમાં જ નિકોલથી શાહીબાગના ડિસ્ટન્સની વાત કરીએ તો સરેરાશ 10 કિ.મી.નું અંતર થાય. માની લો કે 25 મિનિટમાં નિકોલથી શાહીબાગ સ્નોરકેલ પહોંચી પણ જાય છે તો તેને ખોલીને ઓપરેશન શરૂ કરતા બીજી 10 મિનિટ લાગી જાય. આ સ્થિતિમાં રેસ્ક્યુની કામગીરી ફાયરબ્રિગેડને કોલ મળ્યાની 35 મિનિટ પછી શરૂ થઈ શકે. ત્યાં સુધીમાં તો આગમાં ઘણું બધું ભસ્મીભૂત થઈ જાય.
થલતેજની સ્નોરકેલ પણ 27 મિનિટે વાડજ પહોંચે
હવે આપણે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો બીજી સ્નોરકેલ ( હાઇડ્રોલિક પ્લેટફોર્મ) થલતેજ વિસ્તારમાં છે. એટલે વાડજ વિસ્તારની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે અને 13 કે 14મા માળે લોકો ફસાઈ જાય તો સ્નોરકેલના ભરોસે ના રહી શકાય. આ લોકોનું સ્નોરકેલ વડે તાત્કાલિક રેસ્ક્યુ કરવું શક્ય નથી. ગૂગલ મેપ પ્રમાણે થલતેજ ફાયર સ્ટેશનથી વાડજ પહોંચતા 27 મિનિટ લાગે અને પહોંચ્યા બાદ તેને ઓપરેટિંગ માટે 8 થી 10 મિનિટ જેટલો સમય થાય. એટલે કે અહીં પશ્ચિમના વિસ્તારમાં પણ 35 મિનિટ પછી જ સ્નોરકેલનો ઉપયોગ થઈ શકે અને ફસાયલી વ્યક્તિઓએ ત્યાં સુધી પોતાના પ્રયત્ને અને ભગવાન ભરોસે જ આગ કે બીજી હોનારત સામે ઝઝૂમવું પડે.
16 કરોડના ખર્ચે TTL તો લાવ્યા, પણ બંધ હાલતમાં
અમદાવાદ ફાયર વિભાગ માટે 2016ની સાલમાં રૂ. 16 કરોડના ખર્ચે TTL (ટર્નટેબલ લેડર) મશીન લાવવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે તે લગભગ બંધ હાલતમાં જ છે કારણ કે છેલ્લા 5 મહિનાથી તેનું કોઈ મેન્ટેનન્સ જ નથી થયું. આ મશીન અમદાવાદ ફાયર વિભાગને સોંપવામાં આવ્યું તે પછી તેનો એક પણ વાર ઉપયોગ કરાયો નથી. અત્યારે પણ આ TTL મશીન જેનો ઉપયોગ 54 મીટર ઊંચી ઇમારતોમાં ફસાયેલા લોકોને સીડીની જેમ ઉતારવા માટે થઈ શકે છે તે કોઈ ઉપયોગમાં આવે તેમ નથી. આ અત્યંત મોંઘાં અને સોફેસ્ટિકેટેડ મશીન છે જેનું નિયમિત મેન્ટેનન્સ થવું જરૂરી છે. પરંતુ કમનસીબે આટલાં મોંઘાં અને ઉપયોગી મશીનોની કોઈ મરામત થતી નથી.
હાઇટ્રોલિક પ્લેટફોર્મને પણ ઓપરેટર નહિ, ડ્રાઇવર જ ચલાવે!
ફાયર કે બીજી હોનારતની ઘટનામાં ઊંચાં બિલ્ડિંગોમાંથી રેસ્ક્યુ માટે સ્નોરકેલ (હાઇડ્રોલિક પ્લેટફોર્મ) વપરાય છે. હવે આ સ્નોરકેલની ઉપરના ભાગે કેજ એટલે કે પિંજરું હોય છે જેમાં રેસ્ક્યુ કરેલી વ્યક્તિને લઈ શકાય છે. આ મશીન ગાડીના ચાર જેક પર જ સર્ફેસ પર રહીને ચાલે છે અને તેમાં અઢળક સેન્સર્સ હોય છે. ક્યાંક પણ ઓબ્સ્ટ્રક્શન આવે કે વાયર કે ડાળી આવે તો આ માંચડો 14-15 માળેથી નીચે પડી શકે છે. આ સ્થિતિમાં તેને ઓપરેટર કરવા હાઈલી સ્કિલફુલ ઓપરેટરની જરૂર પડે છે. પરંતુ અમદાવાદમાં નિકોલ અને થલતેજ ફાયર સ્ટેશનના ડ્રાઈવરો જ આ મશીનને ઓપરેટ કરે છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે સ્નોરકેલને કોઈ ઓપરેટર નહિ પણ નિકોલ ફાયર સ્ટેશનના 9 ડ્રાઇવર અને થલતેજ ફાયર સ્ટેશનના 6 ડ્રાઇવર ચલાવે છે. હવે આટલાં અગત્યનાં સાધનને ઓપરેટ કરવા કોઈ સ્પેશિયલ ઓપરેટરની ભરતી કેમ નથી કરાઈ તે પણ મોટો સવાલ છે.
TTL મશીન જમાલપુર સ્ટેશને શટર પાડી 5 મહિનાથી બંધ
દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં વધુ એક ચોંકાવનારી બાબત બહાર આવી કે, ટર્નટેબલ મશીન જમાલપુર ફાયર સ્ટેશન ખાતે પ્રજાના પૈસે ધૂળ ખાઈ રહ્યું છે. આ TTL મશીનને જમાલપુર ફાયર સ્ટેશન ખાતે એક ખૂણામાં શટર પાડીને અંદર બંધ હાલતમાં 5 મહિનાથી મૂકી રખાયું છે. આ 5 મહિના દરમિયાન આ TTL મશીનને એક વાર પણ ઓપરેટ કરાયું નથી કે તેનું કોઈ નિયમિત મેન્ટનેસ કે સર્વિસ કરાઈ જ નથી. એટલે કુલ વાસ્તવિકતા એ છે કે, અમદાવાદ ફાયર વિભાગ પાસે મર્યાદિત માત્રામાં આગ બુઝાવવા અને રેસ્ક્યુ માટેનાં સાધનો છે અને તેમાં પણ આ કરોડો રૂપિયાનાં સાધનોનું મેન્ટેનન્સ નિયમિત રીતે કરાતું જ નથી. બીજી બાજુ સ્ટાફના અભાવે ફાયર વિભાગ કયાં સાધનોનું ક્યારે ચેકિંગ થયું તેનું કોઈ રજિસ્ટર ડેવલોપ કરી શકતું નથી.
ફાયર વિભાગમાં કોમ્યુનિકેશન વાયરલેસ પણ બંધ
સામન્ય રીતે ફાયર વિભાગમાં એકબીજા સાથે કોમ્યુનિકેશન માટે વાયરલેસ સાધનોનો ઉપયોગ કરાય છે. પરંતુ અત્યારે જે મર્યાદિત સંખ્યામાં વાયરલેસ ઈન્સ્ટ્રુમેન્ટ ફાયર વિભાગ પાસે છે તે પણ બંધ હાલતમાં હોવાને લીધે તેનો પણ ઉપયોગ કરાતો જ નથી. આ વાયરલેસ સાધનો બંધ હોવાને કારણે આગ જેવી ઇર્મજન્સી સિચ્યુએશનમાં એકબીજાને મોબાઈલ પર કોલ કરીને જ કોમ્યુનિકેશન કરવું પડે છે. જેના લીધે ફાયરના અધિકારીઓ અને કર્મચારીઓને એકબીજા સાથે કનેક્ટ થવામાં ઘણો સમય લાગી જાય છે.
ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં આગથી 17 વર્ષની તરુણીનું મોત
7 જાન્યુઆરીએ અમદાવાદના શાહીબાગના ઓર્ચિડ ગ્રીન ફ્લેટના સાતમા માળે આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ઘરમાં રહેલી 4 વ્યક્તિઓ પૈકી 3 વ્યક્તિ બહાર નીકળી ગઈ હતી. જ્યારે એક 17 વર્ષની તરુણી 25 મિનિટ સુધી મદદની ગુહાર લગાવીને અંતે મોતને ભેટી હતી. મૃતક તરુણી ભણવા માટે માતા-પિતાથી દૂર કાકા-કાકીને ત્યાં રહેતી હતી. આગથી બચવા તરુણીએ અનેક પ્રયત્ન કર્યા પરંતુ અંતે તો તેને મોત જ મળ્યું હતું.
ફાયરની ગાડી તો આગ બુઝાવવા માટે પહોંચી હતી
અમદાવાદના શાહીબાગના ગિરધરનગરમાં આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં 7 જાન્યુઆરીની સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. સાતમા માળે ફ્લેટમાં આગ લાગતાં ફાયરની ગાડી તો આગ બુઝાવવા માટે પહોંચી હતી, પરંતુ સમયસર સીડી ના ખૂલતાં પાણી પાંચમા માળ સુધી જ પહોંચતું હતું. થોડી મહેનત કર્યા બાદ અને થોડો સમય ગયા બાદ સાતમા માળ સુધી પાણી પહોંચી શક્યું, પરંતુ ફ્લેટમાં ફસાયેલી 17 વર્ષની સગીરાનો જીવ ના બચી શકાયો. મા-બાપથી દૂર રહેતી સગીરાએ આગમાં દાઝી જવાને કારણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના સંદર્ભે દિવ્ય ભાસ્કરે પ્રત્યક્ષદર્શી મહેશ ચોપરા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે પ્રાંજલની બૂમાબૂમથી માંડીને તેના સળગીને મોતને ભેટવા સુધીની દર્દભરી હકીકત રજૂ કરી હતી.
સવારે ઊઠ્યો ત્યારે બધાં બૂમાબૂમ કરતાં હતાં
ઘટનાના પ્રત્યક્ષદર્શી મહેશ ચોપરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સવારે 7-20 વાગે ઊઠ્યો તો જોયું બધાં બૂમો પાડી રહ્યાં હતાં. હું સી બ્લોકમાં રહું છું. જેથી મેં મારા ઘરેથી જોયું તો બાજુના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને એક છોકરી પણ ફસાયેલી હતી, જેથી હું તરત નીચે ગયો, હું નીચે ગયો ત્યારે ફાયરબ્રિગેડની ગાડી આવી ચૂકી હતી. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પાંચમા માળ સુધી જ પાણી પહોંચતું હતું, જેથી મેં તેમને સીડી ખોલવા કહ્યું, પરંતુ તેમની સીડી ખૂલી નહોતી. મેં તેમને કહ્યું, મારી સાથે આવો, બાજુના બિલ્ડિંગમાંથી પાણી નાખો. બાજુના બિલ્ડિંગમાં લઈ જઈ અમે તેમની સાથે પાણી નખાવ્યું. પાણી સમયસર 7મા માળે પહોંચ્યું હોત તો છોકરી બચી જાત.
એ લાચાર દીકરીને લપેટીને નીચે લાવવામાં આવી
સીડી છેલ્લે સુધી ના ખૂલી પછી ફાયર ફાઈટર બાજુની ગાડી પર ચઢીને પાણી છાંટવા લાગ્યા તોપણ પાણી ન પહોંચ્યું. છોકરીને મેં જોઈ ત્યારે ગેલરીમાં બેઠી હતી. બૂમાબૂમ કરતી હતી પછી બેભાન થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડ આવ્યા બાદ 30 મિનિટ બાદ આગ બુઝાવવામાં આવી હતી અને છોકરીને નીચે લાવવામાં આવી હતી.
પ્રાંજલ ધોરણ 12મા અભ્યાસ કરતી હતી
ઓર્ચિંડ ગ્રીન ફ્લેટમાં સુરેશ જીરાવાલા અને તેમના ભાઈ દિનેશ જીરાવાલા 6 વર્ષ અગાઉ રહેવા આવ્યા હતા. સુરેશભાઈની પત્ની તમન્નાબેન અને 13 વર્ષનો દીકરો યશ તથા 10 વર્ષનો દીકરો તનીશ હતો. દિનેશભાઈનાં પત્ની પિંકીબેનની મોટી દીકરી પ્રાંજલ અને 9 તથા 3 વર્ષની બીજી બે નાની દીકરીઓ હતી. દિનેશભાઈ કાપડનો ધંધો કરતા હતા. GPCBમાંથી 6 મહિના અગાઉ નોટિસ આવતા તેમને ધંધો બંધ કરવો પડ્યો હતો જેથી તેઓ પત્ની અને નાની બે બાળકીઓ સાથે સુરત રહેવા ગયા હતા. મોટી દીકરી પ્રાંજલ 12મા ધોરણમાં અભ્યાસ કરતી હોવાથી તે તેના કાકાના ઘરે જ રહેતી હતી.
લાકડાનું ફર્નિચર હોવાથી આગ વધુ પ્રસરી હતી
સવારે 7 વાગે ઘરમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. ઘરમાં લાકડાનું ફર્નિચર વધારે હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. આગ લાગવાને કારણે ઘરમાંથી બહાર આવવાના રસ્તા પ્રાંજલ માટે બંધ થઈ ગયા હતા, જેથી પ્રાંજલ રૂમની બાલ્કનીમાં પહોંચી હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પ્રાંજલ બાલ્કનીમાં લપાઈને બેસી ગઈ હતી અને મદદ માટેની આશા લગાવી રહી હતી. આસપાસના લોકોએ પણ બૂમાબૂમ કરતાં સમગ્ર ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા. જોકે, પ્રાંજલના કાકી અને તેમના બે દીકરા જીવ બચાવીને નીચે જતાં રહ્યાં હતાં.
ઘરની અંદરનો તમામ સમાન બળીને ખાખ
બીજી તરફ પોલીસ અને FSLની ટીમ આગ કયા કારણથી લાગી હતી તે તપાસમાં લાગી છે. પોલીસ દ્વારા આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘરની અંદરનો તમામ સમાન બળીને ખાખ થઈ ગયો છે. જે રૂમમાં આગ લાગી હતી ત્યાં કબાટ, કબાટમાં કપડાં, બેડ, પંખો, લાઈટ, દરવાજો સહિતની તમામ વસ્તુઓ બળી ગઈ છે. જ્યારે બાજુના રૂમનું એસી, પંખો, બેડ, બારી, દરવાજો બળી ગયો છે. હોલમાં સોફા, એસી, પંખો, ટીવી, ફ્રેમ, ફ્રીઝ, ટેબલ સહિતની વસ્તુઓ બળી ગઈ છે. સમગ્ર ઘર બળવાના કારણે કાળું થઇ ગયું છે. ઘરની બહારની છત પણ કાળી થઈ ગઈ છે.
15 ટીમ હતી છતાં સાતમા માળે ફાયરની ટીમ ન પહોંચી શકી
ફાયરની ટીમને જાણ થતાં ફાયરની ત્રણ ગાડી શરૂઆતમાં પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પાણી સાતમા માળ સુધી પહોંચતું ન હતું. થોડા સમય બાદ બીજી ફાયરની ગાડી આવતાં ફાયર ફાઈટર દ્વારા ગાડીની ઉપર ચઢીને આગ બુઝાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ સાતમા માળે યોગ્ય રીતે પાણી પહોંચી શકતું ન હતું. આમ, એક બાદ એક 15 ગાડી પહોંચતાં અંતે સાતમા માળ સુધી પાણી પહોંચ્યું અને ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધી પ્રાંજલ બેભાન થઈને બાલ્કનીમાં પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.