શાયર રાવલ
આગ લાગે ત્યારે ફાયર વિભાગ માટે ઘટના સ્થળે સમયસર પહોંચવું અને સંકલનથી આગ પર કાબૂ મેળવી જીવ અને માલ-મિલકત બચાવવાની કામગીરી કરવાનું છે, પણ કમનસીબે મ્યુનિ. સંચાલિત ફાયર વિભાગ પાસે એક બીજાને કમ્યુનિકેશન કરવા માટે વપરાતા બેઝિક વાયરલેસ સેટ અને વોકીટોકી જેવા ગેજેટ્સ કે, ઈક્વિપમેન્ટ નથી. ફાયર વિભાગના એક સિનિયર અધિકારીને પૂછ્યું કે, ફાયર કોલ વખતે ઘટના સ્થળે તમે કમ્યુનિકેશન કેવી રીતે કરો છો? તો તેમણે જવાબ આપ્યો કે, મોટાભાગે બૂમો પાડીને કરીએ છીએ. મોબાઈલનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ.
ફાયર વિભાગના સૂત્રો કહે છે કે, શનિવારે શાહીબાગ ગિરધરનગર સ્થિત ઓર્કિડ ગ્રીનમાં આગ લાગી તે ઘટનામાં ફાયરના તમામ વ્હિકલ્સ, ઓફિસર્સ વ્હિકલ્સ, કંટ્રોલરૂમ અને વોચરૂમને સાંકળતા વ્હિકલ માઉન્ટેડ વાયરલેસ સેટ અને વોકીટોકી સિસ્ટમ ઉપલબ્ધ હોત તો 17 વર્ષીય કિશોરીને બચાવી શકાઈ હોત. શહેરના 18 ફાયર સ્ટેશનને જોડતી આ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો ખર્ચ આશરે દોઢ કરોડ થાય છે. ફાયર વિભાગનો દાવો છે કે, તેમની પાસે રેસ્ક્યુ અને ફાયર ફાઈટિંગ કરવા કરોડો રૂપિયાના અત્યાધુનિક સાધનો છે, પણ મહત્ત્વના સાધનો નથી.
આ ઘટના બાદ ફાયર વિભાગની કામગીરી ઉપર અનેક પ્રશ્નો ઊભા થયા છે. અમદાવાદ ફાયર પાસે 170 વિવિધ વ્હિકલ છે જેનો ફાયર કે ડિઝાસ્ટર વખતે ઉપયોગ કરાય છે. આ વ્હિકલ્સમાં માઉન્ટેડ વાયરલેસ સેટ, વોકીટોકી કે, જીપીએસ સિસ્ટમ જ નથી. મ્યુનિ. હદ વિસ્તારના ફાયર સ્ટેશનમાં ‘વન સ્પીક ઓલ લિસન’ યુએચએફ (અલ્ટ્રા હાઈ ફ્રિક્વન્સી) જેવી કોઈ સિસ્ટમ નથી. શહેરમાં 8થી 10 સેટ છે, પણ તે હાલ ભંગારની સ્થિતિમાં છે. કેટલાક સેટ તો ભાડા ઉપર લેવાયા હતા તેનો પણ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. સૂત્રો કહે છે કે, 100 વાયરલેસ હેન્ડસેટ ખરીદવા માટે મ્યુનિ.માં પ્રપોઝલ મૂકી છે. ભૂતકાળમાં વાયરલેસ ફ્રિકવન્સી બાબતના પ્રશ્નો ઊભા થયા હતા ત્યાર પછી કોઈ પ્રોગ્રેસ થયો નથી. તે માટે જરૂરી લાઈસન્સની જરૂર હોય છે.
રૂ.16 કરોડનું ટર્ન ટેબલ લેડર 7 માસથી સર્વિસમાં
હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી હોય ત્યારે મહત્ત્વની TTL (ટર્ન ટેબલ લેડર) 7 મહિનાથી સર્વિસમાં છે. તેનો કોઈ પાર્ટ ખરાબ થઈ ગયો હોવાથી તેનો ઉપયોગ બંધ રાખવામાં આવ્યો છે. આશરે 16 કરોડના ખર્ચે 6 વર્ષ પહેલા TTL ખરીદાયું હતું.
ન્યૂ મણિનગરની શ્રીનંદ સિટીમાં લોકોએ કનેક્શન ના કાપવા દીધું
ફાયર NOC વિનાના બિલ્ડિંગનું પાણી જોડાણ કાપવા ગયા તો ખબર પડી કે મ્યુનિ.એ જોડાણ આપ્યું જ નથી
ફાયરબ્રિગેડે શહેરમાં વિવિધ વિસ્તારમાં હાઈરાઈઝ િબલ્ડિંગમાં ફાયર એનઓસી નહીં હોવાથી 24 સોસાયટીઓ- બિલ્ડિંગોને નોટિસો આપી છે, ન્યૂ મણિનગર ખાતે આવેલી શ્રીનંદ સિટી ખાતે પાણીનું કનેકશન કાપવા માટે ગયેલી ટીમની સામે દેખાવો કરી સ્થાનિક રહીશોએ પાણીનું કનેકશન કાપવા દીધું ન હતું. સૂત્રોના જણાવ્યા અ્નુસાર કેટલાક રાજકીય અગ્રણીઓએ પાણીનું કનેક્શન કાપવા દીધું ન હતું. જ્યારે ચાંદલોડિયાના બીએમ ટાવર, અને વિંઝોલના શાલીન -5 ખાતે પાણીના જોડાણો કાપવા માટે પહોંચ્યા હતા. જોકે ત્યાં મ્યુનિ.એ પાણીના જોડાણો જ આપ્યા ન હોવાથી ટીમે પાછા ફરવું પડ્યું હતું. વસ્ત્રાલના વેદરાજ ટાવરનું પાણીનું જોડાણ કાપવામાં આવ્યું હતું.
ફાયર એનઓસી નહીં ધરાવતી 5 બિલ્ડિંગના પાણીનાં જોડાણો બુધવારે કાપ્યા બાદ આજે વધારે 3 બિલ્ડિંગના પાણીના જોડાણો કાપવા માટે મ્યુનિ. અધિકારીઓ પહોંચ્યા હતા. જોકે આ હાઈરાઈઝ બિલ્ડિંગ પોતાના બોરના પાણી પર જ નિર્ભર હોવાનું અને તેમને મ્યુનિ. દ્વારા પાણી આપવામાં નહીં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ સ્થળે પાણીના કનેકશન કાપી શકાયા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.