તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાણીની 125મી જન્મજયંતી:ચોટીલામાં અંતિમ કૃતિ સોરઠી સંતવાણીનાં પ્રાચીન ભજનો ગુંજ્યાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે એમની જન્મભૂમિ ચોટીલા ખાતે એમની અંતિમ કૃતિ આધારિત સોરઠી સંતવાણી-પ્રાચીન ભજનોનો ઑન-લાઈન સ્વરાંજલિ કાર્યક્ર્મ યોજાયો હતો. ઈન્ટરનેટ પર વિશ્વભરમાં વસતાં 20 લાખથી વધુ ભાવિકોએ જીવંત માણ્યો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટી – સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તથા ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજી શાહ, અગ્રણીઓ રાજુભાઈ ધ્રુવ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભૂપતભાઈ ખાચર, પ્રદીપભાઈ ખાચર અને ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, ઐતિહાસિક અમદાવાદ-સાબરમતી જેલના નિવૃત્ત નાયબ અધિક્ષક પી.બી. સાપરા, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના જગદીશગિરીબાપુ ગોસાઈ (ડુંગર પરિવાર), કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ઘર્મેન્દ્રસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસએ ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન ભજનોની હ્રદયસ્પર્શી રજૂઆત કરીને સહુને ડોલાવી દીધા. ભજનિક-સંશોધક-લેખક ડો. નિરંજન રાજ્યગુરુ ઈશ્વરપ્રેમી અને સેવાભાવી સંત-કવિઓ અને એમની અમરવાણીનું માહિતીસભર-રસપ્રદ આચમન કરાવ્યું. જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. ગોરખનાથ, કબીર, રૈદાસ, મીરા, હરજી ભાટી, જેસલ-તોરલ, દેવાયત પંડિત, મૂળદાસ, ભવાનીદાસ, રવિભાણ સંપ્રદાયના ભાણસાહેબ, રવિસાહેબ, ખીમસાહેબ, ત્રિકમસાહેબ, મોરારસાહેબ, દાસ હોથી અને દાસી જીવણ, સતી લોયણ, રામૈયા, ગંગા સતી, જેઠીરામ, કાજી મહમદશાની સંતવાણી રજૂ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...