ઓઢવમાં દારૂ પીધેલી હાલતમાં મોડી રાત્રે પોતાની સગી દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર પિતાને પોક્સો કોર્ટના જજ પ્રેરણાબેન ચૌહાણે 10 વર્ષની સજા ફટકારી, ભોગ બનનાર સગીરાને રૂ.2 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.
કોર્ટે આરોપીને સજા ફટકારતાં નોંધ્યું હતું કે, નાના બાળકની અસમર્થતા તથા તેની દુનિયાદારીની અજ્ઞાનતાનો લાભ લઈ તેની સાથે જાતીય હુમલા અને જાતીય ઉગ્ર પ્રવેશના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. આ પ્રકારના કેસમાં સામાન્ય રીતે ફરિયાદ થતી નથી. તેવાં સંજોગોમાં ભોગ બનનાર સગીરાએ હિંમત કરી ફરિયાદ નોંધાવી હતી. આવા કેસમાં કોર્ટે સંવેદનશીલ થઈને તાર્કિક રીતે તમામ પુરાવાનું મૂલ્યાંકન કર્યું છે.
ઓઢવમાં રહેતા શ્રમજીવી પરિવારમાં 16 વર્ષની દીકરી ધો.8માં ભણે છે અને તેની માતા સાથે મજૂરી પણ કરે છે. જ્યારે પિતા કડિયાકામ કરી દારૂ પીને ઘરે આવતા હતા. 12 એપ્રિલ 2017ના 2 મહિના અગાઉ સગીરા માતા અને ભાઈ-બહેન સાથે ઘરમાં સુતી હતી, ત્યારે 45 વર્ષીય પિતાએ પાણી પીવાને બહાને દરવાજો ખોલાવી સગી દીકરી પર દુષ્કર્મ કર્યું હતું.
સગીરાને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લઈ જવાતાં, ત્યાંના તબીબે સગીરા ગર્ભવતી હોવાનું કહ્યું હતું. આથી માતાએ દીકરીને પૂછતાં પિતાએ આ કૃત્ય કર્યું હોવાનું કહ્યું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાનો ગર્ભ કોર્ટના આદેશથી પડાવી દેવામાં આવ્યો હતો.
સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ 17 સાક્ષી અને 21 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા. કોર્ટમાં ભોગ બનનાર દીકરી અને માતા સહિત અન્ય સાક્ષીઓ ફરી ગયા હતા. જોકે મેડિકલ પુરાવા અને એફએસએલના ડીએનએ ટેસ્ટ મેચમાં પિતા જ હોવાનું ફલિત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.